મણિપુરમાં ફરી હિંસા ભડકી, વધુ 35,000થી વધુ જવાન તૈનાત
- ચુરાચાંદપુર અને બિસ્નુપુરમાં સામ-સામો ગોળીબાર
- મણિપુરમાં બે મહિલાઓના વીડિયોનો કેસ સીબીઆઈને સોંપાયો, અનેક મહત્વના કેસની ટ્રાયલ રાજ્ય બહાર કરવા કેન્દ્રની તૈયારી
ઈમ્ફાલ : મણિપુરમાં લગભગ ત્રણ મહિનાથી ચાલતી હિંસા હજુ પણ અટકવાનું નામ લેતી નથી. ગુરુવારે ફરી એક વખત ચુરાચાંદપુર અને બિસ્નુપુર મોઈરંગમાં ગોળીબાર થયો હતો. ગામવાસીઓનું કહેવું હતું કે બુધવારે મોડી રાતે પણ ગોળીબારના અવાજ સંભળાયા હતા. આ હિંસા રોકવા માટે સીઆરપીએફ અને સીએપીએફના વધુ ૩૫,૦૦૦ જવાનોને મણિપુરમાં તૈનાત કરવામાં આવ્યા છે. બીજીબાજુ ૧૯મી જુલાઈએ બે મહિલાઓનો વીડિયો વાઈરલ થયાની ઘટનાની તપાસ સીબીઆઈને સોંપાઈ છે. જે ફોનમાં આ વીડિયો રેકોર્ડ થયો હતો તે સ્થાનિક પોલીસે સીબીઆઈને સોંપી દીધો છે.
મણિપુરમાં ગુરુવારે ફરી એક વખત હિંસાના અહેવાલો છે. બિસ્નુપુર જિલ્લામાં ગામવાસીઓએ કહ્યું કે, બુધવાર રાતથી જ ગોળીબારના અવાજો આવી રહ્યા છે. ગભરાટના માર્યા અમારા જીવ તાળવે ચોંટી ગયા છે. હુમલાખોરોએ અનેક મકાનોને આગ લગાવી દીધી હતી. ગામવાસીઓએ બચવા માટે સલામત સ્થળે આશરો લેવાની ફરજ પડી હતી. એ જ રીતે ચુરાચાંદપુર જિલ્લાના થોરબુંગ વિસ્તારમાં પણ ગોળીબાર થયો હતો.
સૂત્રોએ જણાવ્યું કે ગોળીબારની સાથે મોર્ટારનો મારો થયા હોવાના પણ અહેવાલ છે. બીજીબાજુ અધિકારીઓએ જણાવ્યું કે, કાંગપોકપી જિલ્લામાં સુરક્ષા કર્મચારીઓના પરિવહન માટેની બે બસો સળગાવી દેવાઈ હતી. જોકે, તેમાં કોઈ જાનહાની કે નુકસાન થઈ નહોતી. બીજીબાજુ મણિપુરમાં શાંતિ સ્થાપિત કરવા માટે કેન્દ્ર સરકારે સીઆરપીએફ અને સીએપીએફના વધુ ૩૫,૦૦૦ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા કર્મચારીઓએ મૈતેઈ બહુમતી ઘાટી અને કુકી બહુમતીવાળા પર્વતીય વિસ્તારો વચ્ચે એક બફર ઝોન બનાવ્યો છે.
દરમિયાન મણિપુરમાં બે મહિલાઓને નગ્ન કરી ફેરવવાના વીડિયો વિવાદમાં આ વીડિયો બનાવનારની પોલીસે ધરપકડ કરી છે અને જે મોબાઈલ ફોનમાં આ વીડિયો બનાવાયો હતો તે પણ ઝડપી લીધો છે. કેન્દ્ર સરકારે આ ઘટનાની તપાસ સીબીઆઈને સોંપી છે. પરિણામે સ્થાનિક પોલીસે આ મોબાઈલ ફોન સીબીઆઈને સોંપી દીધો છે. આ સાથે કેન્દ્ર સરકારે વીડિયો કેસમાં ટ્રાયલ રાજ્ય બહાર કરવા અંગે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ કરશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. સૂત્રો મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલય મણિપુરમાં ત્રણ મહિના સુધી ચાલુ રહેલી હિંસાના મહત્વના કેસોની ટ્રાયલ પણ રાજ્ય બહાર ચલાવવા માગે છે. આ સંબંધમાં સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામુ દાખલ કરાશે. સૂત્રો મુજબ કેન્દ્ર સરકાર અને કૂકી તથા મૈતેઈ સમાજના સભ્યો વચ્ચે અનેક તબક્કાની વાટાઘાટો થઈ છે. પ્રત્યેક સમુદાય સાથે છ તબક્કાની વાટાઘાટો થઈ છે. મણિપુરમાં સ્થિતિ સામાન્ય કરવા માટે આ વાટાઘાટો અંતિમ તબક્કામાં છે. કુકી અને મૈતેઈ સમાજ વચ્ચે બફર ઝોન બનાવાયો છે.
દરમિયાન સુપ્રીમ કોર્ટે ગુરુવારે મણિપુર મુદ્દે થયેલી એક અરજીમાં અરજદારને મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડના અધ્યક્ષપદવાળી બેન્ચ સમક્ષ તેમની અરજી લિસ્ટ કરવા કહ્યું હતું. અરજદારે મણિપુરમાં વંશીય હિંસા અને જાતીય અત્યાચારોની તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશના અધ્યક્ષપદે એક સ્વતંત્ર સમિતિ રચવા માગણી કરી છે. ન્યાયાધીશ એસ કે કૌલ અને ન્યાયાધીશ સુધાશુ ધુલિયાની બેન્ચ સમક્ષ આ પીઆઈએલ લિસ્ટ થઈ હતી. આ અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દેશભરમાં દરેક લોકો આ કેસમાં પોતાની વાત રજૂ કરવા માગે છે. સુપ્રીમ કોર્ટમાં પહેલાથી જ આ મુદ્દે અરજીઓ પર ધ્યાન અપાઈ રહ્યું છે ત્યારે આ અરજી કરવાની શું જરૂર પડી? આવતીકાલે સીજેઆઈ સમક્ષ તમારી અરજી રજ કરજો.
દરમિયાન વિપક્ષે ગુરુવારે પણ મણિપુર મુદ્દે દેખાવો કર્યા હતા. વિપક્ષના જૂથ 'ઈન્ડિયા'ના સાંસદોનું એક જૂથ શનિવાર અને રવિવારે મણિપુરના હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે અને પૂર્વોત્તરના રાજ્યમાં સ્થિતની સમિક્ષા કરશે. વિપક્ષના આ જૂથમાં ૨૦થી વધુ સાંસદો મણિપુર જશે અને રાજ્યમાં સ્થિતિનો પ્રથમદર્શી અહેવાલ મેળવશે તેમ લોકસભામાં કોંગ્રેસના દંડક મણિકમ ટાગોરે કહ્યું હતું. તેમણે ઉમેર્યુ ંકે ઈન્ડિયા જૂથના બધા જ પક્ષોમાંથી એક સાંસદ આ પ્રતિનિધિમંડળમાં જોડાશે તેવી શક્યતા છે.
Comments
Post a Comment