અમેરિકામાં કોલ્ડ એટેક : કલાકોમાં તાપમાન સરેરાશ 35 ડિગ્રી ઘટી -40


- સદીનું સૌથી ભયંકર 'બોમ્બ તોફાન' : 10 લાખ ઘરોમાં અંધારપટ, મંગળ ગ્રહ કરતાં પણ વધુ કાતિલ ઠંડી

- બે દિવસમાં 4,500 જેટલી ફ્લાઈટ્સ રદ, 8,450 ફ્લાઈટ મોડી પડી : 1.62 કરોડથી વધુ પ્રવાસીઓ રઝળી પડયા

- ન્યૂયોર્કના બફેલોમાં પાંચ ફૂટ બરફ પડયો : હાડ થીજાવતી ઠંડીમાં પવન પ્રતિ કલાક 113 કિ.મી.ની ઝડપે ફુંકાયો

- ટ્રેન-બસ સેવા પણ ઠપ થઈ, હજારો લોકોના ક્રિસમસના પ્રવાસ આયોજનો રઝળ્યા

વોશિંગ્ટન : ખ્રિસ્તીઓના સૌથી મોટા તહેવાર ક્રિસમસ પહેલાં અમેરિકાના અનેક વિસ્તારોમાં ભયાનક બરફીલા 'બોમ્બ તોફાને' ભારે વિનાશ વેર્યો છે. અચાનક ગગડી ગયેલા તાપમાન અને શિયાળુ હવામાન સિસ્ટમે અમેરિકામાં જાણે બધું જ થીજાવી દીધું છે. આ કોલ્ડ એટેકથી અનેક શહેરોમાં તાપમાન સરેરાશ ૩૫ ડિગ્રી ઘટીને માઈનસ ૪૦ ડિગ્રી થયું છે. ટેક્સાસ, ઓક્લાહોમા, મિસૌરી, ટેનેસી, મિસિસિપ્પી અને લુઈસિઆનામાં વાવાઝોડાના કારણે વીજળી ખોરવાઈ જતાં અંદાજે ૧૦ લાખથી વધુ ઘરોમાં અંધારપટ છવાઈ ગયો છે. બે દિવસમાં હજારો ફ્લાઈટ્સ રદ કરી દેવાઈ છે.  હાડ થીજાવી દેતી ઠંડીમાં મધ્ય અમેરિકામાં તાપમાન મંગળ ગ્રહ કરતાં પણ વધુ ઠંડુ થઈ ગયું છે અને સ્થિતિ હજુ વધુ કથળવાની આશંકા સેવાઈ રહી છે.

અમેરિકામાં ક્રિસમસની રજાઓ શરૂ થવાની સાથે જ હવામાને પણ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાનની આગાહી કરનારાઓએ 'સદીમાં એક જ વખત' જોવા મળતું બરફીલું વાવાઝોડું 'બોમ્બ'વધુ શક્તિશાળી થયું છે. પરિણામે ભયાનક હિમવર્ષા અને તિવ્ર ગતિએ પવન ફુંકાશે. આ વાવાઝોડાના કારણે તાપમાન માત્ર કેટલાક કલાકોમાં જ ૫૦ ડિગ્રી ફેરનહીટ જેટલું ગગડી ગયું છે. 

હાડ થીજાવતી ઠંડી હવાઓ પ્રતિ કલાક ૧૧૩ કિ.મી.ની ગતિએ મધ્ય અમેરિકાથી પૂર્વ તરફ ફુંકાઈ રહી છે. બોમ્બ સાઈક્લોનને કારણે મધ્ય-પૂર્વ રાજ્યોમાં તાપમાન મંગળગ્રહ કરતાં પણ વધુ ઠંડુ થવાનું જોખમ સર્જાયું છે. વધુમાં આગામી દિવસોમાં આ વાવાઝોડાની ૧૩.૫ કરોડ લોકો પર અસર થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે અને ૧૦ લાખથી વધુ ઘરોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો છે. આયોવાના ડેસ મોઈન્સ જેવા શહેરોમાં તાપમાન માઈનસ ૩૭ ડિગ્રી થઈ ગયું છે.

અહીં હિમવર્ષા અને વરસાદના કારણે વાતાવરણ એટલું ખરાબ થઈ ગયું છે કે બે દિવસમાં ૪,૫૦૦ જેટલી ફ્લાઈટ્સ રદ કરવી પડી છે. વધુમાં એક્યુવેધરની ચેતવણી મુજબ બોમ્બ વાવાઝોડું હજુ વધુ શક્તિશાળી બની રહ્યું છે અને દેશમાં હવામાનની સ્થિતિ હજુ વધુ ખરાબ થવાની છે. વરસાદ, હિમવર્ષા અને ઠંડા તાપમાન વચ્ચે અમેરિકામાં બસ અને ટ્રેન સેવા પણ ઠપ્પ થઈ ગઈ છે. પરિણામે હજારો લોકોના પ્રવાસ આયોજનો ખોરવાઈ ગયા છે. 

અમેરિકન પ્રમુખ જો બાઈડને જણાવ્યું હતું કે, વર્તમાન સમય હુંફાળા બરફીલા દિવસ જેવો નથી પરંતુ આ ગંભીર વાતાવરણની સ્થિતિ છે. ખરાબ વાતાવરણના કારણે ગુરુવારે અમેરિકન એરલાઈન્સ, યુનાઈટેડ એરલાઈન્સ અને સાઉથવેસ્ટ એરલાઈન્સ દ્વારા સંચાલિત એક તૃતિયાંશથી વધુ સહિત ૮,૪૫૦ ફ્લાઈટ્સ મોડી પડી હતી. સાઉથવેસ્ટ એરલાઈન્સે ગુરુવારે ૮૬૫ ફ્લાઈટ્સ તથા શુક્રવારે ૫૫૦ ફ્લાઈટ્સ રદ કરી હતી.

શિકાગો, ડેટ્રોઈટ અને મિનેપોલિસ-સેન્ટ પોલમાં વ્યાપક સ્તરે પ્રવાસ કાર્યક્રમો ખોરવાઈ ગયા હતા. ટ્રાન્સપોર્ટેશન સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે, સાત દિવસનું ક્રિસમસ વેકેશન બુધવારે પૂરું થઈ રહ્યું છે ત્યારે તેમણે અંદાજે ૧.૬૨ કરોડ પ્રવાસીઓની તપાસ કરી હતી. જોકે, હવે ફ્લાઈટ્સ રદ થવાથી આ બધા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

'બોમ્બ સાઈક્લોન'ના કારણે ટેક્સાસમાં કેટલાક કલાકોમાં જ તાપમાનમાં અસાધારણ ઘટાડો નોંધાયો હતો, જ્યાં તાપમાન માઈનસ ૪૧ ડિગ્રી ફેરનહીટ જેટલું નીચું જતું રહ્યું હતું. એ જ રીતે મોન્ટાનામાં તાપમાન શૂન્યથી ૫૦ ડિગ્રી નીચે (માઈનસ ૪૬ ડિગ્રી સેલ્સિયસ) ગયું હતું. ડેનેવરમાં પણ ૩૧ વર્ષમાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું, જે માઈનસ ૨૪ ડિગ્રી ફેરનહીટ હતું. બીજીબાજુ પડોશી દેશ કેનેડાના ટોરોન્ટોમાં પણ શનિવારે બરફીલો પવન પ્રતિ કલાક ૧૦૦ કિ.મી.ની ગતિએ ફુંકાઈ શકે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે