ઈસ્કોન નજીક અકસ્માત જોવા ઊભેલી ભીડ પર 160 કિ.મી.ની ઝડપે બીજી કાર ફરી વળી, 9ના મોત
ક્યારેક ક્યારેક તમે હાઈવે પરથી પસાર થતાં જોયું હશે કે કોઈનું અકસ્માત થઈ જાય તો લોકો ટોળે ટોળા ફરી વળે છે. જોકે અમદાવાદના પ્રસિદ્ધ વિસ્તાર ઈસ્કોનમાં આ રીતે લોકોને ભીડ એકઠી કરવી ભારે પડી. એક દુઃખદ સમાચાર અનુસાર શહેરના ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માતમાં 9 લોકો મૃત્યુ પામ્યાના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે 15થી 20 લોકો ઘાયલ થયાની પણ માહિતી મળી હતી. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘાયલોને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
માહિતી અનુસાર આ અકસ્માતમાં કોન્સ્ટેબલ, હોમગાર્ડ જવાન સહિત કુલ 9 લોકો મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં બોટાદ અને સુરેન્દ્રનગરના યુવકો પણ સામેલ હોવાના અહેવાલ મળી રહ્યાં છે. હાલ પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.
મામલો શું હતો?
માહિતી અનુસાર, ગઈકાલે રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર કર્ણાવતી ક્લબ પાસે ડમ્પરની પાછળ એક કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ પાસે પૂર ઝડપે આવતી એક વૈભવી કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 160થી વધુની સ્પીડમાં આવતી આ કારની અડફેટે મોટી સંખ્યામાં ઊભેલી ભીડ આવી ગઈ હતી. જેના લીધે અફરાતફરી મચી ગઈ હતી આ અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યુ થયા છે.
Comments
Post a Comment