અમેરિકા અને યુરોપના દેશોમાં વ્યાજદરો વધ્યા


- ઐતિહાસિક ઉચી મોંઘવારી ડામવા અમેરિકાથી લઇ યુરોપ સુધી લડત યથાવત

- અમેરિકન ફેડરલ રિઝર્વના 0.50 ટકાના વધારા બાદ, ઇંગ્લેન્ડ, યુરોપીયન સંઘ, સ્વિત્ઝરલેન્ડ, નોર્વેમાં પણ વ્યાજ દરોમાં વૃદ્ધિ

અમદાવાદ : ઐતિહાસિક મોંઘવારી ડામવા માટે, આર્થિક મંદીની ચિંતા કર્યા વગર છેલ્લા ૨૪ કલાકમાં અમેરિકા, યુરોપીયન સંઘ, ઇંગ્લેન્ડ, સ્વિત્ઝરલેન્ડ અને નોર્વેમાં સ્થાનિક સેન્ટ્રલ બેંકોએ વ્યાજ દર વધારવાનું ચાલુ રાખ્યું હતું. એટલું જ નહી અમેરિકા, યુરોપીયન સંઘે હજી પણ વ્યાજ દર વધારવા પડે એવી સ્થિતિ છે એવો સંકેત પણ આપ્યો હતો. વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર અમેરિકામાં ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે ચેતવણી પણ ઉચ્ચારી હતી કે મોંઘવારી ડામવામાં નિષ્ફળતા મળે તો આકરાં પરિણામ ભોગવવા પડશે અને ૨૦૨૪ પહેલા વ્યાજ દર ઘટે એવી અપેક્ષા રાખવી નહી. 

ઊંચા વ્યાજ દરના કારણે ગ્રાહકો અને કંપનીઓનો વ્યાજ ખર્ચ વધે, ખરીદી ઘટે અને આર્થિક મંદી આવી પડશે એવી ચિંતામાં અમેરિકા, એશિયા અને યુરોપીયન શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. 

બુધવારે રાત્રે અમેરિકન ફેડરલ રિઝર્વની મોનેટરી પોલીસી કમિટીએ વ્યાજ દરમાં ૦.૫૦ ટકાનો વધારો કર્યો હતો. આ કેલેન્ડર વર્ષમાં સતત સાતમાં વધારા સાથે હવે અમેરિકામાં ફેડરલ વ્યાજનો દર ૧૫ વર્ષની ઉંચી સપાટી ૪.૨૫ -૪.૫૦ ટકા થઇ ગયો છે. કમિટીએ અગાઉના ચાર વધારાની જેમ ૦.૭૫ ટકાના બદલે અપેક્ષા અનુસાર જ ૦.૫૦ ટકાનો વધારો જાહેર કર્યો હતો પણ તેની સાથે આપેલા સંકેતથી બજારમાં માનસ ખરડાયું હતું. ફેડરલ રીઝર્વે વર્ષ ૨૦૨૩માં હજુ ત્રણ વખત વ્યાજ દર વધારવા પડે અને લોન ઉપરના દરમાં કોઇપણ પ્રકારના ઘટાડાની અપેક્ષા ૨૦૨૪ પહેલા સંભવ નથી એવો સંકેત આપ્યો હતો. અમેરકામાં નવેમ્બર મહિનામાં ફુગાવો ઘટી ૭.૧ ટકા નોંધાયો છે જે ફેડરલ રિઝર્વના ૨ ટકાના લક્ષ્ય કરતા ઘણો ઉંચો છે અને એટલે વ્યાજ દર વધવાના ચાલુ જ રહેશે. ઊંચા વ્યાજ દરના કારણે અમેરિકામાં ૨૦૨૩માં આર્થિક મંદી આવી પડે, અર્થતંત્રનો વિકાસ દર શૂન્ય થઇ જાય એવી ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 

ગુરુવારે યુરોપમાં શ્રેણીબદ્ધ વ્યાજ દરના વધારાની જાહેરાત કરવામાં આવી હતી. સૌથી પહેલી જાહેરાત ટેક્સ હેવન ગણાતા સ્વિત્ઝરલેન્ડમાં થઇ હતી. અહી વ્યાજ દર ૦.૫૦ ટકા વધારી ૧ ટકા કરવાની જાહેરાત થઇ હતી. આ પછી નોર્વેમાં ૦.૨૫ ટકા વધારવાની જાહેરાત કરવામાં આવી હતી. નોર્વેમાં મોંઘવારીનો દર ૬.૫ ટકા જેટલો ઉંચો છે એટલે વ્યાજનો દર વધારી હવે ૨.૭૫ ટકા કરવામાં આવ્યો છે. અહીં નોંધવું જરૂરી છે કે ભારતમાં પણ મોંઘવારી સામેની લડત પૂર્ણ નથી થઇ એવી દલીલ સાથે, ફુગાવો ઘટી રહ્યો હોવા છતાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગત સપ્તાહે રેપો રેટ ૦.૩૫ ટકા વધારી ૬.૨૫ ટકા કર્યો હતો. 

છેલ્લા ૪૧ વર્ષમાં સૌથી ઊંચા ફુગાવાના દરની ત્રસ્ત બેંક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા પણ વ્યાજનો દર ૦.૫૦ ટકા વધારવાની જાહેરાત કરવામાં આવી છે. ઇંગ્લેન્ડમાં વ્યાજનો દર આ વર્ષે સતત નવમી વખત વધારી હવે ૩.૫૦ ટકા કરવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડમાં રશિયા અને યુક્રેન યુદ્ધના કારણે ઉર્જાના વિક્રમી ભાવના કારણે ફુગાવો ઐતિહાસિક સપાટીએ છે. બીજી તરફ, રાજકીય અસ્થિરતા અને અર્થતંત્ર મંદીના આરે ઉભું હોવા છતાં ભવિષ્યમાં વધુ વ્યાજ દર વધારવા પડે એવી ચેતવણી પણ આપવામાં આવી છે. બેંક ઓફ ઇંગ્લેન્ડમાં છ સભ્યોએ વ્યાજ દર ૦.૫૦ ટકા વધારવાની તરફેણ કરી હતી. બે સભ્યોએ વિરોધ કર્યો હતો અને એક સભ્યએ વધારે તીવ્ર એટલે કે ૦.૭૫ ટકા વધારાની તરફેણ કરી હતી. 

દિવસના અંતે યુરોપીયન સંઘની મધ્યસ્થ બેંક યુરોપિયન સેન્ટ્રલ બેંક (ઈસીબી)એ ૦.૫૦ ટકાનો વધારો જાહેર કર્યો હતો અને હવે અહી ટૂંકાગાળાના વ્યાજના દર બે ટકા થઇ ગયા છે. વ્યાજ દરનો વધારો આગલા ૦.૭૫ ટકા કરતા નરમ હતો પણ બેંકે આગામી દિવસોમાં હજુ વ્યાજ વધારવા પડે, મોંઘવારી સામેની લડત ચાલુ રહે એવી સ્પષ્ટ વાત પોતાના નિવેદનમાં કરી હતી. 

શ્રેણીબદ્ધ વ્યાજ વધારા અને હજુ પણ ભવિષ્યમાં આ સ્થિતિ ચાલુ રહેશે એવી આગાહીઓ વચ્ચે ગુરુવારે અમેરિકા, યુરોપના શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ડાઉ જોન્સ ઇન્ડેક્સ અત્યારે ૧.૮૮ ટકા કે ૬૪૦ પોઈન્ટ, નાસ્દાક ૨.૩૯ ટકા કે ૨૬૭ પોઈન્ટ ઘટેલા છે. યુરોપમાં લંડન એફટીએસઈ ઇન્ડેક્સ ૮૦ પોઈન્ટ કે ૧.૦૭ ટકા, જર્મનીમાં ડેકસ ૩.૨૭ ટકા કે ૪૨૭ પોઈન્ટ, ફ્રાંસમાં કાક ૩.૩૩ ટકા કે ૨૩૪ પોઈન્ટ ઘટી ગયા છે. વ્યાજ દર વધતા માંગ ઘટશે એવી ચિંતામાં ક્રૂડ ઓઈલ ઘટયું છે જ્યારે ડોલરના મૂલ્યમાં વૃદ્ધિ સાથે સોનાના વાયદા ૧.૩૬ ટકા કે ૨૪ ડોલર ઘટી ૧૭૯૩.૪૫ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ છે.

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો