બાળકોને બચાવી શક્યો નહીં, ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું : ઝેલેન્સ્કી



- યુદ્ધનો 22મો દિવસ : શાંતિ વાટાઘાટો વચ્ચે રશિયાનું વિરોધાભાસી વલણ, થિયેટર પર હુમલામાં 1200નાં મોતની આશંકા

- વ્લાદિમિર પુતિન યુદ્ધ ગુનેગાર : રશિયન પ્રમુખ વિરુદ્ધ જો બાઈડેનની સૌથી આકરી ટીપ્પણી, અમેરિકન પ્રમુખ આજે જિનપિંગ સાથે ચર્ચા કરશે

- જર્મની પોતાના અર્થતંત્રને બચાવવા રશિયા પર વધુ આકરા પ્રતિબંધો લાદતા ડરે છે : ઝેલેન્સ્કીનો આક્ષેપ

- રશિયાના 14,000 સૈનિકો માર્યા ગયા, 86 વિમાનો, 108 હેલિકોપ્ટર્સ, 444 ટેન્કો તોડી પાડયાનો યુક્રેનનો દાવો

કીવ : રશિયા અને યુક્રેને યુદ્ધ ખતમ કરવા માટે વાટાઘાટોના પ્રયાસો અંગે આશાવાદી વલણ અપનાવ્યું છે તેવા સમયે રશિયાએ યુદ્ધના ૨૨મા દિવસે પોર્ટ સિટી મારિયુપોલમાં એક થિયટરને આર્ટિલરી હુમલો કરી તોડી પાડયું હતું. કામચલાઉ આશ્રય સ્થાન બનાવાયેલા આ થિયેટરમાં સેંકડો લોકોએ આશરો લીધો હતો અને આ હુમલામાં બાળકો સહિત ૧૨૦૦થી વધુ લોકો માર્યા ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે તેમ યુક્રેનના સત્તાવાળાઓએ જણાવ્યું હતું. રશિયાની વધતી આક્રમક્તા વચ્ચે અમેરિકા અને બ્રિટને યુક્રેનને વધુ એન્ટી-એરક્રાફ્ટ સિસ્ટમ અને ડ્રોન આપવાની જાહેરાત કરી છે. યુક્રેન પર રશિયાના હુમલા પછી અનેક વખત ત્રીજા વિશ્વયુદ્ધની ચેતવણી અપાઈ ચૂકી છે ત્યારે યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ કહ્યું કે, ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું છે. રશિયન હુમલામાં ૧૦૦થી વધુ બાળકોના જીવ બચાવી શક્યો નથી એ ખૂબ નિરાશાજનક છે.

મારિયુપોલમાં ત્રણ લાખ લોકો નરકમાં જીવી રહ્યા છે

યુક્રેનના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, પોર્ટ સિટી મારિયુપોલમાં એક થિયેટર પર રશિયન આર્ટીલરી હુમલામાં સેંકડો લોકો માર્યા ગયા હોવાની ભીતિ સેવાઈ રહી છે. 

જોકે, કેટલાક નાગરિકો બચી ગયા હોવાનું મનાય છે. બીજીબાજુ રશિયાએ યુક્રેનના અન્ય અનેક શહેરો પર હુમલાનું પ્રમાણ વધારી દીધું છે. 

મારિયુપોલની સિટી કાઉન્સિલે રશિયન હુમલા પથી તૂટી પડેલા ત્રણ માળના થિયેટરના એક ભાગની તસવીર જાહેર કરી હતી.  ઈમારતના બેઝમેન્ટમાં બાળકો સહિત ૧૨૦૦થી વધુ નાગરિકોએ આશરો લીધો હોવાનું મનાય છે. વધુમાં મારિયુપોલમાં રશિયન આક્રમણના કારણે મોટાપાયે ખાનાખરાબી સર્જાઈ છે. ત્રણ લાખથી વધુ લોકો નરક સમાન જીવન જીવી રહ્યા છે.

