૪૫ લાખની રોકડ અને સોનાના સહિત ૮૦ લાખની મત્તા સાથે બે ની ધરપકડ
અમદાવાદ,શુક્રવાર
અમદાવાદ ક્રાઇમબ્રાંચના સ્ટાફે રૂપિયા ૪૫ લાખની રોકડ અને ૫૪૮ ગ્રામ સોનાનો જથ્થો મળીને કુલ ૮૦ લાખની મત્તા સાથે બે વ્યક્તિને ઝડપીને દુબઇથી થતા દાણચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. પુછપરછમાં જાણવા મળ્યું હતું કે ઝડપાયેલી એક વ્યક્તિ તેની પત્ની સાથે દુબઇ ગયો હતો અને ત્યાંથી કરોડો રૂપિયાની કિંમતનું લિક્વીડ ગોલ્ડ લઇને મુંબઇ એરપોર્ટ આવ્યા હતા. પણ લાલચમાં આવીને સોનાની લૂંટ થવાની તરકટ રચીને સાથીદાર સાથે મળીને ૪૫ લાખમાં થોડું સોનું વેચી દીધું હતું અને બાકીનું વેચવાની ફિરાકમાં હતા. આ અંગે ક્રાઇમબ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે.અમદાવાદ ક્રાઇમબ્રાંચે જીગ્નેશ રાઠોડ (રહે. સમોર હાઇટ્સ,નરોડા) અને કેતન સોની (રહે.નાનસા જીવણની પોળ, માણેકચોક)ને પાંચ દિવસ પહેલા માણેક ચોક સાંકડી શેરીથી રૂપિયા ૪૫ લાખની રોકડ અને રૂપિયા ૩૨ લાખની કિંમતનું સોનું મળીને ૮૦ લાખની મત્તા સાથે ઝડપી લીધા હતા. આ અંગે પુછપરછ કરતા જીગ્નેશે કબુલાત કરી હતી કે અમદાવાદમાં રહેતા જયશે સોની નામના વ્યક્તિએ જીગ્નેશ અને તેની પત્નીને દુબઇ દાણચોરીનું સોનું લાવવાના માટે મોકલ્યા હતા. જેના બદલામાં દુબઇમાં ફરવા ઉપરાંત, ૨૫ હજાર રૂપિયા આપવાની વાત કરી હતી. બંનેની ટુર પુરી થયા બાદ જયેશ સોનીના કહેવાથી ચેતન સોની નામનો વ્યક્તિ અંડર વેર અને સેનેટરી પેડમાં છુપાવેલુ લિક્વીડ ગોલ્ડ આપી ગયો હતો. જે બાદ ગત ૧૯મી જુનના રોજ દુબઇથી મુંબઇ એરપોર્ટ પર આવ્યા હતા અને ઇમીગ્રેશન અને કસ્ટમ ક્લીયર કરીને બોરીવલીથી ટ્રેનમાં સુરત આવ્યા હતા. જ્યાંથી બસમાં બેસીને અમદાવાદ આવ્યા હતા. જો કે અમદાવાદ આવ્યા બાદ લાલચ જાગતા તેમણે સોનાની લૂંટ થઇ હોવાનું જણાવ્યું હતું. જે પછી જીગ્નેશે તેના મિત્ર કેતન સોનીની મદદ લઇને કપડામાં રહેલા સોનાને અલગ કરીને ૪૫ લાખમાં એક વ્યક્તિને વેચાણ આપી દીધું હતું. આ અંગે ક્રાઇમ બ્રાંચે બંનેની વધુ પુછપરછ શરૂ કરી છે. સાથેસાથે કસ્ટમ અને ઇમીગ્રેશન વિભાગને પણ જાણ કરવામાં આવશે.
Comments
Post a Comment