પીએમ મોદીના કારણે દુનિયામાં પરમાણુ યુદ્ધ ટળ્યું : સીઆઈએ વડા
- પીએમ મોદીએ 'યુદ્ધનો યુગ નથી'ની સલાહ આપી હતી
- રશિયા પાસે ખતરનાક પરમાણુ હથિયારો છે : જિનપિંગે પરમાણુ યુદ્ધ અંગે ચિંતા વ્યક્ત કરી હતી
વોશિંગ્ટન : અમેરિકન જાસૂસી એજન્સી સીઆઈએના વડા વિલિયમ જે. બર્ન્સે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે દુનિયામાં પરમાણુ યુદ્ધનું જોખમ ટળી ગયું છે. બર્ન્સનું આ નિવેદન દર્શાવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વૈશ્વિક સ્તરે ભારતનું કદ સતત વધી રહ્યું છે.
ઈન્ડોનેશિયાના બાલીમાં યોજાયેલ જી-૨૦ ઘોષણાપત્રના સપ્તાહો પછી સીઆઈએના પ્રમુખ વિલિયમ બર્ન્સે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને આપેલી સલાહ 'યુદ્ધનો યુગ નથી'ની ગુંજ સંભળાઈ રહી છે. યુક્રેન-રશિયા વચ્ચે ચાલતા યુદ્ધમાં પરમાણુ હથિયારોના ઉપયોગની ક્રેમલિનની ધમકી પર પીએમ નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ દ્વારા વ્યક્ત કરાયેલી ચિંતાઓની રશિયા પર ગંભીર અસર થઈ છે અને તેમની સલાહે પરમાણુ હુમલાની ચિંતાઓ દૂર કરી દીધી છે.
અમેરિકન પબ્લિક બ્રોડકાસ્ટર પીબીએસને આપેલી એક મુલાકાતમાં બર્ન્સે કહ્યું કે, આ હકીકત છે. મોદી-જિનપિંગની સલાહે કામ કર્યું છે. મને લાગે છે પુતિન અને તેમની આજુબાજુના લોકો પાસે ખતરનાક પરમાણુ હથિયારો છે. વર્તમાન સ્થિતિ અંગે તેમણે કહ્યું કે, મને લાગે છે કે સ્ટ્રેટેજિક પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની યોજના અંગે અમને આજે કોઈ સ્પષ્ટ પુરાવા નથી દેખાતા.
Comments
Post a Comment