ક્રિપ્ટો દેશની નાણાકીય સ્થિરતા માટે જોખમી : દાસ


 

મુંબઈ, તા. ૧૦

ક્રિપ્ટોકરન્સીઝ મેક્રોઇકોનોમિક અને નાણાકીય સ્થિરતા માટે જોખમી છે તેમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંતા દાસે નાણાકીય નીતિ રજૂ કરતી વખતે જણાવ્યું હતું. તેમણે રોકાણકારોને ચેતવણી આપી હતી કે તેમાં કરેલું રોકાણ ખૂબ જ જોખમી છે. દાસે જણાવ્યું હતું કે ક્રિપ્ટોકરન્સીઝનું મૂલ્ય તુલિપના ફૂલ જેટલું પણ નથી.ઉલ્લેખનીય છે કે ૧ ફેબુ્રઆરી, ૨૦૨૨૨ના રોજ થયેલા બજેટમાં કેન્દ્ર સરકારે ક્રિપ્ટોકરન્સીઝના ટ્રેડિંગ દ્વારા થયેલી આવક પર ૩૦ ટકા ટેક્સ નાખવાની જાહેરાત કરી હતી. જો કે તેના બીજા જ દિવસે સીબીડીટીએ સ્પષ્ટતા કરી હતી કે ક્રિપ્ટો કરન્સીમાં ખરીદ વેચાણ ફક્ત એટલા માટે કાયદેસર બની જતું નથી કે તમે તેના પર ટેક્સ ચૂકવી રહ્યાં છો. નાણા સચિવે પણ જણાવ્યું હતું કે ક્રિપ્ટોકરન્સીને  લિગલ ટેન્ડર તરીકે માન્યતા નથી.

ક્રિપ્ટોકરન્સીઝને લઈને પોતાના વલણને રિઝર્વ બેન્કે આજે ફરી દોહરાવ્યું હતું અને આવા પ્રકારની ડિજિટલ એસેટસ દેશના બૃહદ્ અર્થતંત્ર તથા નાણાંકીય સ્થિરતા સામે જોખમી હોવાનો પુનરોચ્ચાર પણ કર્યો હતો.

ક્રિપ્ટોકરન્સીઝને લઈને અમારુ વલણ સ્પષ્ટ છે.  ખાનગી ક્રિપ્ટો બૃહદ્ અર્થતંત્ર તથા નાણાંકીય સ્થિરતા સામે જોખમી છે એમ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની નાણાં નીતિની સમીક્ષા બેઠક બાદ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું. ક્રિપ્ટોકરન્સીઝના મૂલ્ય બાબત રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે, તેને કોઈ અન્ડરલાઈંગ નથી, એક તુલિપ પણ નથી. 

ક્રિપ્ટોકરન્સીઝ પાછળના હાલનાં ગાંડપણને તેમણે ૧૭મી સદીના નાણાંકીય બબલ તુલિપ મેનિયાથી પણ ખરાબ ગણાવ્યું હતું. તે વેળાએ કેટલાક લોકોએ નવા નવા આવેલા તુલિપ (એક પ્રકારના ફૂલ)ને મોટી માત્રામાં ખરીદી લીધા હતા,જેને કારણે તેના ભાવ રાતોરાત આસમાને પહોંચી ગયા હતા. એક ટોચ પર પહોંચી ગયા બાદ, તુલિપના ભાવ તૂટી પડયા હતા અને તુલિપના ધારકોએ દેવાળિયું ફુંકાવાનો વારો આવ્યો હતો. તે વેળાનો આ પ્રથમ જ મોટો આર્થિક ધબડકો હતો. ત્યારબાદ આવા પ્રકારના કોઈપણ નાણાંકીય બબલને તુલિપ મેનિઆ તરીકે ગણાવવામાં આવે છે, જેમાં સટોડિયા રાતોરાત નાણાં કમાઈ લેવાની લાલચે વેપાર કરે છે. આમ તેમણે ક્રિપ્ટોકરન્સીઝને એક બબલ હોવાના સંકેત આપ્યા છે. 

નાણાંકીય સ્થિરતાને હાથ ધરવામાં રિઝર્વ બેન્કની ક્ષમતાને પ્રાઈવેટ ક્રિપ્ટો હાનિ પહોંચાડશે.  ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતા રોકાણકારોને ચેતવણી આપતા તેમણે કહ્યું હતું કે, તેઓ આ રોકાણ તેમના જોખમે કરે. આવી એસેટસનું કોઈ પાયાભૂત મૂલ્ય નથી હોતું તેનું રોકાણકારે ધ્યાન રાખવાનું રહેશે.

નાણાં વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટની રજુઆત કરતી વેળા નાણાં પ્રધાન નિર્મલા સીતારામને વર્ચ્યુલ એસેટસ પરના લાભ પર ૩૦ ટકા ક્રિપ્ટો ટેકસ લાગુ કરવાની જાહેરાત કરી હતી. 

ટેકસ વસૂલવાની સરકારની જાહેરાત બાદ રિઝર્વ બેન્કના ગવર્નરનું ક્રિપ્ટો સંબંધમાં આ પ્રથમ નિવેદન આવી પડયું છે જે સરકાર માટે એક સંદેશ ગણી શકાય. 

ક્રિપ્ટોકરન્સીઝમાં રોકાણકારોની સંખ્યાને લઈને પણ ખોટું ચિત્ર ઊભું કરવામાં આવી રહ્યું છે. રિટેલ રોકાણકારોનો ક્રિપ્ટોકરન્સીઝ તરફ વધી રહેલા આકર્ષણને ધ્યાનમાં રાખી ગવર્નરનું આ નિવેદન આવી પડયું છે. ટોચની ૧૦૦ જેટલી ક્રિપ્ટોકરન્સીઝની માકેટકેપ હાલમાં ૨.૮૦ ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ છે.


Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો