મનસુખ માંડવિયાએ ભારત જોડો યાત્રાને લઈ રાહુલ ગાંધીને લખ્યો પત્ર...
Image : Twitter |
અમદાવાદ, 21 ડિસેમ્બર 2022, બુધવાર
વિશ્વભરમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને કોંગ્રેસની ભારત જોડો યાત્રા રદ કરવાની માંગ કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે ભારત જોડો યાત્રામાં કોરોનાની ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ, જો કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું શક્ય ન હોય તો દેશના હિતમાં ભારત જોડો યાત્રાને મોકૂફ રાખવી જોઈએ. આ ઉપરાંત રાહુલ ગાંધીને લખેલા પત્રમાં કહ્યું કે હું ઈચ્છું છું કે તમે સ્વસ્થ અને સુરક્ષિત રહો. તેમણે અપીલ કરી હતી કે રાજસ્થાનમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રામાં કોરોના ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવામાં આવે, માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવામાં આવે. માત્ર રસીકરણ કરાયેલા લોકો જ યાત્રામાં ભાગ લે તે સુનિશ્ચિત કરવું જોઈએ. પ્રવાસમાં જોડાતા પહેલા અને પછી મુસાફરોને અલગ રાખવા જોઈએ. માંડવિયાએ આગળ લખતા કહ્યુ કે જો કોરોના પ્રોટોકોલનું પાલન કરવું શક્ય નથી તો જાહેર આરોગ્ય કટોકટીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેશને કોરોના રોગચાળાથી બચાવવા માટે દેશ હિતમાં ભારત જોડો યાત્રા હાલ પુરતી મોકૂફ રાખવા વિનંતી છે.
ભારત સરકાર દ્વારા પણ એલર્ટ અપાયુ
વિશ્વમાં વધી રહેલા કેસોને જોઈને ભારત સરકાર પણ એલર્ટ પર આવી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ આપી દીધુ છે. સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નવા કોવિડ-પોઝિટિવ દર્દીઓના સેમ્પલ INSACOG લેબોરેટરીમાં મોકલવા જણાવ્યું છે જેથી કોરોનાનું નવું સ્વરૂપ જો હોય તો તેને ટ્રેક કરી શકાય. આ માટે કેન્દ્ર સરકારે દરેક રાજ્યોને એક પત્ર લખી જાણ કરાઈ છે.
Comments
Post a Comment