બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ : 10 લાખ પરીક્ષાર્થી નિરાશ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી પરીક્ષામાં ત્રીજી વખત મુદત પડી !
પરીક્ષાના ચાર દિવસ પહેલા જ અચાનક નિર્ણય લેવાતા ઉમેદવારોમાં ભારે રોષ : થોડા દિવસોમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરાશે
3901 જગ્યા માટે રવિવારે પરીક્ષા યોજાનાર હતી
અમદાવાદ : રવિવારે બિન સચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસટન્ટની યોજાનારી પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે સત્તાવાર જાહેરાત કરી છેકે, વહીવટી કારણોસર પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. આગામી દિવસોમાં ફરી વાર પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે. ત્રીજી વાર પરીક્ષા મોકુફ રહી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય કલાર્કની પરિક્ષા ્અગાઉ રદ કરવામાં આવી હતી. બે વાર આ જ પરીક્ષા રદ થઇ ચૂકી છે. આખરે ત્રણ વર્ષ બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા યોજવા નક્કી કર્યુ હતું જેના કારણે લાખો વિદ્યાર્થીઓએ પરિક્ષાની તૈયારીઓ કરી હતી.
બિન સચિવાલયની કલાર્કની 3901 જગ્યાઓ માટે રવિવારે પરિક્ષા યોજાવવાની હતી. ત્રણ વર્ષના લાંબા ઇન્તજાર બાદ પરિક્ષા યોજાવવાની હોઇ પરિક્ષાર્થીઓએ રાતદિવસ વાંચન કરી મહેનત કરી રહ્યાં હતાં.
પાટનગર ગાંધીનગર સહિત અન્ય શહેરોમાં કોચિગ કલાસમાં જઇને તૈયારીઓ કરી રહ્યાં હતાં ત્યારે છેલ્લી ઘડીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આ પરીક્ષા મોકુફ રાખવાની જાહેરાત કરી છે. રવિવારે યોજાનારી પરીક્ષામાં ગુજરાતભરમાંથી કુલ દસેક પરિક્ષાર્થીઓ ભાગ લેવાના હતાં.
પરીક્ષા મોકુફ રાખવાના નિર્ણયથી લાખો પરિક્ષાર્થીઓ નિરાશ થયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પણ પરીક્ષા સેન્ટરો નક્કી કરીને પરીક્ષાની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો હતો પણ છેલ્લે પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લીધો છે.
ચર્ચા એવી છેકે, પ્રથમ વખત ધો.12 પાસને પરિક્ષામાં નહી બેસવા દેવાના મામલે પરીક્ષા રદ કરાઇ હતી. બીજી વાર પેપર ફુટવાને કારણે પરીક્ષા રદ કરવી પડી હતી. જયારે ત્રીજી વાર ચેરમેન રાજીનામુ આપતાં પરીક્ષા રદ કરાઇ છે.જોકે, પરીક્ષા કેમ રદ કરાઇ તે મુદ્દે કોઇ જવાબદારી લેવા તૈયાર નથી .
નોંધનીય છેકે, બે દિવસ પહેલાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદેથી આસિત વોરાનું રાજીનામુ લઇ લેવાયુ છે. અત્યારે ગૌણ સેવા પસંદગી મંડળનો ચાર્જ આઇએએસ એ.કે.રાકેશને સોંપાયો છે. પેપરલીક કૌભાંડને કારણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વિવાદમાં સપડાયુ છે.
છેલ્લી કેટલીક પરિક્ષામાં પેપર ફુટતાં સરકારી નોકરીઓની પરિક્ષા શંકાન ઘેરામાં રહી છે કેમકે, પેપરલીક કૌભાંડ બહાર આવતાં જ ગુજરાત સરકારની ય પ્રતિષ્ઠા ઝંખવાઇ છે. આ કારણોસર હવે પારદર્શક રીતે પરીક્ષા લેવી એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ માટે પણ પડકારસમાન બન્યુ છે.
Comments
Post a Comment