4 મોબાઈલ ફોન, 5 પાકિસ્તાની પાસપોર્ટ... સીમા હૈદર પર કસાયો સકંજો, પૂછપરછમાં બહાર આવી આ માહિતી
નવી દિલ્હી, તા.19 જુલાઈ-2023, બુધવાર
ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસેલી પાકિસ્તાની મહિલા સીમા હૈદર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. ઉત્તર પ્રદેશ એટીએસની ટીમે સીમા હૈદર અને તેના પ્રેમી સચિન મીણા સામે તપાસ પૂર્ણ કરી લીધી છે અને હવે તેનો રિપોર્ટ ઉત્તર પ્રદેશ ગૃહ વિભાગને મોકલવાની તૈયારી કરી રહી છે.
સીમાના એક પાસપોર્ટ પર અધૂરું નામ અને સરનામું
ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારા બહાર પડાયેલા સત્તાવાર નિવેદનમાં હજુ સુધી સીમા હૈદર સામે જાસૂસી કે કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિની કોઈ વાત સામે આવી નથી. તેની પાસેથી 2 વીડિયો કેસેટ, 4 મોબાઈલ ફોન, 5 પાકિસ્તાની પાસપોર્ટ મળી આવ્યા છે, જેમાં એક પાસપોર્ટ પર અધૂરું નામ અને સરનામું નોંધાયેલું છે. નિવેદનમાં જણાવાયું છે કે, સીમા હૈદર અને તેના 4 બાળકો વિરુદ્ધ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરવા બદલ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સીમા હૈદરે ઉત્તર પ્રદએશ એટીએસને આખી કહાની જણાવી
ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ નોટમાં સીમા હૈદર અને સચિન મીણા વચ્ચે પબજીથી શરૂ થયેલી આ પ્રેમ કહાની સંપૂર્ણ ક્રમ મુજબ જણાવાઈ છે. એટીએસના જણાવ્યા મુજબ સીમા હૈદરે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, વર્ષ 2020માં તે પબજી ઓનલાઈન ગેમ દ્વારા સચિન મીણાના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ જેમ જેમ મિત્રતા વધતી ગઈ તેમ તેમ બંને વોટ્સએપ પર વાત કરતા હતા.
સીમા 17 માર્ચે પાકિસ્તાન પરત જતી રહી હતી
સીમા હૈદરે જણાવ્યું કે, તે કરાંચી એરપોર્ટથી શારજાહ એરપોર્ટ પર આવી અને ત્યાંથી 10 માર્ચ-2023ના રોજ ટૂરિસ્ટ વિઝા દ્વારા કાઠમંડુ પહોંચી હતી. બીજી તરફ સચિન મીણા પણ ભારતથી કાઠમંડુ પહોંચ્યો હતો, જ્યાં બંને 10થી 17 માર્ચ સુધી સાથે રહ્યા હતા. ત્યારબાદ સીમા 17 માર્ચે પાકિસ્તાન પરત જતી રહી હતી.
Comments
Post a Comment