રશિયાએ મહિલા-બાળકોનું આશ્રય સ્થાન  સ્વિમિગપૂલ કોમ્પલેક્ષ તોડી પાડયું

ડોનેત્સ્ક રિજિઓનલ એડમિનિસ્ટ્રેશનના વડા પાવલો કીરીલેન્કોએ જણાવ્યું હતું કે, રશિયાએ મારિયુપોલમાં મહિલા અને બાળકો સહિત નાગરિકોએ આશરો લીધો હતો તેવા અન્ય એક સ્વિમિંગપૂલ કોમ્પ્લેક્ષ પર હવાઈ હુમલો કર્યો હતો. અહીં ગર્ભવતી મહિલાઓ અને બાળકો પણ રશિયન હુમલાનો ભોગ બન્યા હોવાનું મનાય છે.

ત્રીજા ભાગના રશિયન સૈન્યનો ખાતમો બોલાયો : યુક્રેન

યુક્રેનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, તેમણે યુક્રેન પર આક્રમણ કરનાર રશિયાના ત્રીજા ભાગના સૈન્યનો ખાતમો બોલાવ્યો છે. તેણે અત્યાર સુધીમાં રશિયાના ૧૪,૦૦૦ સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા છે. વધુમાં રશિયાના ૮૬ એરક્રાફ્ટ, ૧૦૮ હેલિકોપ્ટર્સ અને ૪૪૪ ટેન્કો તોડી પાડયા છે. આ સિવાય તેણે રશિયાની ૪૩ એન્ટી એરક્રાફ્ટ વોરફેર સિસ્ટમ, ૩ જહાજ, ૮૬૪ ગાડીઓ, ૨૦૧ આર્ટીલરી પીસ, ૧૪૫૫ બખ્તરબંધ ગાડીઓ, ૧૦ વિશેષ ઉપકરણોનો પણ નાશ કર્યો છે.

જર્મન સાંસદોને સંબોધતા ઝેલેન્સ્કીએ વધુ મદદ માગી

યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ અમેરિકા પછી ગુરુવારે જર્મન સાંસદોને સંબોધન કર્યું હતું અને યુક્રેનને વધુ મદદ આપવા વિનંતી કરી હતી. ઝેલેન્સ્કીએ જર્મની પર આક્ષેપ કર્યો હતો કે રશિયન આક્રમણ પછી યુક્રેનની સલામતી કરતાં જર્મની પોતાના અર્થતંત્રને વધુ મહત્વ આપી રહ્યું છે. જર્મનીની સંસદને સંબોધનમાં ઝેલેન્સ્કીએ રશિયા પાસેથી પ્રાકૃતિક ગેસ લેવા અંગે નોર્ડ સ્ટ્રી-૨ પાઈપલાઈન માટે જર્મન સરકારના સમર્થનની ટીકા કરી હતી. જર્મની પોતાના અર્થતંત્રને નુકસાન પહોંચી શકે છે તેવી આશંકાથી રશિયા પર આકરા પ્રતિબંધ મૂકવાનું ટાળી રહ્યું છે.

વિશ્વમાં એક જ ચર્ચા છે કે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું છે : યુક્રેનના પ્રમુખ

ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, હું ૪૫ વર્ષનો છું. રશિયન આક્રમણ પછી ૧૦૦થી વધુ બાળકોના મોત જોઈ ચૂક્યો છું. જેને પગલે હવે જીવનનું કોઈ મૂલ્ય નથી તેમ સમજાયું છે. સેંકડો બાળકો પર રશિયન કાર્યવાહી જોઈએ નિરાશ થઈ ગયો છું. વિશ્વમાં ચર્ચાઈ રહ્યું છે કે શું ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયુ ંછે? કોઈ જાણતું નથી. પરંતુ જો યુક્રેન આ યુદ્ધમાં હારી જશે તો આગળ શું થશે? મને લાગે છે કે રશિયાએ ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત કરી દીધી છે. ૮૦ વર્ષ પહેલાં આપણે જોઈ ચૂક્યા છીએ કે બીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું હતું અને કોઈપણ તેના અંગે ભવિષ્યવાણી કરી શક્યું નહોતું.

