બરફના વાવાઝોડાથી અમેરિકામાં કુલ 60, જાપાનમાં 17થી વધુના મોત
- અમેરિકામાં અનેક એરપોર્ટ પર 50 ઇંચ બરફના ઢગલા
- સમગ્ર અમેરિકામાં 15 હજારથી વધુ ફ્લાઇટ્સ રદ કરાઇ, રેસ્ક્યૂ ઓપરેશનમાં વિલંબને કારણે મૃત્યુઆંક 100ને પાર જઇ શકે છે
- જાપાનમાં છત પરથી બરફ ઉતારવા જતા નીચે પડી જવાથી અનેકના મોત, સામાન્ય કરતા ત્રણગણો વધુ બરફ પડયો
ન્યૂયોર્ક : સમગ્ર અમેરિકામાં બરફના તોફાને ભારે હાહાકાર મચાવ્યો છે. અનેક લોકો માર્યા ગયા છે, માત્ર ન્યૂયોર્કમાં જ ૨૭ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે સમગ્ર અમેરિકામાં કુલ ૬૦ લોકોનો ભોગ લેવામાં આવ્યો હતો. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે અનેક મકાનોમાં વિજળી ન હોવાથી લાખો લોકો છેલ્લા ઘણા દિવસથી ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યા છે. બિઝનેસ ઠપ થઇ ગયો છે અને રેસ્ક્યૂ ઓપરેશનમાં પણ ભારે મુશ્કેલી આવી રહી છે. જેને પગલે મૃત્યુઆંક ૧૦૦ને પાર જવાની શક્યતાઓ છે.
અમેરિકાના મોટા ભાગના હાઇવે પર બરફના ઢગલા જામી ગયા છે. જેને પગલે ટ્રાન્સપોર્ટ વ્યવહાર પણ ઠપ થઇ ગયો છે. સમગ્ર ન્યૂયોર્કમાં એક ફૂટ જેટલા બરફની ચાદર પથરાઇ ગઇ છે. વૈજ્ઞાાનિકોએ જણાવ્યું હતું કે ક્લાઇમેટ ચેંજને કારણે બરફનું આ તોફાન આવ્યું હોઇ શકે છે. આ જાણકારી કોલોરાડો યુનિવર્સિટીના નેશનલ સ્નો ડેટા સેન્ટર દ્વારા આપવામાં આવી હતી. બફેલો નાઇગ્રા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ૫૦ ઇંચ જેટલો બરફ પડયો છે. જેને પગલે આ એરપોર્ટને આગામી કેટલાક દિવસો સુધી બંધ રાખવાના આદેશ અપાયા છે. અન્ય એરપોર્ટ પર પણ આ જ પ્રકારની સ્થિતિ છે જેને પગલે સમગ્ર અમેરિકામાં ૧૫ હજારથી વધુ ફ્લાઇટ્સને રદ કરવામાં આવી છે.
અમેરિકાની જેમ જ જાપાનમાં પણ હિમવર્ષાને કારણે પરિસ્થિતિ કથળી છે. જાપાનમાં હિમવર્ષા અને બરફના વાવાઝોડાને કારણે ૧૭ લોકોના મોત નિપજ્યા છે અને ૧૦૦થી વધુ લોકો ઘવાયા છે.
સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે લોકો પોતાની છત પરથી બરફ હટાવી રહ્યા હતા ત્યારે નીચે પડી જવાથી બરફમાં દટાઇ ગયા હતા, જેને કારણે પણ વધુ લોકોના મોત નિપજ્યા છે. જેને પગલે સ્થાનિક પ્રશાસને ચેતવણી આપી હતી કે કોઇએ પણ પ્રશાસનની મદદ લીધા વગર બરફ હટાવવો નહીં. જે લોકો માર્યા ગયા છે તેમાં મોટા ભાગના વૃદ્ધો છે. જાપાનના અનેક વિસ્તારોમાં સામાન્ય કરતા ત્રણગણો વધુ બરફ પડયો હતો.
Comments
Post a Comment