દિલ્હીની વાત : મોદી ત્રણ મહિના સુધી લોકડાઉન રાખશે ?


મોદી ત્રણ મહિના સુધી લોકડાઉન રાખશે ?

નવી દિલ્હી, તા.26 માર્ચ 2020, ગુરુવાર

અંતે મોદી સરકારે કોરોનાવાયરસની આથક અસરોને ખાળવા માટે રાહત પેકેજ જાહેર કરી દીધું. આ પેકેજમાં ગરીબો, વૃધ્ધો તથા નિરાધારોને અપાયેલી મોટા ભાગની રાહતો ત્રણ માસ માટે છે. તેના કારણે એવી અટકળો તેજ બની છે કે, મોદી સરકાર લોકડાઉનને હજુ લંબાવશે. મોદીએ રાષ્ટ્રજોગ પ્રવચનમાં ત્રણ અઠવાડિયાં માટે લોકડાઉનની જાહેરાત કરી હતી. આ લોકડાઉન ૧૫ એપ્રિલ સુધી છે પણ હવે લાગે છે કે કમ સે કમ એપ્રિલ મહિના દરમિયાન તો લોકડાઉન રહેશે જ.

જો કે આર્થિક નિષ્ણાતોના મતે રાહત ત્રણ મહિના અપાશે તેને લોકડાઉનના સમય સાથે કંઈ લેવાદેવા નથી. કોરોનાની અસરના કારણે આર્થિક મોરચે સ્થિતી સામાન્ય થતાં બીજા બે મહિના નિકળી જ જશે. મોટા ભાગના કામદારો બીજાં રાજ્યોમાંથી આવતા હોય છે તેથી તેમને પાછા કામ પર આવવામાં પણ સમય જશે. આ કારણે મોદી સરકારે આગોતરું આયોજન કરીને ત્રણ મહિના માટે પેકેજ જાહેર કર્યું છે. તેના કારણે લોકડાઉન ત્રણ મહિના સુધી રહેશે એવું અત્યારથી માની લેવાની જરૂર નથી.

મોદીની ખોટી રીટ્વિટ અંગે સ્પષ્ટતા કરવી પડી

કોરોના વાયરસ અંગે મેડિકલ નિષ્ણાતો સિવાય કોઈની પણ વાત નહીં માનવાની મોદીએ લોકોને સલાહ આપી હતી. મોદીએ પોતે આ સલાહનું પાલન ના કર્યું તેના કારણે ગુરૂવારે આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરવી પડી.

કોરોનાવાયરસનો ચેપ કઈ રીતે લાગે છે તે અંગે અમિતાભ બચ્ચને એક વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. તેમાં દાવો કરેલો કે, કોરોનાવાયરસ માણસના શ્વસનતંત્ર કરતાં મળમૂત્રમાં વધારે સમય રહે છે. આ વ્યક્તિના મળમૂત્ર પર માખી બેસે તો તેના કારણે કોરોનાવાયરસનો ચેપ લાગે છે તેવો દાવો બચ્ચને આ વીડિયોમાં કરેલો. બચ્ચનના આ વીડિયોને મોદીએ રી-ટ્વિટ કર્યો હતો.

ગુરૂવારે આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરવી પડી કે, માખીના કારણે કોરોના ફેલાય છે એ વાત તદ્દન ખોટી છે. આરોગ્ય મંત્રાલયના પ્રવક્તાએ બચ્ચનનો વીડિયો જોવાનો ઈન્કાર કર્યો પણ સ્પષ્ટ શબ્દોમાં આ વાત કહી. બચ્ચને મોદીના શૌચમુક્ત ભારત અભિયાનની પ્રસંશા કરી તેના કારણે મોદીએ રી-ટ્વિટ કર્યાની શક્યતા છે પણ તેના કારણે લોકોમાં ગભરાટ ફેલાવાની શક્યતા ઉભી થઈ ગઈ હતી.

ટ્રેનોને આઈસીયુમાં ફેરવી દેવાની તૈયારી શરૂ

ભારતમાં કોરોનાવાયરસના દર્દીઓની સંખ્યા વધી જાય તો તેમની સારવાર માટે પૂરતા પ્રમાણમાં આઈસીયુ નથી. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાનો ચેપ ફેલાય તો શું કરવું એ મોટી સમસ્યા છે. મોદી સરકારે આ સમસ્યાનો ઉકેલ વિચારી લીધો છે અને જરૂર પડે તો ટ્રેનોના ડબ્બાઓને આઈસીયુમાં ફેરવી દેવાની તૈયારી શરૂ કરાવી છે.

મોદી સરકારને આ વિચાર કેરળની એક કંપનીએ આપ્યો છે. આ કંપનીએ ટ્રેનના ડબ્બાઓને આઈસીયુમાં ફેરવી નાંખવા માટે તૈયારી બતાવતો પત્ર અઠવાડિયા પહેલાં લખ્યો હતો. મોદીને આ વિચાર ગમી જતાં તેમણે એક ટ્રેનમાં આ સવલત ઉભી કરવા કહ્યું. કંપનીએ બે દિવસમાં જ આ કામ કરી દીધું ને તેનો વીડિયો મોદીને મોકલી આપ્યો. મોદી આ કામ જોઈને ખુશ થઈ ગયા ને તેમણે સૈધ્ધાંતિક રીતે આ યોજનાને મંજૂરી આપી દીધી હોવાનું કહેવાય છે. રેલ્વ પાસે અત્યારે ૧૨ હજાર કરતાં વધારે ટ્રેન છે ને દરેક ટ્રેનમાં ઓછામાં ઓછા દસ કોચ હોય એ જોતાં સવા લાખ આઈસીયુ બનાવી શકાય. ટ્રેન ગમે ત્યાં જઈ શકે તે જોતાં દેશના ગમે તે ખૂણામાંથી દર્દીને સીધો આઈસીયુમાં ભરતી કરીને સારવાર કરી શકાશે.

કોરોનાને નાથવા ચીન-સિંગાપુર મોડલનો અમલ

ભારતમાં કોરોનાવાયરસના કેસો મોટા પ્રમાણમાં નથી વધી રહ્યા ત્યારે મોદી સરકાર હવે ચીન-સિંગાપોર મોડલનો અમલ કરવા વિચારી રહી છે. ચીનમાં કોરોનાવાયરસનો ઉદભવ થયો છતાં ચીનમાં કોરોનાવાયરસ પર કાબૂ મેળવી લેવાયો છે. ચીનમાં જનજીવન સામાન્ય થવાની શરૂઆત થઈ ગઈ છે. સિંગાપોરમાં મોટા પ્રમાણમાં ચીના આવતા હોવા છતાં કેસ ઓછા છે અને મૃત્યુઆંત બે આંકડામાં પણ પહોંચ્યો નથી. ચીન-સિંગાપોર બંનેએ કોરોનાવાયરસને નાથવા માટે દર્દીઓ જેમના સંપર્કમાં આવ્યાં હોય એ બધાં લોકોને આઈસોલેશનમાં મોકલી દેવાની નીતિ અપનાવી છે. કોઈ પણ પ્રકારના ટેસ્ટ વિના એ બધાંને બે અઠવાડિયાં માટે કોરેન્ટાઈનમા મોકલી જ દેવાની નીતિ કામ કામ કરી ગઈ.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (ડબલ્યુએચઓ)એ મોદી સરકારના લોકડાઉનના પગલાને વખાણ્યું છે પણ સાથે સાથે રોગચાળો ત્રીજા સ્ટેજમાં ના ફેલાય એટલા માટે ઓળખ નથી થઈ એવા દર્દીઓને શોધવા પર ભાર મૂક્યો છે. મોદી સરકાર ૧ એપ્રિલથી આ અભિયાન શરૂ કરે તેવી શક્યતા છે.

પટનાઈકે હજાર બેડની કોરોના હોસ્પિટલ ઉભી કરી દીધી

ઓડિશાના નવિન પટનાઈકે કોરોનાવાયરસની સારવાર માટે દેશની પહેલી ખાસ કોવિડ-૧૯ હોસ્પિટલ ઉભી કરીને સૌને દંગ કરી દીધા છે. ભારતમાં કોરોનાના દર્દીઓના કેસ બહાર આવ્યા તેના એક પખવાડિયામાં આ હોસ્પિટલ ઉભી કરી દેવાઈ છે. હવે પછીના પખવાડિયામાં આ હોસ્પિટલ કામ કરતી થઈ જશે એ જોતાં મહિનામાં હોસ્પિટલને કામ કરતી કરી દેવી એ ચમત્કાર જ છે. એક હજાર પથારી ધરાવતી આ હોસ્પિટલ દેશની સૌથી મોટી કોવિડ-૧૯ હોસ્પિટલ હશે. મોદી સરકાર પણ પટનાઈકની આ કામગીરી પર વારી ગઈ છે ને બીજાં રાજ્યોને આ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવા કહેવાયું છે.

નવિન પટનાઈકે નેતાની જેમ વર્તવાના બદલે કંપનીના સીઈઓની જેમ વર્તીને આ હોસ્પિટલ ઉભી કરાવી દીધી છે. તેમણે પખવાડિયા પહેલાં રાજ્યની મેડિકલ કોલેજો તથા કોર્પોરેટ કંપનીઓના સંચાલકોને બોલાવીને  સહકાર માંગ્યો હતો. બધાંએ તૈયારી બતાવતાં તરત જ કરાર કરી દેવાયો ને બીજા દિવસથી કામ શરૂ કરી દેવાયું તેના કારણે આ ચમત્કાર શક્ય બન્યો છે.

કેજરીવાલ લોકોને ઘેરબેઠાં કરફ્યુ પાસ આપશે

મોદી સરકારે જાહેર કરેલા લોકડાઉનના કારણે દુકાનો પર ભીડ જામવા માંડતાં કોરોનાવાયરસનો ચેપ લાગવાનો ખતરો ઉલટાનો વધી ગયો છે. અરવિંદ કેજરીવાલે તેનો ઉપાય શોધી કાઢીને જીવનજરૂરીયાતની ચીજોની દુકાને તથા ફેક્ટરીઓને ૨૪ કલાક ખુલ્લી રાખવાની છૂટ આપી દીધી છે. તેના કારણે લોકો લોકો ગભરાટમાં આવીને ચીજવસ્તુઓ લેવા માટે દોડાદોડી નહીં કરે. નિરાંતના સમયમાં લોકો ચીજો લેવા માટે જઈ શકશે એવું કેજરીવાલનું માનવું છે.  કેજરીવાલે કરિયાણા સહિતની જીવનજરૂરી ચીજો, દવાનું વેચાણ કરતી ઈ-કોમર્સ વેબસાઈટ તથા ખાવાનું પહોંચાડતી એપ્સને પણ હોમ ડીલિવરીની છૂટ આપી છે.

કેજરીવાલે બીજી પણ એક પહેલ કરી છે. જે લોકોએ ઘરની બહાર નિકળવું જ પડે તેમ હોય એ લોકો ૧૦૩૧ નંબર પર ફોન કરીને ઈ-પાસ મેળવી શકશે. તેમના વોટ્સએપ પર મિનિટોમાં જ આ પાસ આવી જશે.

કેજરીવાલે લીધેલાં પગલાં સાચી દિશામાં છે કે નહીં તેની ખબર બે-ત્રણ દિવસમાં પડી જશે. તેના કારણે લોકોને રાહત થશે તો પછી આ સ્કીમ ચાલુ રખાશે, નહિંતર તેનો વીંટો વાળી દેવાશે.

* **

સંશોધકોની ચિંતાજનક ચેતવણી

સંશોધકોની એક ટીમ  કોવિડ-૧૯ સ્ટીડી ગુ્રપ દ્વારા તૈયાર કરેલા અહેવાલ મુજબ, જો કોરોનાના દર્દીઓની વધવાની સંખ્યા હાલની ઝડપ મુજબ ચાલુ રહેશે તો મેના અંત સુધીમાં ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા એક થી ૧૩ લાખ સુધી પહોંચી શકે છે.અહેવાલમાં ભારતે લીધેલા પ્રતિબંધક પગલાની પ્રશંસા તો કરવામાં આવી છે અને અમેરિકા તે ઇટાલીની સરખામણીમાં કેસની સંખ્યા પણ ઓછી છે, છતાં ખરેખર અસરગ્રસ્તોની સંખ્યા જાણી શકાઇ નથી. આ સંખ્યા ટેસ્ટીંગની માત્રા,ટેસ્ટના પરિણામની ચોક્કસતા અને જેમને ચેપ તો લાગ્યો હોય, પરંતુ તેમનામાં લક્ષણો દેખાતા ના હોય તેના  આંકડતા જાણ્યા પછી જ  સાચું ચિત્ર સામે આવશે.'ભારતમાં અત્યાર સુધી ટેસ્ટીંગ કરાયેલા લોકોની સંખ્યા પ્રમાણમાં ઓછી છે. વ્યાપક ફેલાયા પછીના ટેસ્ટિંગમાં સામુહિક ચેપની માત્રાનું આંકલન કરવું મુશ્કેલ બની જશે.બીજા શબ્દોમાં કહીએ તો  હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોની બહાર કેટલાને ચેપ લાગ્યો હતો તે જાણવું મુશ્કેલ બની જશે. એટલા માટે અમારો હાલનો અંદાજ માત્ર પ્રાથમિક અહેવાલના આધારે જ તૈયાર કરાયો છે'એમ જોન્સ હોપકિન્સ યુનિ.ના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું.

