'અમારા માટે કોઈ કેસ નાનો નથી, અમારું કામ નાગરિક અધિકારોની રક્ષા કરવી': સુપ્રીમ કોર્ટ
- ગુરુવારે કેન્દ્રીય કાયદામંત્રી કિરેન રિજિજુએ સુપ્રીમ કોર્ટના કામકાજ પર ટિપ્પણી કરી હતી
નવી દિલ્હી, તા. 17 ડિસેમ્બર 2022, શનિવાર
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, સુપ્રીમ માટે કોઈ કેસ નાનો નથી. નાના ગુનામાં લાંબા સમયથી સજા ભોગવી રહેલા વ્યક્તિને મુક્ત કરવાનો આદેશ આપતાં તેમણે આ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, અમારા માટે કોઈ કેસ નાનો નથી. જો અમ નાગરિકોની વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ કરી નથી કરી શકતા તો પછી અમે અહીં શું કરવા બેઠા છીએ.
ચીફ જસ્ટિસની આ ટિપ્પણી એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે, ગુરુવારે કેન્દ્રીય કાયદામંત્રી કિરેન રિજિજુએ સુપ્રીમ કોર્ટના કામકાજ પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે મોટી બંધારણીય બાબતોની સુનાવણી કરવી જોઈએ જામીનના મામલાઓની નહીં. શુક્રવારે ચીફ જસ્ટિસે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ લોકોના મૂળભૂત અધિકારોની રક્ષક છે અને વ્યક્તિગત સ્વતંત્રતા એ એક મહત્વપૂર્ણ મૌલિક અધિકાર છે.
વીજ ચોરી મામલે થઈ હતી સજા
ચીફ જસ્ટિસ ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હાએ વીજ ચોરીના આરોપમાં 7 વર્ષથી વધુ જેલમાં વિતાવનાર હાપુડના રહેવાસી ઈકરામના કેસની સુનાવણી કરતી વખતે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, ટ્રાયલ કોર્ટ અને હાઇકોર્ટે નાના એક નાના ગુનાને હત્યા જેવો કેસ બનાવી દીધો.
અરજદાર સામે વીજ ચોરીના 9 કેસ હતા. તેણે નીચલી અદાલતમાં પ્લી બાર્ગેનિંગની પ્રક્રિયાનો સહારો લીધો હતો. તેને તમામ 9 કેસોમાં 2-2 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ટ્રાયલ કોર્ટે તેમને એક સાથે જ ચલાવવાનો આદેશ આપ્યો ન હતો. હાઈકોર્ટે એમ પણ કહ્યું કે, સજા એક બાદ એક ચાલશે. એટલે કે, આ રીતે તેણે 18 વર્ષ જેલમાં પસાર કરવા પડશે.
જ્યારે અરજદારના વકીલે કોર્ટને કહ્યું કે, તે 7 વર્ષથી જેલમાં છે તો બંને જજો આશ્ચર્યચકિત થઈ ગયા. ન્યાયાધીશોએ કોર્ટમાં હાજર વરિષ્ઠ વકીલ નાગમુથુને તેમનો અભિપ્રાય પૂછ્યો. વરિષ્ઠ વકીલે કહ્યું કે, આ રીતે તો આ આજીવન કેદની સજાનો મામલો બની ગયો છે.
તેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે, તેથી સુપ્રીમ કોર્ટ માટે આવા કેસોની સુનાવણી કરવી જરૂરી છે. ન્યાયાધીશો કેસની ફાઈલ વાંચવા માટે અડધી રાત સુધી જાગતા રહે છે કારણ કે કેટલીકવાર સામાન્ય લાગતી બાબત નાગરિક અધિકારોની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જો અમે આવા મામલામાં દખલ ન કરીએ તો અમારી શું ઉપયોગિતા છે?
Comments
Post a Comment