ચીને લદ્દાખ સરહદે ગુપચુપ 624 ગામ બનાવ્યા


- ચીન ખાતે ભારતના નવા રાજદૂતે એસસીઓ ઝાંગ મિંગ સાથે બેઠક કરી

- ચીને તિબેટના સ્વાયત્ત વિસ્તારમાં સરહદીય ગામોમાં વીજળી, ઈન્ટરનેટ, પાણી, મજબુત મકાનની સુવિધા ઊભી કરી દીધી

- ભારત ચૂંટણી અને ઘરેલુ રાજકારણમાં વ્યસ્ત છે અને ચીન સરહદે ગામો વસાવી રહ્યું છે : બ્રહ્મા ચેલાનીનો કટાક્ષ

- ભારતે પણ અરૂણાચલમાં સરહદે ગામડા વસાવવાનું શરૂ કર્યું, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા બજેટમાં વિશેષ જોગવાઈ

નવી દિલ્હી : ભારત સાથે પૂર્વીય લદ્દાખમાં સંઘર્ષ વચ્ચે ચીનની અવળચંડાઈ સતત ચાલુ જ રહે છે. સરહદ પર શાંતિ માટે વાટાઘાટોનું નાટક કરવાની સાથે ચીન હિમાલયમાં ભારતની સરહદ નજીક એક પછી એક ગામો વસાવતું રહે છે. આ સાથે ચીને સરહદ પર ૬૨૪ ગામો વસાવી લીધા છે અને ત્યાં વીજળી, ઈન્ટરનેટ સહિતની અત્યાધુનિક સુવિધાઓ પૂરી પાડી રહ્યું છે. ચીને આ ગામોનું નિર્માણ વિવાદાસ્પદ સરહદની અંદર અથવા ભારતના કબજે કરેલા વિસ્તારો પર કર્યું છે. ચીનના આ ગામડાઓએ ભારતની ચિંતા વધારી દીધી છે.

ચીને આ સૈન્યીકૃત ગામોનું નિર્માણ વર્ષ ૨૦૧૭માં પ્રમુખ શી જિનપિંગના આદેશથી શરૂ કર્યું હતું. ચીનની સરકારે તેના દસ્તાવેજમાં ખુલાસો કર્યો છે કે ભારતની સરહદ નજીક કુલ ૬૨૪ ગામ વસાવવાના છે. સંરક્ષણ નિષ્ણાત બ્રહ્મા ચેલાનીએ ચીનની સરકારી વેબસાઈટ તિબેટ.સીએનને ટાંકીને જણાવ્યું છે કે ચીનની સરકારે વર્ષ ૨૦૨૧માં જ આ ગામોનું નિર્માણ પૂરું કરી દીધું હતું.

ભારતની સિસ્ટમ પર કટાક્ષ કરતાં બ્રહ્મા ચેલાનીએ જણાવ્યું હતું કે, ભારત ચૂંટણી અને ઘરેલુ રાજકારણમાં વ્યસ્ત છે. જ્યારે ચીને ગુપચુપ રીતે ભારતની સરહદ પર ૬૨૪ ગામ વસાવવાનું કામ પૂરું પણ કરી લીધું છે. ચીનના પ્રમુખ શી જિનપિંગે તિબેટના ભરવાડોને સરહદ પર વસવાટ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યાર પછી આ ગામોનું નિર્માણ કામ ઝડપી થયું હતું.

ચીને દાવો કર્યો છે કે તિબેટના સ્વાયત્ત વિસ્તારમાં બનાવાયેલા આ બધા જ ૬૨૪ ગામોમાં વીજળી, ઈન્ટરનેટ, પાણી અને મજબૂત માર્ગની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. પરિણામે અહીં ભોજન, કપડાં, ઘર અને પરિવહનની સુવિધાઓમાં ઘણો સુધારો આવ્યો છે. ચીનનો દાવો છે કે તેના આ પગલાંથી આ વિસ્તારોમાં સમૃદ્ધિ, સ્થિરતા, જાતીય એકતા અને પ્રગતિ થઈ છે. તિબેટની વેબસાઈટે એક ગ્રામીણને ટાંકીને કહ્યું છે કે, હવે અમને વીજળી મળે છે. અમે બધા જ ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરી શકીએ છીએ. જીવન હવે ઘણું જ સરળ બની ગયું છે. આ ગામોને પાવર ગ્રીડથી જોડી દેવાયા છે, જેથી અહીં વીજળીની સમસ્યાનું સમાધાન થઈ ગયું છે.

ચીને આ ગામોમાં વધુ સારા મકાનો અને હોસ્પિટલ પણ બનાવ્યા છે. સાથે જ અહીં રહેતા લોકો આજીવિકા મેળવી શકે તેની પણ વ્યવસ્થા કરાઈ છે. અહીં બનેલા ઉત્પાદનો ચીનના મોટા શહેરોમાં મોકલવામાં આવે છે. લદ્દાખમાં ચાલતા તણાવ વચ્ચે ચીન લોકોને નાણાં આપીને ભારતીય સરહદ નજીકના ગામોમાં વસાવે છે. ચીન અહીં રહેવા માટે રસ્તા, પાણી, વીજળી અને કોમ્યુનિકેશન નેટવર્કની સુવિધાઓના નામે લોકોને આકર્ષી રહ્યું છે. વધુમાં લોકોને મફતમાં ઉચ્ચ ગુણવત્તાવાળું ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવાની ઓફર પણ અપાય છે.

નવી દિલ્હી સ્થિત થિંક ટેંક વિવેકાનંદ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશને તિબેટ ડેઈલીના રિપોર્ટને ટાંકીને કહ્યું કે ચીન સરકાર આ ગામોમાં રહેવા માટે લોકોને વાર્ષિક ૩૦,૦૦૦ યુઆન (અંદાજે સાડા ત્રણ લાખ રૂપિયા) પણ આપી રહી છે. ચીનને જવાબ આપવા માટે ભારતે પણ અરૂણાચલથી લઈને દેશના ભાગોમાં સરહદો પર ગામડા વસાવવાનું શરૂ કર્યું છે. ભારતે સરહદ પર ગામોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે બજેટમાં જાહેરાત પણ કરી છે. 

દરમિયાન ચીનમાં ભારતના નવા રાજદૂત પ્રદીપ કે. રાવતે મંગળવારે શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ના મહાસચિવ ઝાંગ મિંગની મુલાકાત લીધી હતી અને ભારતની વિવિધ પહેલો અને આઠ સભ્યોના જૂથના દેશની આગામી અધ્યક્ષતા અંગે ચર્ચા કરી હતી. બંને અધિકારીઓએ ભારતની એસસીઓની આગામી અધ્યક્ષતા ૨૦૨૨-૨૩ સાથે જ સ્ટાર્ટ-અપ, ઈનોવેશન, પારંપરિક ઔષધી સહિત એસસીઓમાં ભારતની પહેલો અંગે વ્યાપક ચર્ચા કરી હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો