કોરોના સામેના જંગને સરહદે નહીં, ઘરમાં રહીને જીતવાનો છે
- બેશક આપણી પાસે દક્ષિણ કોરિયા, તાઇવાન કે પછી પશ્ચિમી દેશો જેવી ચિકિત્સકીય સુવિધા ઉપલબ્ધ નથી પરંતુ કોરોના સામે લડવામાં સફળ થયેલા દેશોનો દાખલો એ રીતે લેવાની જરૂર છે કે એ દેશોના લોકોએ સમજદારીપૂર્વક વર્તીને અને સરકારના નિર્દેશોનું પાલન કરીને કોરોનાને હંફાવ્યો

ચીનથી શરૂ થયેલો કોરોના વાઇરસ અત્યાર સુધીમાં ૧૯૮ દેશોમાં પ્રસરી ગયો છે અને દુનિયાભરના આશરે પાંચ લાખ લોકોને તેનો ચેપ લાગી ચૂક્યો છે તેમજ મૃતકોનો આંકડો ૨૧ હજારને વટાવી ગયો છે. કોરોનાની મહામારીને ફેલાતી અટકાવવા અનેક દેશોએ લૉકડાઉન કર્યું છે ત્યારે કેટલાંક દેશો એવા પણ છે જેઓ કોરોના વાઇરસને હંફાવવામાં સફળ રહ્યાં છે.
ચીનની પડખે આવેલા દક્ષિણ કોરિયાએ લૉકડાઉન કર્યા વગર જ કોરોનાના કેસો પર નિયંત્રણ મેળવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ચીન બાદ કોરોના વાઇરસે વિશ્વમાં પગપેસારો શરૂ કર્યો ત્યારે દક્ષિણ કોરિયામાં જ કોરોના વાઇરસના સંક્રમણના સૌથી વધારે મામલા નોંધાયા હતાં. એવું લાગતું હતું કે ચીન બાદ દક્ષિણ કોરિયામાં કોરોના વાઇરસ ભારે વિનાશ વેરશે પરંતુ જાણકારોની ધારણાથી ઉલટ દક્ષિણ કોરિયામાં કોરોના વાઇરસના પ્રકોપમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. દક્ષિણ કોરિયામાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા ૯ હજારની ઉપર છે અને ૧૩૧ જણાના મૃત્યુ પણ થયા છે. પરંતુ ત્યાં ચાર હજાર કરતા વધારે લોકો સાજા પણ થયા છે. ગત ૮ અને ૯ માર્ચ વખતે દક્ષિણ કોરિયામાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા ૮ હજારને આંબી ગઇ હતી પરંતુ એ પછી ત્યાં નવા કેસોની સંખ્યા ઘટી રહી છે.
દક્ષિણ કોરિયાની સરકારના જણાવ્યા અનુસાર ત્વરિત ટેસ્ટ અને તાત્કાલિક સારવારના કારણે કોરોનાનો પ્રકોપ ખાળવામાં મદદ મળી. આ દેશમાં જેવું કોરોનાનું સંક્રમણ વધવા લાગ્યું કે તરત જ ટેસ્ટ કિટ્સનું પ્રોડક્શન વધારી દેવામાં આવ્યું. જાન્યુઆરીમાં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યા બાદ જ ટેસ્ટિંગ કિટનું ઉત્પાદન વધારી દેવામાં આવ્યું અને બે અઠવાડિયા બાદ સંક્રમણના મામલા વધ્યા ત્યારે દરેક સ્થળે ટેસ્ટિંગ કિટ ઉપલબ્ધ રહે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી. આજે દક્ષિણ કોરિયામાં દૈનિક એક લાખ ટેસ્ટિંગ કિટ્સ બની રહી છે અને ૧૭ દેશોમાં એની નિકાસ પણ થવાની છે.
ઉપરાંત આખા દેશમાં ૬૦૦થી વધારે ટેસ્ટિંગ સેન્ટર ખોલવામાં આવ્યાં અને લોકોના મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યાં. અહીંયા શરીરના તાપમાન અને ગળાની તપાસ તો દસ જ મિનિટમાં કરી લેવામાં આવે છે અને એક કલાકની અંદર એનો રિપોર્ટ પણ મળી જાય છે. આખા દેશમાં ઊભા કરવામાં આવેલા ટેલિફોન બૂથોને ટેસ્ટિંગ સેન્ટરમાં ફેરવી નાખવામાં આવ્યાં છે અને પચાસ હજારથી વધારે ડ્રાઇવિંગ સ્ટેશનો પર લોકોના સ્ક્રીનિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કોરોના વાઇરસના સંક્રમણની તપાસ માટે દક્ષિણ કોરિયાની સરકારે મોટી ઇમારતો, હોટલો, પાર્કિંગ અને જાહેર સ્થળોએ થર્મલ ઇમેજિંગ કેમેરા લગાવી દીધાં. હોટલોમાં આવતા લોકોની તપાસ કરવામાં આવી અને બીમારીની તપાસ કર્યા બાદ જ તેમને હોટલોમાં રોકાવાની મંજૂરી આપવામાં આવી.
દક્ષિણ કોરિયાના હેલ્થ એક્સપર્ટ્સે લોકોને કોરોના વાઇરસના ચેપથી બચવા હાથના ઉપયોગના નુસખા પણ શીખવાડયાં. ઉદહરણ તરીકે જે લોકો જમણા હાથથી બધાં કામ કરતા હોય એવા લોકોને બધા કામ ડાબા હાથથી કરવાની સલાહ આપવામાં આવી. ફોન વાપરવા, દરવાજાના હેન્ડલ પકડવા અને રોજિંદા કામકાજ માટે ડાબા હાથના ઉપયોગની સલાહ આપવામાં આવી. જ્યારે ડાબા હાથનો ઉપયોગ કરતા લોકોને બધાં કામ જમણા હાથથી કરવાની સલાહ આપવામાં આવી. આવું એટલા માટે કરવામાં આવ્યું કે જમણેરી લોકો ચહેરા ઉપર પણ જમણો હાથ લઇ જતાં હોય છે જ્યારે ડાબેરી લોકો એ જ રીતે ચહેરા પર ડાબો હાથ લઇ જતાં હોય છે.
સ્પષ્ટ વાત છે કે કોરોના વાઇરસનો ચેપ સ્પર્શથી વધારે ફેલાય છે અને એવામાં જો હાથ પર વાઇરસ લાગ્યા હોય તો હાથ ચહેરા પર લગાડવાથી વાઇરસ નાક, મોં કે આંખ વાટે શરીરમાં તરત પ્રવેશી શકે છે.
દક્ષિણ કોરિયાના લોકો ભૂતકાળના અનુભવોમાંથી પણ ઘણું શીખ્યાં છે. અગાઉ ૨૦૧૫માં દક્ષિણ કોરિયામાં સાર્સના માસિયાઇ ભાઇ જેવો મર્સ રોગ ફેલાયો હતો એ વખતે પણ લોકોએ સાથે મળીને એનો સામનો કર્યો હતો. દક્ષિણ કોરિયામાં કોરોના વાઇરસને રોકવા માટે લોકોને માહિતી પહોંચાડવાના કાયદામાં પણ ફેરફાર કરવામાં આવ્યો. આ ફેરફાર અંતર્ગત જો કોઇ વિસ્તારમાં કોરોનાનો દર્દી મળી આવે તો એ વિસ્તારના તમામ લોકોને ફોન પર એલર્ટ મોકલવામાં આવે છે. એ સિવાય દક્ષિણ કોરિયાની સેના લગાતાર માર્ગોને સેનિટાઇઝ કરતી રહે છે. ખાસ વાત એ કે ધર્મગુરુઓને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવવાના સ્થાને કોરોના વિશે જાગૃત કરવાની અને ટેસ્ટ કરાવવાની સલાહ આપવાની તાકીદ કરવામાં આવી છે.
કોરોના સામે લડવામાં દક્ષિણ કોરિયા કરતા યે વધારે અસરકારક કામગીરી તાઇવાને બજાવી છે. જાન્યુઆરીમાં જ્યારે કોરોના વાઇરસના સંક્રમણના મામલા વધવાની શરૂઆત થઇ ત્યારે જાણકારોનું માનવું હતું કે ચીન બાદ સૌથી વધારે કેસ તાઇવાનમાં જોવા મળશે પરંતુ ચીનમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા ૮૦ હજાર કરતા પણ વધી ગઇ જ્યારે તાઇવાનમાં કોરોના વાઇરસના ચેપના ૨૩૫ કેસ જ નોંધાયા છે. જાણકારોનું માનવું છે કે તાઇવાને જે ત્વરાથી કોરોના વાઇરસને અટકાવવા માટે પગલાં લીધાં એનું જ આ પરિણામ છે. હકીકતમાં તાઇવાને વખત રહેતા કોરોના વાઇરસની ગંભીરતાને પિછાણી લીધી હતી.
વર્ષ ૨૦૦૨ અને ૨૦૦૩માં સાર્સનો રોગચાળો ફાટી નીકળ્યા બાદ તાઇવાનમાં નેશનલ હેલ્થ કમાન્ડ સેન્ટર સ્થાપવામાં આવ્યું હતું. આ સેન્ટર ભાવિ મહામારીને પહોંચી વળવાના આશય સાથે જ ઊભું કરવામાં આવ્યું હતું.
ચીનમાં જેવા કોરોના વાઇરસના કેસ વધવા લાગ્યાં કે તાઇવાને વિલંબ કર્યા વિના ચીન, હોંગકોંગ અને મકાઉ પર ટ્રાવેલ બૅન લગાવી દીધો. એટલું જ નહીં, તાઇવાનની સરકારે સર્જિકલ માસ્કની નિકાસ ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો જેથી કરીને કટોકટીની ક્ષણોમાં દેશમાં એની અછત ન સર્જાય. તાઇવાનની સરકારે પોતાના સંસાધનોનો ભારે સમજદારીપૂર્વક ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આધુનિક સમયમાં ડેટા ભારે અગત્ત્યનો બની રહ્યો હોવાનું તો સૌકોઇ જાણે છે. પરંતુ આવા ડેટાને પોતાના ફાયદા માટે વાપરવા કરતા લોકોના કલ્યાણ માટે વાપરી શકાય એ તાઇવાનની સરકારે શીખવ્યું.
કોરોનાનો પ્રકોપ વધતાની સાથે તાઇવાનની સરકારે નેશનલ હેલ્થ ઇન્શ્યોરન્સ, ઇમિગ્રેશન અને કસ્ટમના ડેટાનું સંકલન કર્યું. લોકોની ટ્રાવેલ હિસ્ટ્રીનો ડેટા પણ લેવામાં આવ્યો અને આ તમામ ડેટા જોડીને મેડિકલ અધિકારીઓએ એ તપાસ લગાવી કે કેટલા લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગી શકે એમ છે. એટલું જ નહીં, તાઇવાનની સરકારે તાત્કાલિક ધોરણે એવી એપ્સ તૈયાર કરી જેના દ્વારા લોકો લોકો દેશમાં પ્રવેશ કરતી વખતે ક્યૂઆર કોડ સ્કેન કરીને પોતાના સ્વાસ્થ્યના લક્ષણ અને મુસાફરી વિશેની તમામ જાણકારી આપી શકે.
ત્યારબાદ આ લોકોને ફોન પર મેસેજ મોકલવામાં આવતો જે તેઓ કસ્ટમ અધિકારીને બતાવે એ પછી કસ્ટમ અધિકારી તેમની ઓળખ કરીને એ નક્કી કરતા કે કોને પ્રવેશ આપવાનો છે અને કોને દેખરેખ હેઠળ રાખવાના છે.
કોરોના સામે લડવા માટે આધુનિક ટેકનોલોજીનો પ્રયોગ કરવાનો અભિગમ તાઇવાનમાં સફળ રહ્યો અને સરકાર કોરોના સામે લડવા માટે યોગ્ય પગલાં સમયસર લઇ શકી. જોકે સરકારની સાથે સાથે તાઇવાનના લોકોએ પણ કોરોના વાઇરસનો ચેપ અટકાવવામાં ભારે જાગૃતિ અને સમજદારી દાખવી. સરકાર તરફથી તેમને જે જે નિર્દેશો આપવામાં આવ્યાં તેમનું તેમણે ત્વરિત અને ગંભીર રીતે પાલન કર્યું. અગાઉ સાર્સ વખતે લોકોએ જે તકલીફ વેઠવી પડી હતી એની કડવી યાદો તેમના મનમાં તાજી હતી જેના કારણે આ વખતે લોકોએ કોરોનાને મારી હટાવવામાં વાર ન લગાડી. એ સાથે જ તાઇવાનના લોકોએ સિવિક સેન્સ એટલે કે સામાજિક જવાબદારીનો પણ પરિચય આપ્યો. લોકો સમજી ગયા કે આ મુસીબતની ઘડીમાં સૌએ એકબીજાને સાચવવા અને સરકારની વાત માનવી એ જ તેમના ભલામાં છે એટલા માટે સામાજિક એકજૂટતા દાખવી અને સરકારને દર્શાવેલા ઉપાયોનું પાલન કર્યું.
છેલ્લા કેટલાંક વર્ષોથી તાઇવાને બાયોમેડિકલમાં ઘણું રિસર્ચ કર્યું છે. કોવિડ-૧૯નના મામલે પણ તાઇવાનની સરકારે ભારે ત્વરાથી વાઇરસ ટેસ્ટ કરવા માટેને સેન્ટર ઊભા કરી દીધાં. તાઇવાનના સંશોધકોની ટીમ એવી ટેસ્ટ કીટ બનાવવા પર કામ કરી રહી છે જેના દ્વારા માત્ર ૨૦ મિનિટમાં પતો લગાવી શકાશે કે વ્યક્તિને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે કે નહીં. નવાઇની વાત તો એ છે કે ચીન તાઇવાનને પોતાનો જ હિસ્સો ગણાવે છે અને તાઇવાન પોતાને સ્વતંત્ર દેશ ગણાવે છે.
એવામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં પણ તે સામેલ નથી અને ચીન સતત એવા પ્રયાસમાં રહે છે કે તાઇવાનને કોઇ વૈશ્વિક સંગઠનનો હિસ્સો ન બનવા દેવાય. પરંતુ હવે તાઇવાન પોતાના અનુભવો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને જણાવી રહ્યું છે અને દુનિયાને મદદ કરવા માટે તૈયારી દાખવી રહ્યું છે.
ભારત સરકારે પણ કોરોનાને નાથવા માટે લૉકડાઉન જાહેર કર્યું છે. બેશક આપણા દેશ પાસે દક્ષિણ કોરિયા, તાઇવાન કે પછી પશ્ચિમી દેશો જેવી ચિકિત્સકીય સુવિધા ઉપલબ્ધ નથી પરંતુ કોરોના સામે લડવામાં સફળ થયેલા દેશોનો દાખલો એ રીતે લેવાની જરૂર છે કે એ દેશોના લોકોએ સમજદારીપૂર્વક વર્તીને અને સરકારના નિર્દેશોનું પાલન કરીને કોરોનાને હંફાવ્યો. એ જ રીતે ભારત સરકાર પણ કોરોના વાઇરસ સામે લડવા માટે જે પગલાં લઇ રહી છે એમાં સહકાર આપીને જ આપણે કોરોનાને હરાવી શકીશું. સરકાર અત્યારે દેશના દુશ્મન સામે લડવા માટે સરહદે જવાની હાકલ નથી કરતી પરંતુ કોરોના વાઇરસનો ચેપ ફેલાતો અટકાવવા લોકોને ઘરોમાં રહેવા માટે વીનવી રહી છે. યાદ રાખો કે કોરોના એક એવો શત્રુ છે જેની સામે આપણે ઘરમાં રહીને જીતવાનું છે.
Comments
Post a Comment