દેશમાં લોકડાઉનની જરૂર નથી, માસ્ક સહિતની તકેદારી અનિવાર્ય : નિષ્ણાતો


- એરપોર્ટ પર અન્ય દેશોની બધી જ ફ્લાઈટ્સના બે ટકા પ્રવાસીના ટેસ્ટિંગ

- ચીન, જાપાન, હોંગકોંગ, થાઈલેન્ડ, દક્ષિણ કોરિયાના બધા જ પ્રવાસીઓ માટે આરટી-પીસીઆર ફરજિયાત : સ્વાસ્થ્ય મંત્રાલય

- દેશમાં કોરોનાના 201 નવા કેસ, એક્ટિવ કેસ વધીને 3,397 થયા, કુલ મૃત્યુઆંક 5.30 લાખ : બે દિવસમાં કોરોનાના કેસ વધ્યા 

- રાજ્યોને નિયમિત મોકડ્રીલ કરવા પણ સૂચન

નવી દિલ્હી : કોરોના વાઈરસે ફરી એક વખત આખી દુનિયામાં ભારે હોબાળો મચાવ્યો છે. ચીન, જાપાન સહિત દક્ષિણ એશિયાના દેશોમાં કોરોના કેસમાં અસાધારણ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે શનિવારે ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવતા પ્રવાસીઓ માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે. જોકે, ભારતે બીએફ.૭ વેરિઅન્ટથી ડરવાની, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકવાની કે લોકડાઉન લાગુ કરવાની જરૂર નથી, પરંતુ લોકોએ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જેવા નિયમોના પાલન સહિતની તકેદારી રાખવી જોઈએ તેમ નિષ્ણાતોએ કહ્યું હતું.

ચીનમાં કોરોના વાઈરસે ભારે વિનાશ વેર્યો છે ત્યારે ભારતમાં પણ લોકડાઉન અંગે લોકોમાં ચિંતા થવા લાગી છે. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે ભારતમાં કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો પર પ્રતિબંધ મૂકવા અથવા લોકડાઉન લાગુ કરવાની કોઈ જરૂર નથી. પરંતુ નિરીક્ષણ અને સાવધાની મજબૂત કરવી જોઈએ. એઈમ્સના પૂર્વ ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ભારતમાં કોરોનાના ગંભીર કેસ વધવા અને દર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવનાઓ નથી, કારણ કે ભારતીયોમાં હાઈબ્રિડ ઈમ્યુનિટી વિકસી ગઈ છે. રસીકરણ પર રાષ્ટ્રીય ટેકનિકલ સલાહકાર જૂથના અધ્યક્ષ ડૉ. એન. કે. અરોરાએ કહ્યું કે ભારતમાં લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથી.

દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે જણાવ્યું હતું કે, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી ભારત આવનારા પ્રવાસીઓમાં કોરોના વાઈરસની તપાસ કરવા માટે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો ફરજિયાત કરાયું છે. આ દેશોના પ્રવાસીઓમાં કોરોના વાઈરસના સંક્રમણના લક્ષણો જણાતા અથવા તપાસમાં તેમના સંક્રમણની પુષ્ટી થતાં અથવા તેમના રિપોર્ટ પોઝિટિવ આવશે તેમને સીધા જ ક્વોરન્ટાઈન કરાશે. આ દેશોમાંથી આવતા પ્રવાસીઓએ એક ફોર્મ ભરીને પોતાની સ્વાસ્થ્ય સ્થિતિ અંગે માહિતી પણ આપવી પડશે. 

તેમણે ઉમેર્યું હતું કે, દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લુરુ, ચેન્નઈ, અમદાવાદ, પૂણે, ઈન્દોર અને ગોવા સહિતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર બે ટકા પ્રવાસીઓનું રેન્ડમ ટેસ્ટિંગ શરૂ પણ કરી દેવાયું છે. કેન્દ્રની નવી માર્ગદર્શિકા મુજબ પ્રત્યેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સમાં બે ટકા પ્રવાસીઓનું રેન્ડમ ટેસ્ટિંગ શરૂ કરાયું છે. દેશમાં ૨૯ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે અને ૨૩મીએ દેશમાં આવેલા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યા ૮૭,૯૬૬ છે તેમ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ડેટા પરથી જણાયું છે.

દરમિયાન ભારતમાં બે દિવસમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. દેશમાં શનિવારે કોરોનાના નવા ૨૦૧ કેસ નોંધાયા હતા. આ સાથે કુલ કેસની સંખ્યા ૪,૪૬,૭૬,૮૭૯ કરોડે પહોંચી છે જ્યારે એક્ટિવ કેસ વધીને ૩,૩૯૭ થયા છે. કેરળમાં એક દર્દીના મોત સાથે કોરોનાનો મૃત્યુઆંક ૫,૩૦,૬૯૧ થયો છે. ગઈકાલે કોરોનાના ૧૮૫ કેસ હતા જ્યારે ગુરુવારે ૧૩૫ કેસ નોંધાયા હતા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો