રશિયાએ યુક્રેન પર 120થી વધુ મિસાઇલ છોડી : અનેક ઇમારતોનો કચ્ચરઘાણ
- યુક્રેનના ઊર્જા એકમો પર 69 મિસાઇલ છોડવામાં આવી
- રશિયાની સવાસોથી વધુ મિસાઇલમાં યુક્રેને 54 મિસાઇલને તોડી પાડી : બેના મોત થયા અને અનેકને ઇજા પહોંચી
કીવ : ૨૦૨૨નો અંત આવી રહ્યો છે અને નવા વર્ષ ૨૦૨૩નો પ્રારંભ થવાનો છે ત્યારે રશિયાએ રીતસરના જાણે આતશબાજી કરતા હોય તે રીતે યુક્રેન પર ૧૨૦થી વધુ મિસાઇલોનો પ્રચંડ હુમલો કર્યો હતો. આ હુમલાના લીધે સમગ્ર યુક્રેન હતપ્રભ થઈ ગયું હતું. સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે આ હુમલાનું મુખ્ય લક્ષ્યાંક યુક્રેનનું એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું. રશિયાની ૬૯ મિસાઇલ એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચરને ટાર્ગેટ બનાવીને છોડાઈ હતી. યુક્રેને તેમાથી ૫૪ મિસાઇલને તોડી પાડી હતી.
રશિયાના આટલા પ્રચંડ પ્રહારમાં બેના મોત થયા છે. રશિયાના આ પ્રકારના પ્રચંડ હુમલાના લીધે યુક્રેનના કેટલાય શહેરો ખંડર સમાન બની ગયા છે.
રશિયાએ મિસાઇલ હુમલો કરતા પહેલા રાત્રે વિસ્ફોટક ડ્રોન રવાના કર્યા હતા. રશિયાએ છોડેલા આ મિસાઇલ હવામાંથી અને દરિયામાંથી સવારે છોડવામાં આવ્યા હતા, એમ યુક્રેનિયન એરફોર્સે જણાવ્યું હતું.
રશિયાએ તાજેતરમાં યુક્રેનના ઊર્જા અને જળસ્ત્રોતોને નિશાન બનાવીને વધુને વધુ પ્રમાણમાં હુમલા કરવા માંડયા છે, જેથી યુક્રેનને ઘૂંટણિયે પાડી શકાય.
સમગ્ર દેશમાં હવાઈહુમલાની સાઇરનો ગુંજતી રહી હતી. લશ્કરે તરત જ કીવમાં એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવેટ કરી હતી. અમેરિકાએ તાજેતરમાં યુક્રેનને પેટ્રિયેટ મિસાઇલની મદદ કરતાં રશિયા બરોબર ગિન્નાયું છે.
યુક્રેનના લશ્કરે રશિયાના મિસાઇલ હુમલાને ખાળવાનો કે તેને ખતમ કરવાનો સફળતા દર વધાર્યો છે, પરંતુ તે હજી પણ સંપૂર્ણપણે યુક્રેનની રક્ષા કરી શકે તેટલો ન હોવાથી તેના અનેક શહેરો ખંડેર બની ગયા છે. કેટલાય શહેરોમાં વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયો છે અને પાણી કાપ મૂકાયો છે.
તેમા પણ લિવ શહેરનો ૯૦ ટકા હિસ્સો વીજળી અને પાણી વગરનો છે. ટ્રામ અને ટ્રોલી કામ કરતા નથી, હવે રહેવાસીઓએ પાણી વગર પણ રહેવું પડે તેવી સ્થિતિ આવી શકે છે.
યુક્રેનિયન પ્રમુખ ઝેલેન્સ્કીના સલાહકારે જણાવ્યું હતું કે રશિયા નરસંહાર આદરી રહ્યુ છે.
Comments
Post a Comment