એપ્રિલમાં સરકાર ગેસના ભાવ બમણા કરે એવી શક્યતા
પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા પછી દેશની જનતા ઉપર નવા નાણાકીય વર્ષમાં નવો બોજ આવી રહ્યો હોવાના સંકેત મળી રહ્યા છે. દેશમાં સ્થાનિક રીતે ઉત્પાદન થતા નેચરલ ગેસના ભાવ દર વર્ષે એપ્રિલ અને ઓકટોબર એમ દર છ મહિને વધારવામાં આવે છે. મળતાં અહેવાલ અનુસાર તા.૧ એપ્રિલથી નવા ભાવ બમણા થાય તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને KG બેઝીનમાં મળતાં ગેસના ભાવ ડબલ થઈ ૧૦ ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ થાય જ્યારે ONGC ના બોમ્બે હાઈ ના ભાવ ૫.૯૩ ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ થાય એવી શક્યતા છે. અત્યારે રિલાયન્સના ગેસનો ભાવ ૬.૧૩ ડોલર છે જ્યારે ONGCનો ભાવ ૨.૯૩ ડોલર છે.
આ ભાવ નક્કી કરવા માટે રશિયા, કેનેડા અને અમેરિકન ગેસના હાજરના ભાવની પાછલા વર્ષની સરેરાશનો આધાર લેવામાં આવે છે.
ONGCનું ઉત્પાદન કેન્દ્ર સરકારના વહીવટી અંકુશ હેઠળ છે જ્યારે રિલાયન્સના ગેસનું વેચાણ મુક્ત બજારમાં કરવામાં આવે છે. ઉપરોક્ત ભાવ વધવાના કારણે સ્ટીલ, વીજળી અને ખાતરના ઉત્પાદકો ઉપર અસર થશે. જોકે, દેશમાં ગેસ આધારિત વીજળીનું ઉત્પાદન ઓછું હોવાથી ગ્રાહકો ઉપર બહુ વ્યાપક બોજ નહિ આવે. ખાતરના ભાવ વધશે પણ તેમાં કેન્દ્ર સરકાર સબસિડી આપતી હોવાથી ખેડૂત કરતા સરકારની તિજોરી ઉપર તેની વધારે અસર જોવા મળશે એમ ઉદ્યોગ સૂત્રોએ જણાવ્યું હતું.
Comments
Post a Comment