લો બોલો, ઈમરાન ખાનની શપથવિધિ વખતે સિદ્ધુ સરકારી ખર્ચે પાકિસ્તાન ગયો હતો: RTI
નવી દિલ્હી તા.27 ડિસેંબર 2019, શુક્રવાર
ક્રિકેટર કમ પોલિટિશ્યન નવજોત સિંઘ સિદ્ધુએ પાકિસ્તાનના ક્રિકેટર કમ વડા પ્રધાન ઇમરાન ખાનના શપથવિધિ સમારોહમાં હાજરી આપવા સરકારી ખર્ચે પ્રવાસ કર્યો હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી હતી.
સિદ્ધુએ આ પ્રવાસને પોતાનો ખાનગી પ્રવાસ ગણાવ્યો હતો. પરંતુ પોતાના પૈસે પાકિસ્તાન ગયો નહોતો એવી વિગત તાજેતરમાં આરટીઆઇ ધારા હેઠળ બહાર આવી હતી. અમૃતસરમાં આવેલા પોતાના નિવાસસ્થાનથી વાઘા સરહદ સુધી ટેક્સીનું પેટ્રોલ અને ડ્રાઇવરનું મહેનતાણું, પોતાનું ટ્રાવેલ એલાવન્સ અને ડેઇલી એસાવન્સ પણ પંજાબની રાજ્ય સરકાર કનેથી વસૂલ કર્યું હતું.
અકાલી દળે તાજેતરમાં સિદ્ધુના આ પ્રવાસ અંગે સવાલ ઊઠાવ્યો હતો કે પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંઘે ના પાડી હોવા છતાં ત્યારના પંજાબના કેબિનેટ કક્ષાના પ્રધાન સિદ્ધુએ ખાનગી પ્રવાસના નામે પંજાબની પ્રજાના પૈસે પાકિસ્તાનનો પ્રવાસ શી રીતે કર્યો હતો. 2018ના ઑગસ્ટની 17મીએ સિદ્ધુ અમૃતસરથી વાઘા સરહદે ટેક્સી દ્વારા ગયો હતો જેનું બિલ 1320 રૂપિયા રાજ્ય સરકાર કનેથી વસૂલ કર્યું હતું. વળી, પોતે પાકિસ્તાનના પ્રવાસે હતો છતાં ધારાસભ્ય અને કેબિનેટ કક્ષાના પ્રધાન તરીકે મળતું રોજિંદું ભથ્થું રૂપિયા 1500 પણ વસૂલ કર્યું હતું. ટેક્સી ડ્રાઇવરના મહેનતાણાં પેટે રૂપિયા 333 વસૂલ કર્યા હતા.
18મી ઑગસ્ટે ફરી એકવાર ડ્રાઇવરના મહેનતાણા પેટે રૂપિયા 333 વસૂલ કર્યા હતા. 19 ઑગસ્ટે વાઘા સરહદેથી ચંડીગઢ સુધીના ટેક્સીભાડા પેટે રૂપિયા 5,550 વસૂલ કર્યા હતા. એ જ દિવસે પોતે ધારાસભ્ય તરીકેનું રોજિંદું ભથ્થું રૂપિયા 750 પણ વસૂલ કર્યું હતું.
અકાલી દળે આ બધા ખર્ચ અંગે રાજ્ય સરકારને પડકારી હતી કે સિદ્ધુની પાકિસ્તાનની મુલાકાત ખાનગી હતી તો આ રકમ એને કયા આધારે અને શા માટે ચૂકવવામાં આવી હતી ?
રસપ્રદ વિગત એ પણ છે કે સિદ્ધુએ મિડિયા સમક્ષ એવો દાવો કર્યો હતો કે પાકિસ્તાન નહીં જવાની મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંઘની સલાહને હું આવકારું છું પરંતુ મને કહેવા દો કે હું પંજાબના પ્રધાન તરીકે નહીં, ઇમરાન ખાનના દોસ્ત તરીકે પાકિસ્તાનની મુલાકાતે જઇ રહ્યો છું. આ કોઇ સરકારી પ્રવાસ નથી.
અકાલી દળે એ વાતને આગળ કરી છે કે સિદ્ધુ પાકિસ્તાનમાં હતો તો પછી ધારાસભ્ય તરીકે ના દૈનિક એલાવન્સને શા માટે લીધું હતું ? નવજોત સિંઘ સિદ્ધુની પત્નીએ એવો દાવો કર્યો હતો કે સિદ્ધુએ કોઇ ડેઇલી એલાવન્સ લીધું નથી પરંતુ આરટીઆઇ હેઠળ અપાયેલી માહિતીમાં સિદ્ધુએ એલાવન્સ લીધું હતું એવી માહિતી મળી હતી.
Comments
Post a Comment