દેશની અર્થવ્યવસ્થાને લાગેલું ગ્રહણ ક્યારે દૂર થશે?
- વિકાસ દર ઘટી રહ્યો છે કારણ કે ઉત્પાદન થતું નથી, એટલા માટે કે બજારમાં માંગ નથી, માંગ એટલા માટે નથી કે લોકોના ખિસ્સામાં પૈસા નથી, પૈસા એટલા માટે નથી કે દેશમાં બેરોજગારી અને અર્ધબેરોજગારી રેકોર્ડ સ્તરે છે, મતલબ કે અર્થવ્યવસ્થાને ઠપ્પ કરી દે એવું દુષ્ચક્ર શરૂ થયું છે

તાજેતરમાં જ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)એ ચેતવણીના સ્વરમાં ભારત સરકારને આર્થિક મોરચે ત્વરિત પગલાં લેવા માટે કહ્યું છે જેથી કરીને દેશમાં આર્થિક પડતીની અસરો દૂર થઇ શકે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે ભારતીય અર્થવ્યવસ્થાને વૈશ્વિક વિકાસ માટે મહત્ત્વના એન્જિન તરીકે ગણાવ્યું છે પરંતુ તેનો વાર્ષિક રિપોર્ટ કહે છે કે ઘટી રહેલી ખપત, રોકાણ અને ટેક્સ દ્વારા થતી આવકમાં ઘટાડા તેમજ અન્ય કેટલાંક કારણોસર ભારતની આર્થિક વૃદ્ધિ અટકી ગઇ છે.
આઇએમએફના રિપોર્ટમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થામાં હાલ જે મંદીનો માહોલ છે એ ગંભીર સંકટની નિશાની છે અને મંદીમાંથી બહાર આવવા માટે તાત્કાલિક નીતિગત પગલાં લેવાની જરૂરિયાત છે. સાથે સાથે આઇએમએફએ ચેતવણી પણ આપી છે કે મોદી સરકાર પાસે ખર્ચ વધારવાની ગુંજાઇશ સીમિત છે ખાસ કરીને ઋણ અને વ્યાજ ચૂકવણીના વધેલા સ્તરને જોતાં આમ કરવું મુશ્કેલ છે.
ગયા અઠવાડિયે જ આઇએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે કહ્યું હતું કે ભારતની અર્થવ્યવસ્થા ચોંકાવી દે તેવી રીતે ગંભીર બની ગઇ છે અને આઇએમએફ દ્વારા આવતા મહિને જાહેર થનારા વૈશ્વિક આર્થિક આઉટલુકમાં પણ ભારતીય અર્થવ્યવસ્થાના અનુમાનોને ઘટાડવામાં આવે એવી શક્યતા છે. અગાઉ ઓક્ટોબરમાં આઇએમએફએ ૨૦૧૯ના પૂર્વાનુમાનને લગભગ એક પોઇન્ટ ઘટાડીને ૬.૧ કરી દીધું હતું તેમજ ૨૦૨૦ના આઉટલુકને ઘટાડીને ૭ ટકા કરી દીધું હતું.
થોડા વખત અગાઉ આંતરરાષ્ટ્રીય ક્રેડિટ એજન્સી મૂડીઝએ ભારતના ક્રેડિટ રેટિંગ આઉટલુકને સ્થિરમાંથી નેગેટિવ કરી દીધો હતો. મૂડીઝ દ્વારા આઉટલુક ઘટાડવાનો અર્થ એમ થાય કે આવનારા સમયમાં રોકાણની દૃષ્ટિએ ભારતનું રેટિંગ નીચે આવી શકે છે. એવું થયું તો દેશમાં આવતું વિદેશી રોકાણ ઘટી શકે છે. અગાઉ મૂડીઝે વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન જીડીપી ગ્રોથમાં અનુમાન ઘટાડીને ૫.૮ ટકા કરી દીધું હતું. પહેલા તેણે જીડીપીમાં ૬.૨ ટકાની વૃદ્ધિનું અનુમાન દર્શાવ્યું હતું. આ પહેલાં પણ અનેક રેટિંગ એજન્સીઓ ભારતની અર્થવ્યવસ્થાને લઇને રેટિંગ ઘટાડી ચૂકી છે.
આમ તો દેશની અર્થવ્યવસ્થાની પરિસ્થિતિ લાંબા સમયથી ખરાબ ચાલી રહી છે અને મંદીના લક્ષણો પણ છેલ્લા એક વર્ષથી જણાઇ રહ્યાં હતા પરંતુ સરકાર મંદીની વાતને ફગાવતી રહી અને સ્થિતિ ઓર બગડતી ચાલી. સરકાર હજુ પણ હાલની પરિસ્થિતિને આર્થિક સુસ્તી ગણાવી રહી છે અને દાવા કરી રહી છે કે બહુ જલ્દી દેશ આમાંથી બહાર આવી જશે. આર્થિક મંદી નામ આપવામાં આવે કે સુસ્તી પણ એટલી હકીકત છે કે દેશની અર્થવ્યવસ્થાની તબિયત સારી નથી.
હવે તો વર્લ્ડ બેંક અને રિઝર્વ બેંક સુધ્ધાં આર્થિક વૃદ્ધમાં ઘટાડાના અનુમાન વ્યક્ત કરી રહ્યાં છે એ વાત સાબિત કરે છે કે અર્થવ્યવસ્થામાં ભારે મંદી છે અને એથીયે વધારે ચિંતાજનક બાબત એ છે કે હાલ એમાં કોઇ સુધારાની અપેક્ષા નથી. આ સંકટમાંથી બહાર આવવા સરકારે નીતિગત સ્તરે કામ કરવાની જરૂર છે પરંતુ સરકાર મંદીની વાતને સ્વીકારવા જ તૈયાર ન હોય તો પછી એ દિશામાં કામ કરે એવી આશા જ જણાતી નથી. આઇએમએફની ચિંતા પણ એ જ વાતને લઇને છે.
ભારતીય અર્થવ્યવસ્થામાં મંદીના કારણો જે પણ હોય પરંતુ એના સમાધાન વખત રહ્યે કરવામાં આવ્યા હોત તો પરિસ્થિતિ આજે આટલી ગંભીર ન હોત. મંદીના કારણો જાણી લેવામાં આવે તો તેને ગમે તેમ કરીને ઉકેલી શકાય છે પરંતુ ભારતમાં તો સમસ્યા ઉકેલાવાના બદલે વધારે ને વધારે ગુંચવાઇ રહી છે. આઇએમએફએ એટલે જ ટકોર કરી છે કે જે તેજીથી નાણાકીય ક્ષેત્રમાં સુધારા લાવવાની વાત થઇ રહી હતી એટલી તેજી જોવા મળી નથી. સરકારી બેંકો એનપીએની સમસ્યાથી પરેશાન થે. બેંકોને આ સંકટમાંથી ઉગારવા માટે સરકારે છેલ્લા થોડા વર્ષોમાં મોટા મોટા પેકેજ પણ આપ્યાં પરંતુ આજે પણ બેંકોની હાલત ખરાબ છે.
નાણાકીય સંસ્થાઓમાં થયેલા હજારો કરોડોના ગોટાળા દર્શાવે છે કે બેંકિંગ ક્ષેત્ર ઉપરાંત નોન-બેંકિંગ ક્ષેત્ર પણ અર્થવ્યવસ્થા માટે માથાનો દુખાવો બની ગયું છે. આ તમામની એ અસર થઇ છે કે બેંકો અને આર્થિક સંસ્થાઓ ઉદ્યોગોને લોન આપવામાં પાછીપાની કરી રહ્યાં છે. એટલા માટે નાનામોટા ઉદ્યોગોમાં પણ મંદી છવાઇ છે.
ગયા મહિને આવેલા દેશના ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા ચિંતામાં વધારો કરનારા છે. ઓદ્યોગિક ઉત્પાદનનો વિકાસ દર ઝીરોથી ૪.૩ ટકા સુધી નીચે પહોંચી ગયો છે. ઔદ્યોગિક ઉત્પાદનની અધોગતિનું આ સૌથી નીચલું સ્તર છે. ચિંતાની બાબત એ છે કે ઔદ્યોગિક ઉત્પાદનનો આ ઘટાડો સર્વવ્યાપક છે. ખાણકામ, મેન્યુફેક્ટરિંગ અને ઉર્જા ઉત્પાદન તમામમાં ઘટાડો નોંધાયો છે. એટલું જ નહીં, કન્ઝ્યુમર ગુડ્સની પણ એ જ હાલત છે. પૂંજીગત વસ્તુઓના ઉત્પાદનમાં પણ ૨૦.૭ ટકાનો ઘટાડો નોંધાયો છે.
છેલ્લા નવ મહિનાથી પૂંજીગત ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટી રહ્યું છે. પુંજીગત વસ્તુઓમાં ઉદ્યોગોમાં વપરાતામશીનો અને સ્પેરપાર્ટ્સનો સમાવેશ થાય છે. આનો સીધો અર્થ એ થાય કે નવા ઉદ્યોગો સ્થાપવાના દરમાં ભારે ઘટાડો નોંધાયો છે અને અગાઉથી સ્થાપાયેલા ઉદ્યોગોમાં પણ કામકાજ ઘટી રહ્યું છે. જે રીતે ઓદ્યોગિક ઉત્પાદનના ઘટાડાના આંકડા ભૂતકાળ દર્શાવે છે એમ પુંજીગત ચીજવસ્તુઓના આંકડા ભવિષ્ય દર્શાવી રહ્યાં છે. નવા ઉદ્યોગો ઊભા થવાનો દર ઘટવાની સાથે સાથે સ્થાપિત ઉદ્યોગોમાં સુસ્તી આવનારા સમયમાં ઉત્પાદનમાં ઓર ઘટાડો કરશે.
