યુક્રેન પર હુમલા ચાલુ જ રહેશે, યુદ્ધવિરામ નહીં કરું : પુતિન


મોસ્કો, તા. ૩૧
તૂર્કીમાં રશિયા અને યુક્રેન વચ્ચેની શાંતિ વાટાઘાટો સફળ થઈ હોવાના અને રશિયા કીવ નજીકના વિસ્તારોમાં હુમલા ઓછા કરવા સંમત થયું હોવાના દાવાઓથી વિપરિત રશિયાએ યુક્રેન પર આક્રમણ વધારી દીધું છે. વધુમાં નજીકના સમયમાં રશિયા અને યુક્રેનનું યુદ્ધ અટકે એવા કોઈ સંકેતો મળતા નથી. રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને કહ્યું કે યુક્રેનમાં યુદ્ધવિરામ કરવાનો આ યોગ્ય સમય નથી. યુક્રેન પર હુમલા ચાલુ જ રહેશે. બીજીબાજુ નાટોએ કહ્યું હતું કે યુક્રેનમાંથી રશિયન સૈન્ય પાછું હટવાની જગ્યાએ ફરીથી સંગઠિત થઈ રહ્યું છે. બ્રિટને પણ યુક્રેનમાં યુદ્ધ અંગે દુષ્પ્રચાર ફેલાવવાના આરોપમાં એક ડઝનથી વધુ રશિયન મીડિયા હસ્તીઓ અને સંગઠનો પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ બધા વચ્ચે યુક્રેન-રશિયા વચ્ચે શુક્રવારે વીડિયોથી શાંતિ મંત્રણા થવાની શક્યતા છે.
રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને ઈટાલીના વડાપ્રધાન મારિયો દ્રાગીને કહ્યું હતું કે યુક્રેનમાં યુદ્ધ વિરામનો આ યોગ્ય સમય નથી. તાજેતરના ભૂતકાળમાં રશિયન પ્રમુખ સાથે ટેલિફોન પર થયેલી વાતચીતના સંદર્ભમાં પૂછવામાં આવતા દ્રાગીએ કહ્યું કે પુતિને તેમને જણાવ્યું કે ગેસ નિકાસ અંગે પડોશી દેશો સાથે કોન્ટ્રાક્ટ ચાલુ રહેશે. પુતિનનું કહેવું છે કે યુરોપીયન કંપનીઓ રશિયાને ગેસની ખરીદી માટે રુબલના બદલે યુરો અથવા ડોલરમાં ચૂકવણી કરવાનું ચાલુ રાખી શકે છે.
રશિયાના મીડિયા દ્વારા પ્રકાશિત એક ડીક્રી મુજબ 'બિનમૈત્રીપૂર્ણ દેશો' એક રશિયન બેન્ક મારફત વિદેશી ચલણમાં કુદરતી ગેસની ખરીદી ચાલુ રાખી શકશે. આ બેન્કમાં વિદેશી ચલણને રુબલમાં કન્વર્ટ કરાશે. રશિયન મીડિયામાં પ્રકાશિત ડીક્રી પર પુતિનના હસ્તાક્ષર છે. આ ડીક્રી મુજબ એક ડેઝિગ્નેટેડ બેન્કમાં પ્રત્યેક ખરીદદારના એક વિદેશી ચલણમાં અને એક રૂબલમાં એમ બે ખાતા ખોલાશે. ખરીદદાર વિદેશી ચલણમાં ચૂકવણી કરે અને બેન્કને તે રૂબલમાં વેચવાની મંજૂરી આપશે, જે નાણાં બીજા ખાતામાં નંખાશે ત્યાર પછી સત્તાવાર રીતે ગેસ ખરીદાશે.
દરમિયાન બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે રશિયાએ ઉત્તરીય યુક્રેનમાં ચેર્નિહિવ ખાતે હુમલા ચાલુ રાખ્યા છે તેમજ કીવની નજીક ફરીથી આક્રમણ તીવ્ર બનાવ્યું છે. રશિયાનો તોપમારો અને મિસાઈલ હુમલા ચાલુ રહ્યા છે. રશિયન સૈન્યની સંખ્યા મર્યાદિત કરવાના દાવાઓ વચ્ચે કીવની પૂર્વ અને પશ્ચિમે તેમણે પોઝિશન જાળવી રાખી છે. બ્રિટનના ગુપ્તચરોના દાવા મુજબ મારિયુપોલના દક્ષિણી ભાગમાં પણ ભયાનક લડાઈ ચાલી રહી છે, પરંતુ શહેરના મોટાભાગના વિસ્તારો પર યુક્રેનીયન દળોનું નિયંત્રણ છે. યુક્રેનના સૈન્યે દાવો કર્યો હતો કે આ યુદ્ધમાં રશિયાએ ભારે નુકસાન સહન કરવું પડયું છે. યુક્રેનના સશસ્ત્ર દળોએ દાવો કર્યો હતો કે તેમણે શુક્રવાર સુધીમાં રશિયાના ૧૭,૫૦૦ સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા છે તેમજ ૧૭૩૫ આર્મ્ડ પર્સનલ કેરિયર્સ, ૬૧૪ ટેન્કો, ૩૧૧ આર્ટીલરી સિસ્ટમ્સ, ૯૬ મલ્ટીપલ લોન્ચ રોકેટ સિસ્ટમ્સ, ૧૩૧ હેલિકોપ્ટર્સ, ૧૩૫ વિમાનો અને ૭ બોટ તોડી પાડયા છે.
નાટોના મહાસચિવ જેન્સ સ્ટોલ્ટેનબર્ગે જણાવ્યું હતું કે, રશિયન સૈન્ય યુક્રેનમાંથી પાછું નથી ફરી રહ્યું. ઉલટાનું તે કીવની આજુબાજુ ફરીથી સંગઠિત થઈ રહ્યું છે. ગુપ્ત માહિતી મુજબ રશિયન સૈન્ય પોતાની સ્થિતિ બદલી રહ્યું છે. યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ એક વીડિયો સંદેશમાં કહ્યું કે, ડોનબાસમાં રશિયન દળો ફરીથી એકત્ર થઈ રહ્યા છે અને તેઓ નવા હુમલા ચલાવી રહ્યા છે. જોકે, અમે તેમના માટે તૈયાર છીએ. મારિયુપોલમાં સ્થિતિ વધુ ભયાનક છે. હુમલાઓ વચ્ચે ચાર લાખથી વધુની વસતી ધરાવતા મારિયુપોલ શહેરમાં હવે માત્ર એક લાખની વસતી થઈ ગઈ છે.
યુક્રેન અને રશિયા વચ્ચે શુક્રવારે વીડિયો મારફત ફરીથી શાંતિ મંત્રણા શરૂ થઈ શકે છે તેમ યુક્રેનના પ્રતિનિધિમંડળના વડા ડેવિડ અરાખામિઆએ જણાવ્યું હતું અને ઉમેર્યું કે રશિયાના આક્રમણના છ સપ્તાહના સમયમાં અંદાજે ચાર લાખથી વધુ લોકો યુક્રેન છોડીને ભાગી ગયા છે જ્યારે હજારો લોકોનાં મોત નીપજ્યાં છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો