I.N.D.I.Aની ત્રીજી બેઠક મુંબઈમાં યોજાશે, મહારાષ્ટ્ર કોંગ્રેસે તારીખ જાહેર કરી
મુંબઈ, તા.28 જુલાઈ-2023, શુક્રવાર
મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ જણાવ્યું છે કે, વિપક્ષી જૂથની આગામી બેઠક 15 ઓગસ્ટ બાદ અથવા સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં મુંબઈમાં યોજાશે. વિપક્ષી દળોની પ્રથમ બેઠક પટનામાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા યોજવામાં આવી હતી. બીજી બેઠક બેંગલુરુમાં યોજાઈ હતી, જેનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. હવે ત્રીજી બેઠક 3 પક્ષોની આગેવાની હેઠળ મુંબમાં યોજાશે.
મુંબઈમાં બેઠક યોજવા અંગે શરદ પવાર સાથે થઈ ચર્ચા
મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ જણાવ્યું કે, I.N.D.I.A.ની આગામી બેઠક 15મી ઓગસ્ટ બાદ અથવા સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં મુંબઈમાં યોજાશે. શરદ પવારે આજે અમને બેઠકની તૈયારીને લઈને બોલાવ્યા હતા. મહા વિકાસ આઘાડી દ્વારા આ બેઠકનું આયોજન કરાયું છે.
ત્રીજી મેગા બેઠક મુંબઈમાં યોજાશે
સૂત્રોના જણાવ્યા અનુસાર વિરોધ પક્ષોના નેતાઓ 25 અને 26 ઓગસ્ટે મુંબઈમાં તેમની ત્રીજી બેઠક યોજશે. 26 સભ્યોના ગઠબંધન I.N.D.I.Aની મુંબઈ બેઠક શિવસેના (ઠાકરે જૂથ), NCP અને કોંગ્રેસ દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવશે. અહેવાલો મુજબ સંકલન સમિતિને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે, જેમાં 11 સભ્યો હશે. આ સમિતિમાં કોંગ્રેસ, TMC, DMK, JDU, RJD, શિવસેના (UBT), NCP, ઝારખંડ મુક્તિ મોરચા, SP અને CPI(M)માંથી એક-એક સભ્ય હશે. અહેવાલો અનુસાર ગઠબંધનમાં નાના પક્ષોને સમિતિમાં સ્થાન મળ્યું નથી.
I.N.D.I.A ગઠબંધનનું પ્રતિનિધિમંડળ શનિવારે મણિપુર જશે
મહાગઠબંધન I.N.D.I.A.નું એક પ્રતિનિધિમંડળ શનિવારે મણિપુરની મુલાકાત લેશે. કોંગ્રેસના સાંસદ સૈયદ નાસિર હુસૈને કહ્યું કે, વિરોધ પક્ષોનું ગઠબંધન હિંસાગ્રસ્ત રાહત શિબિરોમાં જશે. તેમાં 21 સાંસદો સામેલ થશે. હુસૈને કહ્યું કે, અમે મણિપુરના લોકોને સંદેશ આપીશું કે, અમે તેમની સાથે ઉભા છીએ. આ સાંસદો રવિવારે રાજ્યપાલને મળશે.
Comments
Post a Comment