લોકડાઉને કેટલાક ગંભીર સવાલો ઊભા કર્યા

પાટનગરની સત્તાની ગલીઓ૨૧ દિવસના લાંબા લોકડાઉન ે અંગે ચર્ચા શરૂ થઇ ચૂકી છે.એવું પણ મનાય છે કે સરકાર ડરી ગઈ છે. એક વાયરોલોજીસ્ટ  અને વેલ્લોરની ક્રિસ્ચિયન મેજિકલ કોલેજના પ્રોફેસર એમિરેટ્સ ડો. ઠેક્કેકારા જેકોબ જોને ચતવણી આપી હતી કે લોકડાઉનનો આધાર દેશની આરોગ્ય પધ્ધતી કેટલી અસરકારક રીતે અને ઝડપથી ચેપગ્રસ્તોને શોધી શકે છે અને તેમને ક્વોરન્ટાઇન કરી શકે છે તેની ઉપર જ આધારિત છે.કોરોનાગ્રસ્ત પોતાના વિસ્તારમાં કેટલાક નવા લોકોને આ મહામારીના ભરડામાં લઇ શકે છે તે પણ અગત્યનું છે.વધતી જતી આ મહામારીનો ભારત સરકારે કેવી રીતે પ્રતિભાવ આપે છે તેનો અભ્યાસ કરી રહેલા જો.જોનને આખા દેશમાં ભારતની ક્ષમતા નવા નવા દર્દીઓને શોધવામાં કેટલી અસરકારક છે તેની પર છે.ડો.જોને ભૂતકાળમાં પોલિયો અંગે પણ તેઓ ભારત સરકાર અને વિશ્વ આરોગ્ય સંસ્થાને સલાહ આપી ચૂક્યા હતા.

શા માટે યોગીએ મોદીની લોકડાઉનની સલાહની અવગણના કરી?

સમગ્ર દેશમાં કોોરનાનો હાહાકાર મચ્યો હોવા છતાં અયોધ્યામાં એક હંગામી ટેન્ટમાં બિરાજમાન રામ લલ્લાની મૂર્તિની સ્થાપના કરવા ઉત્તર  પ્રદેશના મુખ્ય મંત્રી યોગી લોકડાઉનની ઐસી તૈસી કરીને તેમના પચાસ સાથીઓ સાથે પહોંચી જતાં અનેક લોકોના ભંવા ઉંચા થઇ ગયા હતા.વડા પ્રધાન મોદીએ મંગળવારે જ આખા દેશમાં લોકડાઉનની જાહેરાત કરી હતી.મોદીએ અનેક વખતે લોકોને ઘરની બહાર ન નીકળવા સલાહ આપી હતી. પરંતુ યોગીએ કોરોનાની મહામારીની પરવા કર્યા વગર અયોધ્યા પહોંચી ગયા હતા.

મેહબુબા અને અન્યોને જેલમાં જ રાકતા હોહા મચી

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી મેહબુબા મુફતીની પુત્રી અને તેમના ટ્વિટર એકાઉન્ટને હેન્ડલ કરતી ઇલ્તીજા મુફતીએ ટ્વિટ કર્યું હતું કે 'મેહબુબા મુફતી અને અન્યોને હજુ પણ જેલમાં જ બંધ રાખવા એ નિષ્ઠુરતા અને ક્રૂરતા છે. પહેલી વાત તો એ કે તેમને અટકાયતમાં રાખવાનો કોઇ જ ન્યાયસંગત કારણ નહતો અને બીજુ, દેશમાં જ્યારે ત્રણ સપ્તાહ માટે લોકડાઉનની  સ્થિતી ઊભી થઇ છે ત્યારે તેમને અટકાયતમાં રાકવા એ યોગ્ય નથી.'મારી માતા તેમના અટકાયતમાંથી છુટવાના અહેવાલો મેળવે છે.મને આશા છે કે વડા પ્રધાન તેમને છોડી દેશે. જમ્મુ-કાશ્મીરની બહાર હજારો યુવાનોને જેલમાં બંધ કર્યાના સમાચારો પણ તેમને મળતા તેઓ ખૂબ પરેશાન થયા હતા.

- ઇન્દર સાહની

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો