Aadhaar સાથે લિંક થઈ શકે છે વોટર કાર્ડ, NRI માટે ઓનલાઈન વોટિંગ અંગે વિચારણા
- 'વન નેશન, વન વોટર લિસ્ટ' હોય તેવી સરકારની વિચારણા
નવી દિલ્હી, તા. 27 માર્ચ 2022, રવિવાર
કેન્દ્રીય કાયદા મંત્રી કિરન રિજીજૂએ શુક્રવારે જણાવ્યું કે, દેશમાં બોગસ વોટિંગ રોકવા માટે સરકાર 'વન નેશન, વન વોટર લિસ્ટ' (One Nation, One Voter List) અંગે વિચારણા કરી રહી છે. આ સાથે જ ઓનલાઈન વોટિંગ (Online Voting) સિસ્ટમ માટે પણ વિચારણા ચાલુ છે. રિજીજૂએ લોકસભાના પ્રશ્નકાળ દરમિયાન સદસ્યોના પૂરક પ્રશ્નોનો જવાબ આપતી વખતે આ વાત કરી હતી.
ભાજપના અજય નિષાદના પૂરક સવાલના જવાબમાં રિજીજૂએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં બોગસ વોટિંગ રોકવા માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે માત્ર એક જ વોટર લિસ્ટ લાવવાનો વિચાર છે. તેમણે જણાવ્યું કે, 'અમે ચૂંટણી પંચ સાથે આ મામલે વાતચીત કરી છે. થોડા સમય પહેલા વોટર લિસ્ટને આધાર (Aadhaar) સાથે લિંક કરવાની જોગવાઈ રાખવામાં આવી હતી. આ બધું ફરજિયાત નહીં પરંતુ સ્વૈચ્છિક છે અને તેના કારણે બોગસ વોટિંગ રોકવામાં સફળતા મળે તેવી શક્યતા છે.'
'વન નેશન, વન વોટર લિસ્ટ' અંગે વિચારણા
રિજીજૂના કહેવા પ્રમાણે ચૂંટણી સુધારણા માટે ભવિષ્યમાં પણ જરૂરી પગલા ભરવામાં આવશે. 'વન નેશન, વન વોટર લિસ્ટ' હોય તેવી સરકારની વિચારણા છે. દેશની વોટિંગ સિસ્ટમ એકદમ સાફ-સુથરી હોવી જોઈએ.
પ્રવાસી ભારતીયોને મતાધિકાર આપવાના એક પૂરક સવાલના જવાબમાં મંત્રીએ જણાવ્યું કે, આ એક સકારાત્મક સૂચન છે. આ મામલે અમે ચૂંટણી પંચ સાથે વાત કરેલી છે. ઓનલાઈન વોટિંગ સિસ્ટમને કઈ રીતે પ્રોત્સાહિત કરી શકાય તે અંગે વિચારણા ચાલે છે પંરતુ કોઈ પણ પ્રકારની જાહેરાત પહેલા તેની પારદર્શિતા, સુરક્ષા અને તેના દ્વારા કોઈ પણ પ્રકારની ગરબડની આશંકાને ધ્યાનમાં રાખવી પડશે.
Comments
Post a Comment