તથ્યકાંડની તપાસ માટે જેગુઆર કારનો માઇક્રો રિપોર્ટ યુ.કેથી મંગાવ્યો
અમદાવાદ,સોમવાર
તથ્ય પટેલે જેગુઆર કારને ઇસ્કોન બ્રીજ પર પુરઝડપે ચલાવીને નવ લોકોના જીવ લેવાના કેસમાં પોલીસે તથ્ય વિરૂદ્વ અકસ્માત અંગે અનેક સજ્જડ પુરાવા એકત્ર કર્યા છે. જેમાં જેગુઆર કારના ચોક્કસ મોડલ અને તમામ પ્રકારની માહિતી યુ.કે સ્થિત કંપનીના હેડક્વાટર્સથી મંંગાવી છે. જે તથ્યકાંડમાં પોલીસને મદદરૂપ થશે. આ ઉપરાંત, અકસ્માત સમયે તેણે બ્રેક ન લાગી હોવાનું નિવેદન શરૂઆતમાં આપ્યું હતું. જો કે કાર કંપનીના નિષ્ણાંતોએ કારની બ્રેકમાં કોઇ ખામી ન હોવાનું જણાવ્યું હતું. ગત ૨૦મી તારીખે રાતના સમયે તથ્ય પટેલે ઇસ્કોન બ્રીજ પર જેગુઆર કારને પુરઝડપે હંકારીને બ્રીજ પર અકસ્માતને જોવા ઉભેલા લોકો પર ચઢાવીને નવ લોકોના જીવ લીધા હતા. આ કેસની તપાસમાં તથ્ય પટેલે પોલીસને ગોળ ગોળ જવાબ આપ્યા હતા. જેથી કેસને લગતા તમામ પુરાવા એકત્ર કરવા માટે પોલીસે જેગુઆર કાર કંપનીમાં અકસ્માત થયેલી કારનો રિપોર્ટ માંગવાની સાથે ચોક્કસ મોડલની કારના સુરક્ષાના માપદંડ અને તેને મજબુતાઇ અંગેની માહિતી પણ મંગાવી હતી. જેમાં કંપનીના કાર નિષ્ણાંતોની એક ટીમ દ્વારા તથ્યની કારનું નિરીક્ષણ કરાયું હતું. જેમાં કારની બ્રેકમાં કોઇ ખામી નહોતી અને કારનું ફિટનેસ પણ યોગ્ય હોવાનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો હતો. આ સાથે પોલીસે જેગુઆરના યુ.કે સ્થિત હેડક્વાટર્સ પરથી કારના ચોક્કસ મોડલની ટેકનોલોજી, તેની ખાસિયતો સહિતની વિગતો મંગાવી છે. જે મંગળવાર સાંજ સુધીમાં પોલીસને મળી જશે. જે પોલીસ તપાસની પ્રક્રિયામાં મહત્વનો પુરાવો બનશે.
Comments
Post a Comment