જાણો... ડિટેન્શન સેન્ટર એટલે શું ? , તે ક્યાં છે અને શા માટે છે

નવી દિલ્હી તા.27 ડિસેંબર 2019, શુક્રવાર

નાગરિકતા અંગેનો નવો કાયદો CAA, વસતિ-નોંધણીનું રજિસ્ટર NPR અને નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ NRC - આ ત્રણ મુદ્દે દેશભરમાં હાલ હિંસક દેખાવો થઇ રહ્યા છે. એમાંય ડિટેન્શન સેન્ટર શબ્દે વધુ હોબાળો મચાવ્યો છે ત્યારે એના વિશે સમજવું જરૂરી છે.

વિપક્ષો આ મુદ્દે ભાજપ અને હાલની કેન્દ્ર સરકારને બદનામ કરી રહ્યા છે. એવા સમયે આમ આદમીએ ડિટેન્શન સેન્ટર શું છે અને શા માટે છે, એ કયા કારણે સક્રિય કરાય છે એ બધું સમજી લેવાની તાતી જરૂર છે. શાસક પક્ષે એવી સ્પષ્ટતા કરી છે કે આ આખોય વિચાર કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં હતી ત્યારે અસ્તિત્ત્વમાં આવ્યો હતો અને સુપ્રીમ કોર્ટના આદેશથી અમલમાં મૂકાયો હતો. હવે આ માહિતી સવાલ જવાબ રૂપે રજૂ કરી છે-

પ્રશ્ન- ડિટેન્શન સેન્ટર એટલે શું ?

જવાબ: કોઇ પણ દેશમાં ગેરકાયદે આવેલા અન્ય દેશના નાગરિકને અટકાયતમાં લઇને રાખવામાં આવે એ સ્થળને ડિટેન્શન સેન્ટર કહેવાય. પોતે જે દેશમાં આવ્યો છે ત્યાંનું નાગરિકત્વ પુરવાર ન કરે ત્યાં સુધી એને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવે છે.

કોઇ ટ્રાઇબ્યુનલ કે કોર્ટ એને વિદેશી જાહેર કરે અને સંબંધિત દેશમાં ગેરકાયદે રહે છે એમ જાહેર કરે તો એને જે દેશમાંથી આવ્યો હોય ત્યાં પાછો મોકલી આપવામાં આવે છે. ફોરેનર્સ એક્ટ અને પાસપોર્ટ એક્ટનું ઉલ્લંઘન કરનારા વિદેશી નાગરિકોને એમના દેશમાં પાછા મોકલી ન અપાય ત્યાં સુધી ડિટેન્શન સેન્ટરમાં રખાય છે. એનો અર્થ એ પણ છે કે આ વિદેશીને દેશમાં જેટલા સમય માટે રહેવા ફરવાના વીઝા અપાયા હોય એના કરતાં વધુ સમય રહે તો એને ડિટેન્શન સેન્ટરમાં મોકલી શકાય.

ધ ફોરેનર્સ એક્ટ 1946ની કલમ 3(2) સી અન્વયે ભારત સરકારને દેશમાં ગેરકાયદે વસવાટ કરતા લોકોને હાંકી કાઢવાનો અધિકાર છે. 1920ના પાસપોર્ટ એક્ટ મુજબ ભારત સરકાર કાયદેસરનો પાસપોર્ટ કે અન્ય કાનૂની દસ્તાવેજો ન ધરાવતી વ્યક્તિને બંધારણની 239 અને 258(1) અન્વયે કાઢી મૂકવાનો કાયદેસરનો અધિકાર ધરાવે છે.

પ્રશ્ન- ભારતમાં ક્યાં અને કેટલા ડિટેન્શન સેન્ટર્સ છે ?

જવાબ: 2012માં ત્યારની કોંગ્રેસ સરકારે આસામમાં આવાં ડિટેન્શન સેન્ટર્સ બનાવ્યાં હતાં. પહેલાં ગોલપાડા, કોકરાઝાર અને સિલ્ચરની ડિસ્ટ્રીક્ટ જેલમાં આવાં ડિટેન્શન સેન્ટર્સ બનાવવામાં આવ્યાં હતાં. ત્યારબાદ તેજપુર, દિબ્રુગઢ અને જોરહટની ડિસ્ટ્રીક્ટ જેલમાં આવાં સેન્ટર્સ બનાવવામાં આવ્યાં હતાં. આ સેન્ટર્સ 1,000 વ્યક્તિને સમાવવાની ક્ષમતા ધરાવે છે પરંતુ ત્યાં ક્ષમતા કરતાં વધુ લોકોને અટકાયતમાં રાખવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારે ધ ફોરેનર્સ એક્ટ, 1946ની જોગવાઇ 3(2) અન્વયે તથા ફોરેનર્સ ઓર્ડર 1948ના પેરા ક્રમાંક 11(2) અન્વયે રાજ્યોને આવાં ડિટેન્શન સેન્ટર્સ બનાવવાનો અધિકાર આપ્યો હતો. તદનુસાર રાજ્યોએ આવાં સેન્ટર્સ બનાવ્યાં હતાં.

પ્રશ્ન- ડિટેન્શન સેન્ટરના મુદ્દે આટલી બધી હો હા કેમ ?

જવાબ: દેશમાં જ્યારથી નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ લાગુ પાડવાની વાત આવી ત્યારે પહેલીવાર આ મુદ્દે હો હા શરૂ થઇ હતી. આસામમાં સુપ્રીમ કોર્ટની પરવાનગીથી એનઆરસી લાગુ પાડવામાં આવતાં 19 લાખ લોકો ગેરકાયદે વસી રહ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. એ લોકો પોતે ભારતીય નાગરિક છે એવું પુરવાર નહીં કરી શકે તો એમને દેશની બહાર જવાની ફરજ પડશે.

પ્રશ્ન- દેશમાં અત્યારે નવાં ડિટેન્શન સેન્ટર્સ બની રહ્યાં છે ?

જવાબ: હા. હાલ આસામના ગોલપાડામાં નવું ડિટેન્શન સેન્ટર બની રહ્યું છે અને કેન્દ્ર સરકારે નવાં આદર્શ ડિટેન્શન સેન્ટર્સ કેવાં હોવાં જોઇએ એની વિગતો રાજ્યોને પૂરી પાડી છે. તદનુસાર નવાં સેન્ટર્સ ઊભાં કરવામાં આવશે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન