હું ઝુકીશ નહીં, રવિવારે પાકિસ્તાનના ભાવિનો ફેંસલો : ઈમરાન ખાન
ઈસ્લામાબાદ, તા.૩૧
પાકિસ્તાનમાં સત્તા બચાવવા હવાતીયા મારી રહેલા વડાપ્રધાન ઈમરાન ખાને ગુરુવારે રાષ્ટ્રના નામે સંબોધન કરતા પોતાની ડામાડોળ સત્તા માટે અમેરિકા પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. તેમણે કહ્યું કે તેઓ ઝુકશે નહીં અને તેમની કોમને પણ ઝૂકવા નહીં દે. પાકિસ્તાનના ભાવિનો રવિવારે નિર્ણય થશે. સંસદમાં મતદાન થશે અને સત્તા પર કોણ રહેશે તે નિશ્ચિત થશે, પરંતુ વિપક્ષ એમ માનતો હોય કે ઈમરાન ખાન રાજીનામું આપી દેશે તો તેઓ જાણી લે કે ઈમરાન છેલ્લા બોલ સુધી મેદાન પર અડગ રહેશે.
દેશવાસીઓને સંબોધન કરતાં ઈમરાન ખાને કહ્યું કે, પાકિસ્તાન મારા કરતાં પાંચ વર્ષ જ મોટું છે. આપણે અહીંની પહેલી પેઢી છીએ. તેમણે ઉમેર્યું કે અમેરિકા તરફી બનવું મુશર્રફની મોટી ભૂલ હતી. હું સ્વતંત્ર વિદેશ નીતિની તરફેણ કરું છું. પાકિસ્તાન અમેરિકાની સાથે ઊભું રહીને આતંકવાદના વિરોધમાં લડયું અને તેણે જ પ્રતિબંધ મૂકી દીધો.
તેમણે ઉમેર્યું કે, હું ભારત અથવા અન્ય કોઈનો વિરોધ નહોતો ઈચ્છતો. આપણી વિદેશ નીતિ કોઈના વિરુદ્ધ નથી. ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કરીને આંતરરાષ્ટ્રીય કાયદો તોડયો ત્યારે પહેલી વખત હું ભારત વિરુદ્ધ બોલ્યો હતો. મેં એવી વિદેશ નીતિ બનાવી જે પાકિસ્તાનના લોકો માટે હોય. પાકિસ્તાનના લોકો માટેનો અર્થ એ નથી કે આપણે કોઈની સાથે દુશ્મની કરી લઈએ.
ઈમરાન ખાને કહ્યું કે અમેરિકાને મારી સામે વાંધો છે. અન્ય પક્ષો અથવા નેતાઓ સામે નથી. અમેરિકાએ પાકિસ્તાન સાથેના સંબંધો ખતમ કરવાની ધમકી આપી. બહારના લોકોએ અહીંના લોકો સાથે મળીને અમારી સરકાર તોડી પાડવા કાવતરું રચ્યું છે. રશિયા જવાનો નિર્ણય મારો એકલાનો નહોતો. હું રશિયા ગયો તેથી અમેરિકા નારાજ થઈ ગયું. તેણે મારી સરકાર તોડી પાડવા કાવતરું રચ્યું.
પાકિસ્તાનના લોકોને સંબોધન કરતાં ઈમરાને કહ્યું કે, તેમણે દેશને નીચે જતો જોયો છે. વોર ઓન ટેરર પર પાકિસ્તાને ભારે નામોશીનો સામનો કરવો પડયો છે. પાકિસ્તાન વિદેશી તાકતો સામે ઘૂંટણીયે પડેલું છે. આપણી વિદેશ નીતિ આઝાદ હોવી જોઈે, તેનો લાભ પાકિસ્તાનને થશે.
દરમિયાન વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ લવાયેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે ગુરુવારે નેશનલ એસેમ્બલીનું સત્ર શરૂ થતા જ રવિવાર સુધી સ્થગિત થઈ ગયું. તેનાથી ઈમરાનને ત્રણ દિવસનો સમય મળી ગયો. ગુરુવારે વિલંબથી સત્ર શરૂ થતાં વિપક્ષે 'ગો ઈમરાન ગો'ના સૂત્રોચ્ચાર સાથે તાત્કાલિક મતદાન કરાવવાની માગણી સાથે ભારે હોબાળો મચાવ્યો હતો. પરિણામે ડેપ્યુટી સ્પીકર કાસિમ સુરીએ થોડીક મિનિટની જ કાર્યવાહી પછી સત્ર ૩ એપ્રિલ સવારે ૧૧.૩૦ વાગ્યા સુધી સ્થગિત કરી દીધું હતું.
બીજીબાજુ પાકિસ્તાનમાં રાજકીય કટોકટી વચ્ચે પાકિસ્તાન તહેરિક-એ-ઈન્સાફ સરકાર અને સંયુક્ત વિપક્ષ વચ્ચે વાટાઘાટો ચાલતી હોવાનો દાવો થઈ રહ્યો છે. વડાપ્રધાન ઈમરાન ખાનના 'ખાસ માણસ'એ વિપક્ષને ઓફર આપી છે કે તેઓ ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચી લે તો ઈમરાન સંસદ ભંગ કરીને એક મહિનામાં સામાન્ય ચૂંટણીઓ લાવશે. વિપક્ષ આ ઓફર માની લે તો આ વર્ષે ઑગસ્ટમાં પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ થશે.
Comments
Post a Comment