ભારતને એલએસી પર ચીનની અવળચંડાઈનું મોટું જોખમ : અમેરિકાનો દાવો

વોશિંગ્ટન, તા.૧૨
ભારત અને ચીન વચ્ચેનો તણાવ જગજાહેર છે એવામાં ભારત વિશેષરૂપે ચીન તરફથી વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ગંભીર પડકારોનો સામનો કરી રહ્યું છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ કહ્યું હતું કે, ચીને સરહદ પર સૈનિકો એકત્ર નહીં કરવાની લેખિત સમજૂતીની અવગણના કરવાના કારણે એલએસી પર ઘર્ષણની વર્તમાન સ્થિતિ સર્જાઈ છે. અમેરિકાએ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હિન્દ-પ્રશાંત ક્ષેત્ર પર બાઈડેન સરકારનો સૌપ્રથમ રિપોર્ટ જાહેર કરતાં આ ક્ષેત્રના દેશોમાં સ્થિતિ મજબૂત કરવા અને ભારતના ઉદય તથા પ્રાદેશિક નેતૃત્વનું સમર્થ કરવાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો છે.
ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે ભારત, અમેરિકા, જાપાન અને ઑસ્ટ્રેલિયા એમ ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠક શુક્રવારથી શરૂ થઈ છે તેવા સમયે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પૂર્વીય લદ્દાખમાં ચાલી રહેલી તણાવપૂર્ણ સ્થિતિ માટે ચીન પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. ઓસ્ટ્રેલિયન વિદેશ મંત્રી મારિસ પાયને સાથે સંયુક્ત સંવાદદાતા સંમેલનમાં જયશંકરે કહ્યું કે કોઈ મોટો દેશ લેખિત કટિબદ્ધતાઓની અવગણના કરે ત્યારે તે બાબત આંતરરાષ્ટ્રીય સમાજ માટે ચિંતાની બાબત બની જાય છે.
ક્વાડ બેઠકમાં ભારત-ચીન સંબંધો પર થયેલી ચર્ચાના સંદર્ભમાં જયશંકરે જણાવ્યું કે સરહદ પર જંગી પ્રમાણમાં સૈનિકો તૈનાત નહીં કરવા ભારત સાથે કરાયેલી લેખિત સમજૂતીની ચીને ૨૦૨૦માં અવગણના કરવાના કારણે એલએસી પર વર્તમાન સ્થિતિ સર્જાઈ છે. તેથી ક્વાડ જૂથની બેઠકમાં ભારત-ચીન સંબંધો પર ચર્ચા થઈ હતી, કારણ કે આ બંને દેશ વચ્ચેના ઘટનાક્રમમાં ખાસ કરીને હિન્દ-પ્રશાંત ક્ષેત્રના દેશોને વિશેષ રસ છે. ભારત-ચીનના સંબંધોની આ ક્ષેત્રના દેશો પર પણ અસર પડી શકે છે.
પેંગોગ સરોવર ક્ષેત્રમાં હિંસક અથડામણ પછી ૫મી મે, ૨૦૨૦ના રોજ પૂર્વીય લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ વધુ વકર્યો હતો અને બંને દેશો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ છે. બંને પક્ષોએ ધીમે ધીમે સરહદ પર ભારે હથિયારો સાથે હજારો જવાનો ખડકી દીધા છે.
દરમિયાન વ્હાઈટ હાઉસના બ્રિફિંગમાં બાઈડેન તંત્રના એક વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે ભારત મહત્વપૂર્ણ પડકારોનો સામનો કરી રહ્યું છે. ભારત અનેક દૃષ્ટિએ ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોની સરખામણીમાં એકદમ અલગ જગ્યા પર છે. તેથી ભારતે અનેક ગંભીર પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.
વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ચીનના વ્યવહારની ભારત પર જબરજસ્ત અસર થઈ છે. અમારા દૃષ્ટિકોણથી અમે અન્ય લોકતંત્ર સાથે કામ કરવા માટે જબરજસ્ત તકો જોઈએ છીએ. અમેરિકન અધિકારીએ જણાવ્યું કે ભારત સાથે જોડાણ મજબૂત કરવાના મહત્વ અને પડકારોની જબરજસ્ત પ્રશંસા થઈ છે. ભારત અમેરિકા માટે એક મહત્વપૂર્ણ રણનીતિક ભાગીદાર છે. હિન્દ-પ્રશાંત ક્ષેત્ર પર રિપોર્ટ જાહેર કરતાં વ્હાઈટ હાઉસે જણાવ્યું હતું કે, અમેરિકા અને ભારત દક્ષિણ એશિયામાં સ્થિરતા વધારવા માટે પ્રાદેશિક જૂથો સાથે કામ કરવા રણનીતિ ભાગીદારીનું નિર્માણ કરવાનું ચાલુ રાખશે. ઉપરાંત સ્વાસ્થ્ય, અવકાશ અને સાઈબર સ્પેસ જેવા ક્ષેત્રોમાં પણ બંને દેશો સહયોગ કરશે. બંને દેશ આર્થિક અને ટેક્નોલોજી સહયોગને વધુ ગાઢ બનાવશે.
Comments
Post a Comment