Ukraine War: રશિયાએ ફરી વાપરી હાઈપરસોનિક મિસાઈલ, 400 લોકો દટાયા
- યુક્રેને કરેલા દાવા પ્રમાણે રવિવારે રૂબિજન અને સેવેરોડનેત્સ્ક ખાતે રશિયાએ જોરદાર બોમ્બમારો કર્યો હતો
કીવ, તા. 20 માર્ચ 2022, રવિવાર
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન રશિયાએ કરેલા દાવા પ્રમાણે તેણે ફરી એક વખત યુક્રેન પર હાઈપરસોનિક મિસાઈલ તાકી છે. રશિયાના દાવા પ્રમાણે તેણે બ્લેક સી ખાતે ડિપ્લોય પોતાના જહાજો દ્વારા હાઈપરસોનિક મિસાઈલ લોન્ચ કરી છે.
રશિયાએ ફરી એક વખત શાળાની ઈમારતને ટાર્ગેટ કરી છે. યુક્રેને કરેલા દાવા પ્રમાણે રશિયાએ રવિવારે મારિયુપોલ શહેરની એક આર્ટ વિદ્યાલય પર બોમ્બમારો કર્યો હતો. યુદ્ધના કારણે આશરે 400 લોકોએ આ શાળામાં શરણ લીધેલું હતું અને હુમલા બાદ તે કોઈની ભાળ નથી મળી રહી. એક અંદાજ પ્રમાણે તે સૌ લોકો કાટમાળ નીચે દટાઈ ગયા છે અને તેમને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
યુક્રેને કરેલા દાવા પ્રમાણે રવિવારે રૂબિજન અને સેવેરોડનેત્સ્ક ખાતે રશિયાએ જોરદાર બોમ્બમારો કર્યો હતો. છેલ્લા 24 કલાકમાં રશિયન એરસ્ટ્રાઈકમાં 24 ઘર અને એપાર્ટમેન્ટ તબાહ થયા. બિલ્ડિંગ ધરાશયી થવાના કારણે 7 લોકો કાટમાળમાં દટાયા જેમાંથી 2 બાળકો સહિત 3ના મોત થઈ ગયા.
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 25 દિવસથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આજે સમગ્ર યુક્રેનમાં રશિયા દ્વારા એરસ્ટ્રાઈક કરવામાં આવે તેવી શક્યતા છે. આ કારણે યુક્રેનની સરકારે દેશભરમાં એરસ્ટ્રાઈકને લઈ એલર્ટ જાહેર કર્યું છે. યુદ્ધ વચ્ચે રશિયાએ યુક્રેનના મારિયુપોલ ખાતે રેસ્ક્યુ ઓપરેશનમાં સામેલ બસોને રોકી દીધી છે.
યુક્રેનના શહેરો પર રશિયા દ્વારા સતત ઘાતક હુમલાઓ થઈ રહ્યા છે. જાણવા મળ્યા મુજબ રશિયાએ યુક્રેન પર પોતાની નવી હાઈપરસોનિક મિસાઈલ (Hypersonic Missile) વડે હુમલો કર્યો છે. આ તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સ્કીએ રશિયાને ગંભીર ચેતવણી આપતા કહ્યું હતું કે, દેશ આગામી પેઢીઓ સુધી યુદ્ધના પરિણામો ભોગવશે.
બ્રિટન સરકારના એક શીર્ષ અધિકારીએ એવી આશંકા વ્યક્ત કરી છે કે, એક તરફ મોસ્કો ખાતે શાંતિ વાર્તા ચાલી રહી હતી અને બીજી તરફ રશિયાએ યુક્રેનમાં સૈન્ય હુમલાઓ તેજ કરી દીધા.
એરસ્ટ્રાઈકનું એલર્ટ
યુક્રેનના મોટા ભાગના શહેરોમાં રશિયન હુમલાનું એલર્ટ આપવામાં આવ્યું છે. યુક્રેનની સરકારે સુમી, માઈકોલાઈવ, ટેરનોપિલ, પોલ્ટાવા, કિરોવોહ્રદ, ખારકીવ, જાપોરિજ્જિયા, કીવ, લવીવ, ઈવાનો-ફ્રૈંકિવ્સ્ક, નિપ્રોપેટ્રોવ્સ્ક, રિવ્ને, વોલિન, ચર્કાસી, જોઈટોમિર, વિન્નિત્સિયા, ઓડેસા અને ઓબ્લાસ્ટમાં હવાઈ હુમલાનું એલર્ટ આપીને સાયરન વગાડી છે.
Comments
Post a Comment