શહીદ દિવસ: ભગત સિંહે ફાંસી પહેલા લખેલો પત્ર બની ગયો ઈન્કલાબનો અવાજ


- 'ક્રાંતિકારી દળના આદર્શો અને કુરબાનીઓએ મને ખૂબ ઉંચો ઉઠાવી દીધો છે. એટલો ઉંચો કે, જીવીત રહેવાની સ્થિતિમાં હું કોઈ પણ હિસાબે તેનાથી ઉંચો નહીં રહી શકું.'

અમદાવાદ, તા. 23 માર્ચ 2022, બુધવાર  

ભારતના ઈતિહાસમાં 23મી માર્ચનો દિવસ હંમેશા માટે અમર રહેશે. વર્ષ 1931માં આજના દિવસે જ ભગત સિંહ, શિવરામ રાજગુરૂ અને સુખદેવ થાપરે દિલમાં આઝાદીનું સપનું વસાવીને હસતા મોઢે ફાંસીને ફંદાને ચૂમી લીધો હતો. ભગત સિંહે ફાંસીના અમુક કલાકો પહેલા પોતાના સાથીઓને એક અંતિમ પત્ર લખ્યો હતો. તેમના હૃદયમાં ફાંસીના ડરને લઈ જરા પણ થડકાર નહોતો. દિલમાં હતી માત્ર દેશની આઝાદી માટે સર્વસ્વ ન્યોચ્છાવર કરી દેવાની એક ઉત્કટ ભાવના. અંગ્રેજો દ્વારા ફાંસી પર લટકાવવામાં આવ્યા ત્યાર બાદ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરૂ હંમેશા માટે અમર થઈ ગયા અને ભગત સિંહે લખેલો તે અંતિમ પત્ર દેશવાસીઓ માટે ઈન્કલાબનો અવાજ બની ગયો. 

શું હતો ભગત સિંહનો અંતિમ પત્ર

તેમણે પત્રમાં લખ્યું હતું કે, ચોખ્ખી વાત છે કે જીવવાની ઈચ્છા મારામાં પણ હોવી જોઈએ, હું તેને સંતાડવા પણ નથી માગતો. આજે એક શરત પર જીવિત રહી શકું છું. હવે હું કેદ રહીને કે બંધાઈને જીવવા નથી માગતો. મારૂં નામ હિંદુસ્તાની ક્રાંતિનું પ્રતીક બની ચુક્યું છે. ક્રાંતિકારી દળના આદર્શો અને કુરબાનીઓએ મને ખૂબ ઉંચો ઉઠાવી દીધો છે. એટલો ઉંચો કે, જીવીત રહેવાની સ્થિતિમાં હું કોઈ પણ હિસાબે તેનાથી ઉંચો નહીં રહી શકું. 

આજે મારી કમજોરીઓ જનતાની સામે નથી. જો હું ફાંસીથી બચી ગયો તો તે જાહેર થઈ જશે અને ક્રાંતિનું પ્રતીક ચિહ્ન મદ્ધમ પડી જશે, બની શકે છે કે નષ્ટ જ થઈ જાય. પરંતુ બહાદુરીપૂર્વક હસતાં-હસતાં હું ફાંસીએ ચઢી જઈશ તો હિંદુસ્તાની માતાઓ પોતાના બાળકોને ભગતસિંહ બનવાની આરજુ કર્યા કરશે અને દેશની આઝાદી માટે કુરબાની આપનારાઓની સંખ્યા એટલી વધી જશે કે ક્રાંતિને અટકાવવી સામ્રાજ્યવાદ કે તમામ શેતાની શક્તિઓના સામર્થ્યની વાત નહીં રહે. 

હા,એક વિચાર આજે પણ મારા મનમાં આવે છે કે, દેશ અને માનવતા માટે જે પણ કશું કરવાની ઈચ્છાઓ મારા દિલમાં હતી તેનો 1000મો ભાગ પણ પૂરો નથી કરી શક્યો. જો સ્વતંત્ર, જીવીત રહેત તો કદાચ તેને પૂરી કરવાનો અવસર મળતો. તે સિવાય મારા મનમાં ફાંસીથી બચવા માટેની કદી કોઈ લાલચ નથી આવી. મારાથી વધારે ભાગ્યશાળી વળી કોણ હશે. આજકાલ મને સ્વયં પર ખૂબ ગર્વ થાય છે. મને હવે ખૂબ આતુરતાપૂર્વક અંતિમ પરીક્ષાની રાહ છે, ઈચ્છા છે કે તે વધુ ઝડપથી આવે. તમારો કોમરેડ, ભગત સિંહ.

હસતાં-હસતાં ચૂમ્યા ફાંસીનો ફંદો

જે દિવસે ત્રણેય ક્રાંતિવીરોને ફાંસી અપાવાની હતી તે દિવસે પણ તેઓ હસી રહ્યા હતા. ત્રણેય એકબીજાને ગળે મળ્યા હતા. તે દિવસે જેલમાં બંધ તમામ કેદીઓની આંખો ભીંજાઈ હતી. ત્રણેયને ફાંસી પહેલા સ્નાન કરાવીને વજન કરવામાં આવ્યું હતું. સજાના એલાન બાદ ભગત સિંહનું વજન વધી ગયું હતું. અંતે ત્રણેય હસીને ફાંસીના ફંદાને ચૂમ્યા અને દેશની આઝાદી માટે પોતાની જાતને ન્યોચ્છાવર કરી દીધી. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે