સાક્ષી મલિકનું મોટું નિવેદન, કહ્યું હું બજરંગ-વિનેશની જેમ એશિયન ગેમ્સમાં ભાગ નહીં લઉ, પહેલા ટ્રાયલ આપીશ
નવી દિલ્હી, તા.20 જુલાઈ-2023, ગુરુવાર
ભારતીય સ્ટાર રેસલર સાક્ષી મલિકે એશિયન ગેમ્સમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો છે. તેણે કહ્યું કે, તે ટ્રાયલ વિના કોઈપણ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે નહીં. સાક્ષી મલિકે ટ્વિટ કરીને જણાવ્યું કે, મને 3-4 દિવસ પહેલા સરકાર તરફથી ફોન આવ્યો હતો કે, અમે એશિયન ગેમ્સ માટે બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટને મોકલી રહ્યા છીએ.... મને પણ કહેવામાં આવ્યું કે, તમે મેઈલ કરી દો... તમારા માટે પણ વિચાર કરવામાં આવશે. જોકે મેં સ્પષ્ટ ના પાડી દીધી. હું ક્યારેય ટ્રાયલ વિના કોઈ ટૂર્નામેન્ટમાં ગઈ નથી અને જવા માંગતી નથી.
કુસ્તીબાજોની જાતીય સતામણીના કેસમાં બ્રિજભૂષણ સિંહને મોટી રાહત
તો બીજી તરફ મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીના મામલામાં બ્રિજ ભૂષણ શરણ સિંહને મોટી રાહત મળી છે. બ્રિજભૂષણને રૂપિયા 25,000ના અંગત બોન્ડ પર જામીન મળ્યા છે. જામીન આપતી વખતે કોર્ટે એવી શરત મૂકી હતી કે, બ્રિજ ભૂષણ જાણ કર્યા વિના દેશની બહાર નહીં જાય, સાક્ષીઓને પ્રભાવિત કરશે નહીં. દિલ્હીની રાઉત એવન્યૂ કોર્ટે આજે બ્રિજભૂષણને નિયમિત જામીન આપ્યા છે. જોકે કોર્ટે નિર્ણય દરમિયાન ભાજપ સાંસદ સામે કેટલીક શરતો મુકી છે. દિલ્હીની રાઉત એવન્યૂ કોર્ટે અગાઉ 18 જુલાઈએ બ્રિજભૂષણને 2 દિવસની વચગાળાના જામીન આપ્યા હતા.
સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસ અને વકીલોએ શું દલીલ કરી ?
દિલ્હીની રાઉત એવન્યૂ કોર્ટમાં આજે મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીના કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ સામે લાગેલા આરોપો અંગે સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી શરૂઆત દિલ્હી પોલીસની દલીલોથી શરૂ થઈ હતી. અધિક સરકારી વકીલ અતુલ શ્રીવાસ્તવે દલીલ કરી કે, અમે કાયદાનું ઉલ્લંઘન ન કરી શકીએ, પરંતુ અમે એટલું જરૂર કહીશું કે, જો કોર્ટ આરોપીને જામીન આપે તો, સાથે શરતો પણ જરૂર મુકે... આરોપી સાક્ષીઓને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે, તેથી શરતો લગાવવી જરૂરી છે. પોલીસ બાદ ફરિયાદીના વકીલ હર્ષ વોહરાએ પણ આવી જ દલીલ રજુ કરી કહ્યું કે, જો અદાલત જામીન આપવા ઈચ્છે છે, તો ઓછામાં ઓછી કડક શરતો લગાવવી જોઈએ. આરોપી તરફથી રાજીવ મોહને કોર્ટેને વિશ્વાસ આપ્યો કે, અમે તમામ શરતોનું પાલન કરવા તૈયાર છીએ.
Comments
Post a Comment