બ્રિટન, સ્લોવેકિયા પણ યુક્રેનને લશ્કરી સહાય માટે આગળ આવ્યા

બીજીબાજુ અમેરિકન પ્રમુખ જો બાઈડેને રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિનનો ઉલ્લેખ કરતાં વોશિંગ્ટનમાં કહ્યું હતું કે, પુતિન એક યુદ્ધ ગૂનેગાર છે. યુક્રેન પર રશિયાના આક્રમણ પછી અમેરિકન પ્રમુખની પુતિન વિરુદ્ધ આ સૌથી આક્રમક ટીપ્પણી છે. આ પહેલાં પણ બાઈડેને અનેક વખત રશિયાને ચેતવણી આપી હતી. આ સાથે બાઈડેન યુક્રેનને લાંબી રેન્જની મિસાઈલ, એન્ટી-એરક્રાફ્ટ સિસ્ટમ અને ડ્રોન આપવાની સાથે ૧ અબજ ડોલરની નવી સુરક્ષા મદદની જાહેરાત કરી હતી. બ્રિટને પણ યુક્રેનને આ હથિયારો આપવાની તૈયારી દર્શાવી છે. યુક્રેનની મદદ માટે સ્લોવેકિયા પણ આગળ આવ્યું છે. સ્લોવેકિયાએ યુક્રેનને સોવિયેત બનાવટની એસ-૩૦૦ મિસાઈલ સિસ્ટમ આપવાની તૈયારી દર્શાવી છે. જોકે, આ મિસાઈલ સિસ્ટમ આપવા માટે તેણે નાટોની સંમતી જરૂરી ગણાવી છે.

બાઈડેનની ટીપ્પણી અક્ષમ્ય, તમામને પૂરી ક્ષમતાથી જવાબ અપાશે : રશિયા

અમેરિકન પ્રમુખ બાઈડેનની પુતિન વિરોધી ટીપ્પણી અંગે વળતો જવાબ આપતાં રશિયન પ્રમુખ પુતિનની ઓફિસ ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે કહ્યું હતું કે, પુતિન અંગે બાઈડેને કરેલી ટીપ્પણી અસ્વીકાર્ય અને અક્ષમ્ય છે. આ સાથે રશિયાએ આંતરરાષ્ટ્રીય કોર્ટના યુક્રેનમાં તાત્કાલિક યુદ્ધ રોકવાના આદેશને નકારી કાઢ્યો હતો. રશિયાએ અમેરિકાને ચેતવણી આપતા કહ્યું કે પૂરી ક્ષમતા સાથે બધાને જવાબ અપાશે અને તેમને તેમની જગ્યાએ પહોંચાડી દેવાશે. 

અમેરિકા યુક્રેનને એક અબજ ડોલરની સહાય કરશે

યુએસ લાંબા અંતરની મિસાઈલો, એન્ટી-ટેન્ક શસ્ત્રો આપશે : બાઈડન

યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ અમેરિકન સંસદને ભાવનાત્મક સંબોધન કર્યા પછી અમેરિકન પ્રમુખ જો બાઈડેને યુક્રેનને રશિયાના આક્રમણ સામે લડવા માટે એક અબજ ડોલરથી વધુની સૈન્ય સહાયની જાહેરાત કરી છે.  વ્હાઈટ હાઉસે યુક્રેનને અપાનારી સૈન્ય સહાયની યાદી જાહેર કરી છે અને ઝેલેન્સ્કીને વચન આપ્યું છે કે અમેરિકા આ સૈન્ય મદદ પહોંચાડશે.

- ૮૦૦ સ્ટિન્ગર એન્ટી-એરક્રાફ્ટ સિસ્ટમ.

- ૨,૦૦૦ જમીનથી હવામાં પ્રહાર કરતી જેવેલિન મિસાઈલ્સ.

- ૧,૦૦૦ લાઈટ એન્ટી-આર્મર શસ્ત્રો.

- ૬,૦૦૦ એટી-૪ પોર્ટેબલ એન્ટી-ટેન્ક શસ્ત્રો.

- ૧૦૦ ટેકટિકલ માનવ રહિત સિસ્ટમ, જેને કમિકાઝે ડ્રોન કહેવાય છે.

- ૧૦૦ ગ્રેનેડ લોન્ચર્સ,

- ૨૦ લાખથી વધુ રાઉન્ડ્સનો દારૂગોળો અને મોર્ટાર રાઉન્ડ્સ.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે