રાજ્યમાં આજે 9.58 લાખ ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષા આપશે, દરેક ખંડમાં CCTVથી મોનિટરિંગ
![]() |
|
image : pixabay |
આજે રાજ્યભરમાંથી 9.58 લાખ ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષા આપશે. રાજ્યના 3 હજાર કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ગત્ત જાન્યુઆરીએ પેપર લીક થતા પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. રાજ્યમાં અગાઉ પેપરલીકની ઘટના બની હતી ત્યારે આજે ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાશે. ગુજરાત પંચાયત સેવા પંસદગી બોર્ડ દ્વારા આજે જૂનિયર ક્લાર્કની પરીક્ષા લેવાનાર છે ત્યારે તંત્ર સજ્જ થઈ ગયુ છે અને ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. પરીક્ષમાં કોઈ ગેરરીતી કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ કેન્દ્રો પર જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
સરકાર ટ્રાવેલિંગ એલાઉન્સ આપશે
આ વખતે સરકાર ઉમેદવારોને ટ્રાવેલિંગ એલાઉન્સ પણ આપશે. સરકાર દરેક પરીક્ષાર્થીને 254 રૂપિયા એસટી ભાડુ આપશે. આ રકમ આયોગને આપી દેવામાં આવી છે. પરીક્ષા પુરી થયા બાદ બેન્ક ડિટેલ અને કોલ લેટર વેરીફાઈ કરીને નાણાં ચૂકવવામાં આવશે. આ માટે બોર્ડને ભથ્થા પાછળ અંદાજે 30 કરોડ રુપિયાનો ખર્ચ થશે.
એસટી દ્વારા બસની વ્યવસ્થા કરવામાં આવી
રાજ્યમાં આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા હોવાથી ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા 6 હજાર જેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. જૂનિયર ક્લાર્કની પરીક્ષમાં ઘણા ઉમેદવારોને અંતરિયાળ વિસ્તારોમાં નંબર આવ્યા છે. ઘણા લોકોને પોતાના વતનથી પરીક્ષા કેન્દ્રો ખુબ જ દુર છે. ઉમેદવારો પોતાના કેન્દ્રો પર પહોંચી શકે અને એસ.ટીની અગવડતા ન પડે તે માટે વધારે બસો ફાળવવામાં આવી છે.
રાજકોટ જૂનાગઢ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર સરળતાથી પહોંચી શકે તે માટે રાજકોટ અને જૂનાગઢ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. રાજકોટથી જૂનાગઢ માટે સવારે 7 વાગ્યે સ્પેશિયલ ટ્રેન ઉપડશે જે જૂનાગઢથી બપોરે 3 વાગ્યે રાજકોટ રિટર્ન થશે. જૂનાગઢથી રાજકોટ જવા માટે ટ્રેન સવારે 7:30 કલાકે ઉપડશે અને આ ટ્રેન રાજકોટથી બપોરે 2:55 કલાકે પરત ફરશે.

Comments
Post a Comment