ઉત્પાદનમાં ઘટાડો બેરોજગારી વધી રહી હોવા તરફ પણ ઇશારો કરે છે. દેશમાં બેરોજગારીની સમસ્યા વિકટ બની રહી છે. બેરોજગારીના કારણે દેશમાં અરાજકતા વધી રહી છે. બેરોજગારી અને ગરીબી વચ્ચે સીધો સંબંધ છે. મળવાપાત્ર મજૂરી કરતા ઓછા દરે કામ કરવા તૈયાર હોવા છતાં લોકોને રોજગાર મળી નથી રહ્યો.
અનેક લોકો ઓછા મહેનતાણે કામ કરી રહ્યાં છે. બેકારી અને આવી અર્ધબેકારી દેશની અર્થવ્યવસ્થામાં બાધક બની રહી છે. દોષપૂર્ણ આર્થિક આયોજન, ઉદ્યોગોની ખરાબ હાલત અને યોગ્ય શિક્ષણના અભાવે બેરોજગારીનો દર વધી રહ્યો છે.
આંકડા જણાવે છે કે ભારત દુનિયાના સૌથી વધારે બેરોજગારો ધરાવતા દેશમાં સ્થાન પામે છે. સરકારી નોકરીઓ તો રહી જ નથી પરંતુ ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. દેશનો વેપારી વર્ગ પણ હાલના માહોલથી હતાશ છે અને વેપારધંધાના વિકાસની ધૂંધળી તસવીરથી પરેશાન છે.
નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોનિક રિસર્ચે જાહેર કરેલા રિપોર્ટ અનુસાર બિઝનેસ કોન્ફિડન્સ ઇન્ડેક્સ પણ ૧૫.૩ ટકા તૂટીને છેલ્લા છ વર્ષના તળિયે પહોંચ્યો છે. આ આંકડો દર્શાવે છે કે વેપારી વર્ગ પણ નવા સાહસ કરતા અચકાઇ રહ્યો છે.
મોંઘવારીના પણ તાજેતરમાં આવેલા આંકડા હતાશાજનક છે. સરકાર ભલે આર્થિક વિકાસનું એન્જિન દોડી રહ્યું હોવાના દાવા કરે પરંતુ મોંઘવારીના આંકડા જણાવી રહ્યાં છે કે સામાન્ય લોકોને રોજબરોજની જરૂરિયાતો પૂરી કરવી પણ દોહ્યલી બનવા લાગી છે. મોંઘવારી છેલ્લા સોળ મહિનાની ટોચે પહોંચી ગઇ છે ત્યારે એ સવાલ થવો સ્વાભાવિક છે કે સામાન્ય લોકોની હાલત એવી શા માટે થઇ ગઇ કે બજારો તેમની પહોંચની બહાર જતાં રહ્યાં? ખાસ કરીને ખાદ્ય પદાર્થોના ભાવ જે ઝડપે વધી રહ્યાં છે એની સીધી અસર લોકો પર પડશે. અત્યારે સૌથી મોટો પડકાર બચત, ખપત અને રોકાણના અસંતુલનને દૂર કરવાનો છે.
મંદીના મારથી મોટા ભાગના ઉદ્યોગોમાં નોકરીઓ નથી અને લાખો લોકો બેરોજગાર બેઠાં છે. સરકાર માંગ અને ઉત્પાદન વધારવાની વાતો કરે છે પરંતુ સવાલ એ છે કે લોકો પાસે કામ જ નહીં હોય તો ખર્ચ કરવા માટેના પૈસા ક્યાંથી આવશે? ખર્ચ કરવા માટે પૈસા નહીં હોય તો બજારમાં માંગ કેવી રીતે ઊભી થશે? માંગ નહીં હોય તો ફેકટરીઓ અને કારખાનાઓ ઉત્પાદન શું કરશે? ઔદ્યોગિક કામગીરી જ ઠપ્પ થઇ ગઇ હશે તો વિકાસ દર કેવી રીતે વધશે? આ એવું દુષ્ચક્ર છે જેમાંથી બહાર આવવા માટે સત્વરે પગલાં લેવાની આવશ્યક્તા છે.
સરકાર દાવા કરે છે કે અર્થવ્યવસ્થાનો પાયો મજબૂત છે એટલે વાંધો નહીં આવે પરંતુ હકીકત એ છે કે નાણાકીય ખાધ વધી રહી છે, રોકાણ આવતું નથી, વિદેશ વેપાર મુસીબતમાં છે, ગ્રામીણ અર્થવ્યવસ્થા ખસ્તાહાલ છે.
Comments
Post a Comment