નાની બચત યોજનાઓના વ્યાજમાં 1.30 ટકા સુધીનો વધારો


- નવા વ્યાજદર પહેલી જાન્યુઆરીથી અમલમાં આવશે : 2023 માટે સરકારની પ્રજાને ભેટ

- કિસાન વિકાસ પત્રના વ્યાજદર 7 થી વધારી 7.20 ટકા કરાયા : સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમના વ્યાજદર 7.6 ટકાથી વધી 8 ટકા થયા

- સરકારી બોન્ડના રોકાણ પર થતી આવકમાં વધારો થતાં નિર્ધારિત ફોર્મ્યુલા હેઠળ વ્યાજદર વધારવા પડયા

- રિઝર્વ બેન્કે છ માસમાં વ્યાજદરમાં 2.25 ટકાનો વધારો કરતાં પોસ્ટ ઓફિસના વ્યાજદર વધારાયા

- નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર અપાતું વ્યાજ 6.80 ટકાથી વધારીને 7 ટકા કરવામાં આવ્યું

અમદાવાદ : ભારત સરકારે જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૩ના ત્રણ માસના સમયગાળા માટે પોસ્ટ ઓફિસની મુદતી થાપણ માટેના વ્યાજદરમાં ૧.૧ ટકા (૧૧૦ પૈસા)નો તથા માસિક આવક યોજના-મન્થલી ઇન્કમ સ્કીમના વ્યાજદરમાં ૪૦ પૈસા અને કિસાન વિકાસ પત્રના વ્યાજદરમાં ૨૦ પૈસાનો વધારો કર્યો છે. આમ પોઈન્ટ ચાર ટકાથી માંડીને એક પોઈન્ટ એક ટકાનો વધારો કરવાની આજે જાહેરાત કરી છે. જોકે પબ્લિક પ્રોવિડન્ટ ફંડના વ્યાજદર પૂર્વવત ૭.૧ ટકાની સપાટીએ જાળવી રાખવામાં આવ્યા છે. આ જ રીતે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ આપવામાં આવતા વ્યાજના દર અગાઉની માફક ૭.૬ ટકા જ જાળવી રાખવામાં આવ્યા છે. સવા દસ વર્ષ એટલે કે ૧૨૩ મહિના માટેના કિસાન વિકાસ પત્ર પર આપવામાં આવતા ૭ ટકાથી વધારીને ૭.૨૦ ટકા કરવામાં આવ્યા છે. સરકારે દેશના સિનિયર સિટિઝન્સ પર પણ કૃપાનો વરસાદ કરતાં સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમના વ્યાજદર ૭.૬ ટકાથી સુધારીને ૮ ટકા કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૨ના ત્રિમાસિક ગાલામાં વ્યાજના દરમાં ૧૦ પૈસાથી માંડીને ૩૦ પૈસા સુધીનો સુધારો કરવામાં આવ્યો હતો. 

જાન્યુઆરી-માર્ચ ૨૦૨૩ના ત્રણ માસના ગાળા માટે આ વ્યાજદર જાહેર કરવામાં આવ્યા છે. પોસ્ટ ઑફિસના બચત ખાતામાં પડી રહેતી મૂડી પર ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૨ની માફક જ ચાર ટકા વ્યાજ ચૂકવવાનું ચાલુ રાખ્યું છે.ા જ રીતે પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટના વ્યાજના દર ૫.૮ ટકાની સપાટીએ જાળવી રાખ્યા છે. 

સરકારે આજે કરેલી જાહેરાત મુજબ એક વર્ષની મુદતીથાપણના વ્યાજદર ૫.૫ ટકાથી ૧.૧ ટકા વધારીને ૬.૬ ટકા કરી દીધા છે. આ જ રીતે બે વર્ષની મુદતી થાપણ માટેના વ્યાજદર ૫.૭૦ ટકાથી વધારીને ૬.૮૦ ટકા કરી દીધા છે. ત્રણ વર્ષની મુદતી થાપણના વ્યાજદર પણ ૫.૮૦ ટકાથી વધારીને ૬.૯૦ ટકા કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે. પાંચ વર્ષની મુદતી થાપણના વ્યાજદરમાં સૌથી વધુ ૧.૩૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. પાંચ વર્ષની મુદતી થાપણના વ્યાજદર ૫.૭ ટકાથી વધારીને ૭ ટકા કરવામાં આવ્યા છે.  સપ્ટેમ્બર ૨૦૨૨ના અંતે ભારત સરકારે બે વર્ષની મુદતી થાપણ અને ત્રણ વર્ષની મુદતી થાપણના વ્યાજદરમાં ૧૦ પૈસાથી માંડીને ૩૦ પૈસા સુધીનો વધારો કર્યો હતો. 

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ્સ પર અત્યાર સુધી ૬.૮૦ ટકા વ્યાજ ચૂકવવામાં આવતું હતું. તેમાં ૨૦ પૈસાનો વધારો કરીને ૭ ટકા કરી દીધો છે. બીજીતરફ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમના વ્યાજદરમાં એક સામટો ૪૦ પૈસાનો વધારો કરી આપ્યો છે. સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમ પર અપાતા ૭.૬ ટકાના વ્યાજદર સુધારીને ૮ ટકા કરી આપવામાં આવ્યા છે. 

સરકારી જામીનગીરીઓમાં કરવામાં આવતા રોકાણ પર મળતા વધારાને આધારે નક્કી કરેલી ફોર્મ્યુલા પ્રમાણે નાની બચત યોજનાના વ્યાજના દરમાં ફેરફાર કરવામાં આવે છે.સપ્ટેમ્બર મહિનામાં જ રિઝર્વ બેન્કે જાહેર કરેલા રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યુંહ તુંકે સરકારી જામીનગીરીઓમાં મળતા વળતરમાં સુધારો થયો છે. તેને આધારે નાની બચત યોજનાના વ્યાજદર નક્કી કરવા માટે બનાવેલી ફોર્મ્યુલા પ્રમાણે બચત કરનારાઓને ૪૪ પૈસાથી માંડીને ૭૭ પૈસા જેટલું ઓછું વ્યાજ મળી રહ્યું છે. સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર ૨૦૨૨ના ત્રિમાસિક ગાળામાં ૫ વર્ષની મુદતના સરકારી બોન્ડ પર થતી આવકમાં ૧૫ પૈસાનો અને ૧૦ વર્ષના બોન્ડ પર થતી આવકમાં ૧૦ પૈસાનો વધારો થયો છે.

મે મહિનાથી અત્યાર સુધીમાં રિઝર્વ બેન્કે રેપોરેટમાં ચાર વાર વધારો કર્યો છે. આ વધારો કુલ ૨.૨૫ ટકાનો થયો છે. ૪.૪૦ ટકાથી વધારીને ૬.૨૫ ટકા કરી દેવામાં આવ્યો છે. તેથી દેસની મોટાભાગની રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેન્કોએ તેમના વ્યાજના દરમાં વધારો કરી દીધો છે. કેટલીક સ્મોલ ફાઈનાન્સ બેન્ક ૮.૨૫થી ૮.૫૦ જેટલા આકર્ષક વ્યાજદર ઓફર કરી રહી છે. ખાનગી અને જાહેર ક્ષેત્રની બેન્કો ૧૦ દિવસથી માંડીને ૧૦ વર્ષ માટેની બચત પર ૩ ટકાથી મંડીને ૭.૫ ટકા સુધીના વ્યાજદર ચૂકવે છે. સિનિયર સિટીઝન્સને બેન્કો ૩.૫ ટકાથી માંડીને ૮ ટકા સુધીના વ્યાજદર ચૂકવે છે.

પીપીએફ-સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજદરમાં વધારો નહીં

પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં જમા કરાવવામાં આવતા નાણાં પર ચૂકવવામાં આવતા વ્યાજના દર ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૨ના ત્રિમાસિક ગાળાની માફક ૭.૧ ટકાની સપાટીએ જાળવી રાખવામાં આવ્યા છે. આ જ રીતે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કરવામાં આવતા રોકાણ પર ચૂકવવામાં આવતા વ્યાજદર પણ ૭.૬ ટકાની સપાટીએ જાળવી રાખવામાં આવ્યા છે. આમ પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજદરમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો