તથ્યને બચાવવા પ્રજ્ઞેશે CMO સુધી કરોડો રૂપિયામાં સમાધાનની વાત કરી!
અમદાવાદ,શનિવાર
એસ જી હાઇવના ઇસ્કોન બ્રીજ પર તથ્ય પટેલે ૩૦ જેટલા લોકોને કારની અડફેટે લઇને નવ લોકોના મોત નીપજાવ્યાની ઘટનામાં અનેક મોટા ખુલાસા થઇ રહ્યા છે. જેમાં વધુ એક ચોંકાવનારી વાત બહાર આવી છે કે અકસ્માતના સ્થળથેી તથ્યને લઇને સીમ્સમાં દાખલ કર્યા બાદ પ્રજ્ઞોશ પટેલને સમગ્ર ઘટનાની ગંભીરતા અંગે ખ્યાલ આવતા તેણે તથ્યને બચાવવા માટે સીએમઓ ઓફિસથી લઇને ઉચ્ચ પોલીસ અધિકારીઓને કોલ કર્યા હતા. જેમાં તેણે ભોગ બનનારાઓ સાથે કરોડો રૂપિયામાં સમાધાન કરવાની ઓફર કરવા માટે એક ઉચ્ચ પોલીસ અધિકારીને કહ્યું હતું. પ્રજ્ઞોશે આ કોલ કર્યાની વિગતો કોલ ડીટેઇલ રેકોર્ડ (સીડીઆર)માં પોલીસને મળી છે. એટલું જ નહી તેણે તથ્યનો કેસ લડવા માટે અમદાવાદના પાંચ જેટલા જાણીતા વકીલોને પણ ફોન કર્યા હતા. પણ વકીલોએ આ કેસ હાથમાં લેવાની સ્પષ્ટ ના કહી હતી.તથ્ય પટેલે ઇસ્કોન બ્રીજ પર અકસ્માત જોવા એકઠા થયા લોકો અને અકસ્માત કેસની તપાસ કરી રહેલી પોલીસ પર જેગુઆર ચઢાવીને નવ લોકોના મોત નીપજાવ્યાની ઘટનામાં અત્યાર સુધીની સૌથી વધુ ચોંકાવનારી વાત સામે આવી છે. જેમાં અકસ્માત બાદ તથ્ય પટેલને અકસ્માત થયો હોવાની જાણ થતા તેના પિતા પ્રજ્ઞોશ પટેલ ત્યાં પહોંચીને ટોળા સાથે દાદાગીરી કરીને તેને કારમાં સીમ્સ હોસ્પિટલ લઇ ગયા હતા. બાદમાં આ સમગ્ર ઘટના જાણ થતા પ્રજ્ઞોશ પટેલે મુખ્યમંત્રી કાર્યાલય પર ફોન કર્યા હતા. તેમજ કેટલાંક મોટા નેતાઓને સાથે વાત કરીને આ કેસમાં તથ્યને બચાવવા માટે રાજકીય દબાણ કરવાથી લઇને કરોડોમાં સમાધાન કરવાની વાત પણ કરી હતી. એટલું જ નહી પ્રજ્ઞોશ પટેલને કેટલાંક આઇપીએસ અધિકારીઓ સાથે પણ સંબધો હોવાથી તેણે તેમને પણ ફોન કર્યા હતા. જો કે સવાર સુધીમાં તથ્યએ કરેલા અકસ્માતે ગંભીર સ્વરૂપ લઇ લીધું હતું અને મૃતકોની સંખ્યા નવ સુધી પહોંચી હતી. જેથી પ્રજ્ઞોશ પટેલે શહેેરના ચારથી પાંચ જેટલા જાણીતા વકીલોને તથ્યનો કેસ લડવા માટે ફોન કર્યા હતા. પરંતુ, આ પ્રકારના કેસ લડીને વિવાદોમાં ન ફસાવવા માટે તમામ વકીલોએ કેસ લડવાની ના કહી હતી. સાથેસાથે સલાહ પણ આપી હતી કે આ કેસમાં તથ્યને બચાવવો અઘરો છે. પ્રજ્ઞોશ પટેલે તથ્યને બચાવવા માટે કોલ કર્યાના પુરાવા પોલીસને સીડીઆરથી મળ્યા છે. જો કે આ અંગે પોલીસે ઔપચારિક પુછપરછ હાથ ધરી હતી.
Comments
Post a Comment