દિલ્હીની વાત : નવા વરસમાં રેલ્વે ભાડાંવધારાનો ડોઝ આપશે

નવા વરસમાં રેલ્વે ભાડાંવધારાનો ડોઝ આપશે
નવીદિલ્હી, તા.26 ડિસેમ્બર 2019, ગુરુવાર
મોદી સરકાર બજેટમાં સામાન્ય લોકોને રાહત આપશે કે નહીં એ ખબર નથી પણ એ પહેલાં લોકોને રેલ્વે ભાડાંમાં વધારાનો એક ડોઝ ચોક્કસ આપી દેશે. આ ભાવ વધારો મોટા ભાગે નવા વરસની શરૂઆતમાં ઝીંકાશે અને ૨૦ ટકાની આસપાસ હશે. દેશમાં અત્યારે કારમી મંદી છે. આ મંદીની અસર રેલ્વેને પણ થઈ છે અને તેની ભાડાં તથા નૂર બંનેમાંથી થતી આવકમાં ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જંગી ઘટાડો થયો છે. તેના કારણે મોદી સરકારે રેલ્વેમાં બે છેડા કરવા મુશ્કેલ બનતા જાય છે. મોદી સરકારે તેનો ઉપાય રેલ્વે ટ્રેનોનાં ભાડાં વધારાંમાં શોધી કાઢયો છે.
રેલ્વેએ સત્તાવાર રીતે ભાડાં વધશે કે કેમ તે અંગે કશું પણ કહેવાનો ઈન્કાર કર્યો છે પણ ભાડાં રેશનાલાઈઝ કરાશે એવું સ્વીકાર્યું છે. આપણે ત્યાં રેશનાલાઈઝ કરવાનો અર્થ શો થાય છે તે કહેવાની જરૂર નથી એ જોતાં લોકોએ ભાડાં વધારાના ડોઝ માટે તૈયાર રહેવું પડશે.
ચૌટાલાના સાથીના બળવાથી ભાજપ ચિંતામાં
હરિયાણામાં ભાજપે દુષ્યંત ચૌટાલા સાથે મળીને સરકાર રચી એ વાતને બે મહિના થયા નથી ત્યાં ડખા શરૂ થયા છે. ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ના ઉપપ્રમુખપદેથી રામકુમાર ગૌતમે રાજીનામું ધરી દીઘું છે. ગૌતમનું કહેવું છે કે, ચૌટાલા પોતે સરકારમાં બધું લઈને બેસી ગયા છે ને બીજા ધારાસભ્યોને સત્તામાં ભાગીદારી જ નથી મળી તેથી પક્ષમાં ભારે અસંતોષ છે. ચૌટાલા પોતે નાયબ મુખ્યમંત્રી હોવા સાથે ૧૧ મહત્વનાં ખાતાં લઈને બેસી ગયા છે.
આ મામલો જેજેપીનો આંતરિક છે પણ ભાજપ તેના કારણે ચિંતામાં પડયો છે. ગૌતમ કેપ્ટન અભિમન્યુ જેવા ભાજપના ધુરંઘર નેતાને હરાવીને ધારાસભ્ય બન્યા છે. તેમનો ભારે પ્રભાવ છે તેના કારણે બીજા ઘારાસભ્યો પણ આ અસંતોષમાં જોડાય તો ભાજપની સરકાર સામે ખતરો ઉભો થઈ શકે. ગૌતમે કરેલી ફરિયાદ પણ સાચી હોવાનો ભાજપના નેતાઓનો મત છે તેથી તેમણે ચૌટાલાને આ અસંતોષને દૂર કરવા સલાહ આપી છે. ગૌતમ પહેલાં ભાજપના ધારાસભ્ય હતા તેથી ભાજપને બગાવતનો ચેપ ના લગાડે તેનો પણ ભાજપને ડર છે.
એનપીઆર મુદ્દે ભાજપ-કોંગ્રેસ વચ્ચે વીડિયો વોર
મોદી સરકારે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર)ની જાહેરાત કરી પછી વિરોધ પક્ષો તૂટી પડયા છે. કોંગ્રેસ એનપીઆરને એનસીઆરની દિશામાં પહેલું કદમ ગણાવીને તેનો વિરોધ કરવામાં મોખરે છે ત્યારે ભાજપે કોંગ્રેસ પર વળતો હુમલો કર્યો છે. કોંગ્રેસે ૨૦૧૦માં એનપીઆર બનાવવાની જાહેરાત કરી ત્યારે તત્કાલિન ગૃહ મંત્રી ચિદંબરમે શું કહ્યું હતું તેનો વીડિયો ટ્વિટર પર મૂક્યો છે.
આ વીડિયોમાં ચિદંબરમ એનપીઆર હેઠળ દેશનાં ૧૨૦ કરોડ લોકોને સિટિઝનશીપ કાર્ડ આપવાનું કહેતા સંભળાય છે. ચિદંબરમે કોંગ્રેસ અને ભાજપના એનપીઆરમાં આસમાન જમીનનો ફરક હોવાનો દાવો કરીને ભાજપને કોંગ્રેસ જેવું જ એનપીઆર બનાવવા પડકાર ફેંક્યો છે.
ભાજપે ચિદંબરમના પડકારના જવાબમાં ૨૦૧૨નો બીજો વીડિયો મૂક્યો છે. આ વીડિયોમાં ચિદંબરમ એનપીઆરની પ્રક્રિયા વિશે બોલે છે. સાથે સાથે સિટિઝનશીપ રજિસ્ટરનો ઉલ્લેખ પણ કરે છે.
ભાજપ-કોંગ્રેસનું આ વીડિયો યુદ્ધ કેટલું ચાલશે તે ખબર નથી પણ તેના કારણે સોશિયલ મીડિયા પર આ મુદ્દે ઉગ્ર ચર્ચા ચોક્કસ શરૂ થઈ ગઈ છે.
માયાવતી માટે આઝાદ પછી સાવિત્રીબાઈનો ખતરો
ઉત્તર પ્રદેશમાં ચંદ્રશેખર આઝાદની ભીમ સેનાના કારણે પરેશાન માયાવતીની મુશ્કેલી વધવાના સંકેત છે કેમ કે વધુ એક દલિત નેતા સાવિત્રીબાઈ ફુલે નવો રાજકીય પક્ષ બનાવવાનાં છે. સાવિત્રીબાઈ ૨૦૧૪માં ભાજપની ટિકિટ પર લોકસભામાં ચૂંટાયાં હતાં પણ લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયાં હતાં. કોંગ્રેસમાં પોતાની વાત કોઈ સાંભળતું નથી એવો આક્ષેપ કરીને તેમણે ગુરૂવારે કોંગ્રેસને પણ રામ રામ કરીને નવો રાજકીય પક્ષ બનાવવાનું એલાન કર્યું.
સાવિત્રીબાઈ પહેલાં માયાવતીની બસપામાં જ હતાં. ૨૦૦૦માં તે ભાજપમાં જોડાયાં હતાં. દલિત મતોને ભાજપ તરફ વાળવામાં મહત્વનું યોગદાન આપનારાં સાવિત્રીબાઈએ એટ્રોસિટી એક્ટ અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાના વિરોધમાં ભાજપ છોડયો હતો. સાવિત્રીબાઈ નવો પક્ષ બનાવે તો માયાવતીની દલિત મતબેંક ઉપરાંત કાર્યકરોને પણ પોતાની તરફ ખેંચી જશે. માયાવતી આઝાદને નાથવા શું કરવું તે નક્કી કરી શકતાં નથી ત્યારે હવે તેમણે સાવિત્રીબાઈ માટે પણ વ્યૂહરચના બનાવવી પડશે.
જનરલ રાવતે મોદી સરકારની તરફેણ કેમ કરી ?
લશ્કરી વડા જનરલ બિપિન રાવતે સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) અંગે કરેલા નિવેદનના કારણે વિવાદ ખડો થઈ ગયો છે. જનરલ રાવતે કોલેજો અને યુનિવસટીના વિદ્યાર્થીઓ હિંસા ભડકાવે છે તેવો આડકતરો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ સહિતના વિપક્ષોએ જનરલ રાવત પર રાજકીય નિવેદનો કરીને પોતાના હોદ્દાના ગૌરવને બાજુ પર મૂકવાનો આક્ષેપ કર્યો છે. જો કે જનરલ રાવતે આ વા કરવા માટે પસંદ કરેલો સમય સૂચક છે. નરેન્દ્ર મોદીએ બુધવારે જ સીએએ મુદ્દે થયેલી હિંસા અંગે નિવેદન આપ્યું હતું. એ નિવેદન પછી તરત જ જનરલ રાવતે સરકારને સમર્થન આપતું નિવેદન ફટકાર્યું છે. જનરલ રાવત ૩૧ ડીસેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. એ પહેલાં મોદી સરકાર દેશના પહેલા ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફની નિમણૂક કરે તેવી પૂરી શક્યતા છે. જનરલ રાવત આ રેસમાં પ્રબળ દાવેદાર છે. પોતાનો દાવો મજબૂત થાય એ માટે તેમણે આ નિવેદન ફટકારી દીધું હોવાનું મનાય છે.
કાશ્મીરના પથ્થરબાજો યુપી સુધી કઈ રીતે પહોંચ્યા ?
કેન્દ્રના રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન નિત્યાનંદ રાય સીએએના વિરોધમાં ઉત્તર પ્રદેશમાં થયેલી હિંસા અંગે નિવેદન કરીને હાસ્યાસ્પદ બની ગયા છે. રાયે એવો દાવો કર્યો કે, કાશ્મીરમાં પથ્થરબાજીમાં સામેલ લોકોને સીએએનો વિરોધ કરવા ઉત્તર પ્રદેશ બોલાવાયા હતા ને તેમણે હિંસા ભડકાવી. અમિત શાહે સવારે જ આ તોફાનો માટે ટુકડે ટુકડે ગેંગને જવાબદાર ઠેરવી હતી.
કાશ્મીરમાં હમણાં રાષ્ટ્રપતિ શાસન છે અને લોકોને કાશ્મીરમાં જ બહાર આવવાનાં ફાંફાં છે ત્યારે આ પથ્થરબાજો કઈ રીતે છેક ઉત્તર પ્રદેશ સુધી આવી ગયા એ સવાલ સોશિયલ મીડિયા પર પૂછાઈ રહ્યો છે. રાયની વાત સાચી હોય તો આ નિષ્ફળતા માટે કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરે રાજીનામું આપી દેવું જોઈએ એવી કોમેન્ટ્સ પણ થઈ રહી છે. રાયને આટલી બધી ખબર છે તો આ પથ્થરબાજોને કેમ પકડી નથી લેવાતા એવો સવાલ પણ થઈ રહ્યો છે.
***
ભાજપ 21 વર્ષ પછી દિલ્હીમાં સત્તા મેળવી શકશે?
વર્ષ ૨૦૧૪ માં ભાજપે લોકસભાની તમામ બેઠકો જીતી હતી. ચાલુ વર્ષ પણ તેણે તમામ બેઠકો જીતી હતી.વર્ષ ૨૦૧૫માં આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભાની ૭૦માંખી ૬૭ બેઠકો જીતી હતી. પરંતુ વિધાનસભાની ચૂંટણીને માત્ર બે જ મહિના બાકી છે ત્યારે ભાજપે દિલ્હીમાં ફરીથી સત્તા મેળવવા કવાયત શરૂ કરી હતી. વડા પ્રધાને રામલીલા મેદાનમાં રેલીને પણઁ સંબોધી હતી.ગઇ કાલે પક્ષ પ્રમુખ અમીત શાહે પક્ષના નેતાઓ સાથે બેઠક કરી હતી.હવે તેઓ પાંચમી જાન્યુઆરીના રોજ પક્ષના બુથ કક્ષાના કાર્યકરોને મળશે.પક્ષના સૂત્રો અનુસાર, દિલ્હીના ૧૩૮૭૨ બુથોને ત્રણ કેટેગરીમાં વહેંચ્યા હતા. છતાં એક સવાલ તો ઊભો જ છે 'શું ભાજપ જીત મેળવી શકશે? તો સામા પક્ષે આમ આદમી પાર્ટીએ પણ ઘર ઘર સંપર્ક શરૂ કર્યો હતો. ટુંક સમયમાં તેઓ ટાઉનહોલ ભરશે.કોંગ્રેસે પણ પક્ષમાં પ્રાણ ફુંકવાની શરૂઆત કરી હતી. પક્ષ પ્રમુખ સોનિયા ગાંધી ટુંક સમયમાં સેક્રિનીંગ કમીટીની જાહેરાત કરશે જે ઉમેદવારોની પસંદગી કરશે.કોંગ્રેસના કાર્યકર્તાઓની મુશ્કેલી એ છે કે પંદપ વર્ષ રાજ કર્યું છતાં પક્ષને અનેક ચૂંટણીઓમાં હાર જ મળી હતી.
નકલી પોલીસ અને ચેંડાં કરેલો વિડીયો
પાટનગરના કેટલાક ભાગના વિદ્યાર્થીઓ અને રહેવાસીમાં નકલી પોલીસ અને ચેંડાં કરેલા વિડીયોના કારણે ભય ફેલાયો હતો. વિદ્યાર્થીઓ પોતપોતાની બેગ લઇ બસ અને મેટ્રો સ્ટેશને ઉપડી ગયા હતા. ખોટા સમાચારો વાયરલ થતાં તેઓ ભયભીત બની ગયા હતા. કેટલીક જગ્યાએ તો બોર્ડ મારી દેવામાં આવ્યા હતા કે પોલીસના આદેશથી તેમણે વર્ગો બંધ કર્યા હતા. વિડીયોમાં પોલીસ વિદ્યાર્થીઓને તેમના ગામ જતા રહેવા નહીંતર પોલીસની કાર્યવાહીનો સામનો કરવા કહેતા સંભળાયા હતા.પરંતુ અલગ જ વાત કરી હતી. તેઓ કહે છે કે શાંતિ ભંગ કરવા અને પોલીસને ખરાબ દેખાડવા માટે વિડીયોમાં ચેડાં કરાયા હતા.દરમિયાન સીએએ સામે જામીયા મિલિયા ખાતે વિરોધ ચાલુ જ રહ્યો હતો.
મમતા- ભાજપની લડાઇમાં નવો વણાંક
સીએએ અને એનઆરસી અંગે ભાજપ તેમજ તૃણમુલ કોંગ્રેસ વચ્ચેની લડાઇ વધુ ઉગ્ર બનતી જાય છે. સૂત્રોએ કહ્યું હતું કે દાર્જીલિંગના ટીએમસીના નેતાઓ એ સીએએ વિરૂધ્ધ સિલિગુરીમાં મમતા બેનર્જીની સભાને સફળ બનાવવા તમામ કાર્યકરો કામે લાગી ગયા હતા. ઉત્તર બંગાળના અનેક હિસ્સાઓમાંથી લોકોને લાવવામાં આવી રહ્યા છે.મંગળવારે ભાજપે બંને કાયદાઓના સમર્થનમાં સિલિગુડીમાં સભા યોજી હતી.જો કે એવા સંકેતો મળે છે કે ૨૯ ડિસેન્બરે મમતાને ઝારખંડના મુખ્ય મંત્રીના શપથ સમારંભમાં જવાનું હોવાથી કદાચ તારીખ ફેરવવી પડશે.હવે કદાચ ત્રીજી જાન્યુઆરીએ રેલી યોજાશે.નેતાઓએ તમામ તૈયારીઓ શરૂ કરી દીધી હતી.ઉલ્લેખનીય છે કે ઉત્તર બંગાળમાં ભાજપે આઠ પૈકી સાત લોકસભા બેઠકો જીતી હતી.ઉપરાંત લોકસભાની સાથે સાથે જ યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં હબીબપુર અને દાર્જીલિંગને બેઠકો પણ ગુમાવી હતી.
ઉત્તર પ્રદેશમાં પોલીસનો આતંક, વડીલની વાત
ઉત્તર પ્રદેશમાં સીએએ અને એનઆરસી વિરૂધ્ધ તોફાનો ચાલી રહ્યા છે તેવામાં પશ્ચિમ ઉત્તર પ્રદેશના મુઝફફરનગરના લાકડાના એક વેપારી ૭૨ વર્ષના હસને કહ્યું હતું કે 'શુક્રવારે રાત્રે અગિયાર વાગે મારા બે માળના મકાનમાં આશરે ૩૦ પોલીસ વાળા મારા ઘરે ઘુસી આવ્યા હતા. કેટલાક સાદા ડ્રેસમાં અને કેટલાક યુનિફોર્મમા હતા.તેમણે આવતાની સાથે જ મારા ઘરમાં તોડફોડ શરૂ કરી હતી. મારી પર રાઇફલના બટથી હુમલો કરાયો હતો. જ્યારે વિરોધ કર્યો તો લાકડીઓથી માર્યો હતો. તેમણે મારા ઘરમાં તોડફોડ કરી કાંચ તોડયા અને મારા બાથરૂમના ફિંટિંગ્સ પણ તોડી નાંખ્યા હતા. હું તેમની સમક્ષ રડયો.
દયાની ભીખ માગી, પરંતુ તેમણે મારી વાત જ ના માની. તેઓ કહેતા હતા મુસિલમો માટે બે જ જગ્યા પાકિસ્તાન અને કબ્રસ્તાન, એમ પોતાના ઘરની હાલત જોતા જોતા હસને કહ્યું હતું. ભારતમાં મોટા ભાગના મોહલ્લાઓમાં વડીલો ડ ટોળાનું નેતૃત્વ કરી યુવાનોને તોફાનોથી દૂર રહેવા અને શાંતિ જાળવવા કહેતા હોય છે. હસન ચાચાએ પણ આવું કર્યું હતું. પોલીસે લગભગ ૪૦ મિનિટ સુધી ઘરમાં તોફાન કર્યું હતું.દરેક વસ્તુને તોડી નાંખ્યા પછી તેઓ બંદુકની અણીએ ઘરના સોનાના દાગીના અને રૂપિયા પાંચ લાખ રોકડ લૂંટી ગયા હતા.તેમની બે પૌત્રીઓના લગન માટે તેમણે તાજેતરમાં જ સોનાના ઘરેણા ખરીદ્યા હતા.
કોંગ્રેસના સાંસદ શશી થરૂર સામે ધરપકડ વોરન્ટ
કેરળના થિરૂવનંતપુરમની એક કોર્ટે કોંગ્રેસના સાંસદ શશી થરૂર સામે ધરપકડ વોરન્ટ કાઢ્યું હતું. ૩૦ વર્ષ પહેલાં શશી એ પોતાના પુસ્તકમાં નાયર સ્ત્રીઓ વિષે બદનામી ભર્યા લેખ લખ્યો હતો. તે બદલ તેની સામે કેસ થયો હતો, પરંતુ થરૂરકોર્ટમાં હાજર થયા નહતા.' સમન્સમાં કોઇ જ તારીખનો ઉલ્લેખ નહીં હોવાના અમારા વકીલે કોર્ટનું ધ્યાન દોર્યું હતું. કોર્ટે કહ્યું હતું કે તેઓ સમન્સ કાઢશે. જો કે એમાં થોડી ગુંચવણ થઇ હતી. અમને કોઇ સમન્સ મળ્યો નથી. બલકે એની સામે અમે થિરૂવનંતપુરમના ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં અરજી કરીશું'એમ થરૂરની ઓફિસમાંથી કહેવામાં આવ્યુ હતું.
- ઇન્દર સાહની
Comments
Post a Comment