ભારતીયો સાથે ઓનલાઇન કૌભાંડ : હિઝબુલ્લા-ચીનની સાંઠગાંઠ
- ચીનના હેન્ડલર્સ દ્વારા એક વર્ષથી ઓછા સમયમાં 15 હજાર ભારતીયો સાથે રૂ. 712 કરોડની છેતરપિંડી, દેશભરમાંથી 9ની ધરપકડ
- ટેલિગ્રામ રિવ્યૂમાંથી પાર્ટટાઈમ કમાણીના નામે નાગરિકો પાસેથી રોકાણ મેળવીને ક્રિપ્ટોમાં ટ્રાન્ઝેક્શન કરી દેવાયું
- ભારતમાંથી વાયા દુબઈ ચીનના ઓપરેટર પાસે પૈસા પહોંચ્યા : લેબેનોનના આતંકી સંગઠન હિઝબુલ્લાહના એકાઉન્ટમાં પણ રકમ પહોંચી
હૈદરાબાદ : હૈદરાબાદ પોલીસે દેશવ્યાપી ચાઈનીઝ ફ્રોડનો ભાંડાભોડ કર્યો છે. સોશિયલ મીડિયાની મદદથી આ દેશવ્યાપી છેતરપિંડીનું કારસ્તાન ચાલતું હતું. નાગરિકોને શરૂઆતમાં નાની રકમ રોકવાનું કહીને ટેલિગ્રામ રિવ્યૂ કરવાનું કહેવાતું હતું. એનું વળતર મળ્યા બાદ મોટી રકમ રોકવાનું કહેવાતું હતું. એ રકમ ઉપાડવા દેવાતી ન હતી. એ રીતે લગભગ ૧૫૦૦૦ કરતાં વધુ નાગરિકો ઓનલાઈન છેતરપિંડીના આ કીચડમાં ફસાઈ ગયા હતા. પોલીસે આ રેકેટમાં ૯ની ધરપકડ કરી છે.
હૈદરાબાદ પોલીસના કહેવા પ્રમાણે ૭૧૨ કરોડ રૂપિયાનું છેતરપિંડીનું રેકેટ ચીની હેન્ડલર્સ મારફતે થયું હતું. ભારતમાં અલગ અલગ રીતે કંપનીના નામ અને સિમકાર્ડનો ઉપયોગ કરીને છેતરપિંડી થતી હતી. ભારતના ઘણાં આરોપીઓમાં આ રેકેટમાં સંડોવાયેલા હતા. હૈદરાબાદ પોલીસે નવની ધરપકડ કરી છે. એમાં અમદાવાદના બે આરોપીઓનો પણ સમાવેશ થાય છે. દેશભરમાં આ રેકેટ ચલાવાતું હતું. ટેલિગ્રામ પોસ્ટ રિવ્યૂ કરવાના નામે પહેલાં યુઝર્સ પાસેથી ૧૦૦૦ રૂપિયાનું રોકાણ કરાવાયું હતું, એમાંથી ૮૦૦ રૂપિયાનો ફાયદો થયો. તે પછી બીજા તબક્કામાં ૨૦ હજાર રૂપિયાનું રોકાણ લેવાયું, તેના બદલામાં ૨૫ હજાર અપાયા, પરંતુ એ યુઝર્સના એકાઉન્ટમાંથી ઉપાડવાની છૂટ ન અપાઈ. એ રીતે વધુ રોકાણો મેળવાયા અને પછી ભારતમાં નોંધાયેલી નકલી કંપનીઓના માદ્યમથી રકમ ક્રિપ્ટોકરન્સી મારફતે પહેલાં દુબઈ ગઈ અને ત્યાંથી ચીનના હેન્ડલર પાસે પહોંચી. આ ક્રિપ્ટોટ્રાન્ઝેક્શન લેબેનોનના હિઝબુલ્લા નામના આતંકી સંગઠનના એકાઉન્ટમાં પણ થયું હતું. એ એકાઉન્ટ ટેરર ફંડ મોડયૂલ સાથે કનેક્ટ છે. હૈદરાબાદમાં છેતરપિંડીનો ભોગ બનેલા એક યુવાને સાઈબર ક્રાઈમમાં ફરિયાદ કરી તે પછી આખા રેકેટનો પર્દાફાશ થયો હતો. તેને કમાણીની લાલચ આપીને સતત રોકાણ કરાવાતું હતું. એ એક જ યુવાને ૨૮ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેના બધા જ પૈસા અલગ અલગ છ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા. એમાંથી રકમ દુબઈ મોકલાઈ. એ રકમ ક્રિપ્ટોકરન્સી ખરીદવામાં ખર્ચાઈ અને પછી ચીનના હેન્ડલર પાસે બધા પૈસા પહોંચી ગયા. તપાસ દરમિયાન આવા ૪૮ બેંક એકાઉન્ટ મળી આવ્યા, જે નકલી કંપનીઓના નામે ખોલાયા હતા. ૧૧૩ ભારતીય બેંક એકાઉન્ટનો ઉપયોગ આ છેતરપિંડીમાં થયો હતો.
એક વર્ષથી ઓછા સમયમાં આ રેકેટ હેઠળ ૧૫ હજાર કરતાં વધુ ભારતીયો સાથે ૭૧૨ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. પોલીસે આ સંદર્ભમાં ૧૦ કરોડ રૂપિયા સીઝ કરી દીધા હતા.
યુટયૂબ-ગૂગલના રિવ્યૂમાંથી કમાણીની ઓફર આવે તો ચેતી જજો !
આ જ તર્જથી અગાઉ પણ સોશિયલ મીડિયા છેતરપિંડી દેશ અને વિદેશના હેકર્સ કરી ચૂક્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટ લાઈક કરવાના નામે શરૂઆતમાં કમાણી કરાવવામાં આવે છે. તે પછી મોટી રકમ થાય ત્યારે બધી જ રકમ ક્રિપ્ટો મારફતે બેંક એકાઉન્ટમાંથી ખાલી કરી દેવામાં આવે છે. અગાઉ ઓનલાઈન જાહેરાત જોવાના નામે પણ આવી જ છેતરપિંડી થઈ ચૂકી છે.
યુટયૂબના વીડિયો લાઈક કરો અને પૈસા કમાવ, ગૂગલમાં રિવ્યૂ લખો અને કમાણી કરો, ફેસબુકમાં વીડિયો જુઓ અને પૈસા મેળવો, ઈન્સ્ટાગ્રામમાં રિલ્સ જોઈને કમાણી કરો - આ પ્રકારની લોભામણી જાહેરાતો આવે તો ચેતી જવા જેવું છે. થોડું રોકાણ કરીને વધુ કમાણી કરો એવા દાવા થયા બાદ એક-બે વખત થોડી રકમ આપીને યુઝર્સનો વિશ્વાસ જીતે છે. તે પછી છેતરપિંડીનું રેકેટ ચલાવનારા હેન્ડલર્સ મોટી રકમ ભેગી થાય એટલે ચુનો લગાડીને નાસી જાય છે.
Comments
Post a Comment