મહિને 12 હજાર કમાનારા મજૂરને 14 કરોડ ભરવા આઇટીની નોટિસ
- બિહારમાં ગરીબ મજૂર સાથે છેતરપિંડી
- આઇટીની નોટિસથી મજૂર અને પરિવારજનો ચોંકી ઉઠયા, ડરના માર્યા ઘર છોડી ભાગી ગયા
પટણા : બિહારમાં એક ઇન્કમ ટેક્સને લઇને એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. મહિને માત્ર ૧૨ હજાર રૂપિયા કમાણી કરનારા એક મજૂરને આઇટી વિભાગે ૧૪ કરોડ રૂપિયા ભરવા માટે નોટિસ પાઠવી હતી. જેને પગલે મજૂર અને તેની આસપાસના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આઇટી વિભાગની આ નોટિસની પણ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઇ રહી છે.
બિહારના રોહતાસ જિલ્લામાં રહેતા અને મજૂરી કરીને ગુજરાન ચલાવનારા મનોજ યાદવના હાથમાં જ્યારે આઇટી વિભાગની ૧૪ કરોડ રૂપિયા ભરવાની નોટિસ આવી ત્યારે તે ચોંકી ઉઠયા હતા. મનોજ યાદવ આસપાસના વિસ્તારોમાં દૈનિક મજૂરી કરીને મહિને માંડ ૧૨ હજાર રૂપિયા કમાય છે, આવી સ્થિતિમાં તેમને ૧૪ કરોડ રૂપિયા ભરવા નોટિસ મળતા તેઓ મૂંજવણમાં પણ મુકાયા હતા.
સમગ્ર મામલે તપાસ માટે બાદમાં આઇટી વિભાગના અધિકારીઓ મનોજ યાદવના ઘરે ગયા હતા અને તેની આર્થિક સ્થિતિ પણ જોઇ હતી, તેથી અધિકારીઓને વિશ્વાસ આવી ગયો હતો કે મનોજ યાદવ ગરીબ મજૂર છે. જ્યારે ટેક્સ ચોરીમાં તેનો કોઇ હાથ નથી. અધિકારીઓ તપાસ કરીને જતા રહ્યા તે બાદ ડરી ગયેલા મનોજ યાદવે પોતાના ઘરને તાળુ મારી દીધુ હતું અને પરિવારને લઇને અન્ય સ્થળે જતો રહ્યો હતો.
દરમિયાન આઇટી વિભાગ દ્વારા આ છબરડાની તપાસ કરવામાં આવી હતી તો હકિકત સામે આવી હતી, મનોજ જ્યારે મજૂરી કરવા દિલ્હી અને આસપાસના રાજ્યોમાં જતો હશે ત્યારે તેણે પોતાના પેનકાર્ડ અને આધારકાર્ડની માહિતી આપી હશે.
આ દરમિયાન જ સાઇબર ક્રાઇમ સાથે જોડાયેલા કેટલાક લોકોએ બનાવટી બેંક ખાતા ખોલીને આ ફ્રોડ આચર્યું હતું.
Comments
Post a Comment