તારાથી થાય તે કરી લેજે, પોલીસમાં જઇશ તો તને ક્યાંય ગાયબ કરી દઇશ
અમદાવાદ,શનિવાર
નિવૃત આઇપીએસ અધિકારી બી એસ જેબલિયાના માથાભારે પુત્ર નિરવ જેબલિયા વિરૂદ્વ સોલા હાઇકોર્ટ પોલીસ મથકે કાર ડીલરને સ્ક્રોપિયો કાર વેચાણ આપવાનું કહીને એડવાન્સમાં અલગ અલગ સમયે કુલ ૪.૨૩ લાખ રૂપિયા જેટલા નાણાં લઇને કાર નહી આપીને છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. કાર ડીલરે નિરવ પાસેથી નાણાં પરત માંગતા તેણે તેના પિતાના પોલીસ અઘિકારી હોવાનું કહીને ધમકી આપતા કાર ડીલર ડરી ગયો હતો. જો કે અંતે તેણે હિંમત કરીને નિરવ જેબલિયા વિરૂદ્વ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. શહેરના થલતેજ અલકાપુરી એપાર્ટમેન્ટમાં રહેતા વિજય મિશ્રા સેટેલાઇટમાં કાર લે-વેચનો વ્યવસાય કરે છે. વિજય મિશ્રાના મિત્ર કિરણ બારોટ હાઇકોર્ટમાં ડઇવર તરીકે નોકરી કરે છે અને સાથેસાથે તે વકીલોની ગાડીની લે વેચ માટે વિજયભાઇને મદદ કરે છે. ગત ૨૬મી એપ્રિલના રોજ કિરણભાઇએ વિજયભાઇને ફોન કર્યો હતો કે નિરવ જેબલિયાને તેની સ્ક્રોપિયો કાર વેચાણ કરવાની છે. જે જોવા માટે વિજયભાઇ ગુજરાત હાઇકોર્ટ ખાતે આવ્યા હતા. જે પસંદ આવતા વિજયભાઇએ આ કારની ડીલ ૧૦.૨૫ લાખમાં નક્કી કરી હતી. આ કાર વેચાણની ડીલના ટોકન પેટે નિરવે બે લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે વિજયભાઇએ ચુકવી દીધા હતા. બાદમાં કારની બાકી લોન ભરવી છે તેમ કહીને દોઢ લાખ રૂપિયા લીધા હતા. જે પછી કારનો છેલ્લો હપતો બાકી છે. જે ચુકવવાનું કહીને ૭૩,૪૦૦ રૂપિયા લીધા હતા. લોન પુરી થયા બાદ કાર મળી જશે. તેમ માનીને વિજયભાઇને કુલ ૪.૨૩ લાખની રકમ ચુકવી આપી હતી. બાકીની કારની ડીલેવરી સમયે આપવાનું નક્કી થયું હતું. જો કે તે બાદ નિરવે અલગ અલગ કારણ દર્શાવીને કાર આપવાનું ટાળતો હતો. આ દરમિયાન વિજયભાઇને નિરવ જેબલિયાના અન્ય કૌભાંડ અંગે જાણ થતા તેણે કાર ન મળે તો નાણાં પરત માંગ્યા હતા. ત્યારે નિરવે વિજયભાઇને ધમકી આપી હતી કે તારાથી થાય તે કરી લેજે, તેને ગાડી પરત નહી મળે અને નાણાં પણ નહી, હવે નાણાં આવ્યો તો તને ક્યાંય ગાયબ કરી દઇશ.પોલીસમાં જવાની ભૂલ પણ ન કરતો. આમ, તેણે નિરવે તેના પૂર્વ આઇપીએસ પિતા બી એસ જેબલિયાનો રોફ જમાવીને ધમકી આપી હતી. નિરવની પહોંચ ઉપર સુધી હોવા ઉપરાંત, તેના પિતા નિવૃત આઇપીએસ અધિકારી હોવાથી ખોટા કેસમાં ફસાઇ જવાના ૃડરથી વિજયભાઇ ડરી ગયા હતા. જો કે અંતે હિમત કરીને છેવટે ફરિયાદ નોંધાવતા માથાભારે નિરવ જેબલિયા વિરૂદ્વ ગુનો નોઁધ્યો હતો.
Comments
Post a Comment