ગાંધી-તિલકઃ આદરપૂર્ણ અસહમતિનું આદર્શ ઉદાહરણ


આજે એકબીજાથી જુદા વિચાર ધરાવતા લોકો સોશિયલ મીડિયામાં ગાળાગાળી  પર ઊતરી આવે છે, તેમણે તિલક અને ગાંધીમાંથી શીખવું જોઈએ

પ્રવાહ કરતા જુદો અભિપ્રાય હોવો એ આ જમાનામાં અભિશાપ છે. તમે જુદો મત ધરાવતા હો તો તમારી સાથે અપમાનથી લઈને હત્યા સુધીની કોઈ પણ ઘટના ઘટી શકે છે. બૌદ્ધિક ચર્ચાઓનો, નિખાલસ અસહમતિનો વખત ગયો. આ સમય કેતુ સરીખી મસ્તિષ્ક વિનાની ઉગ્રતાનો છે. આપણા કરતા અલગ વિચાર ધરાવતા લોકોને દેશદ્રોહી ઘોષિત કરવાનો યુગ છે. અત્યારે એક જ નીતિ ચાલે છે.

કાં તો તમે મારી સાથે છો અથવા દેશના ગદ્દાર છો. તમે મારા વિચારનો વિરોધ કરો છો તો જરૂર કોઈ એજન્ડા હશે તમારો? નિખાલસતાપૂર્વક મારા વિચારોનો વિરોધ કઈ રીતે થઈ શકે એવું માનનારાઓનો આ વખત છે. અગાઉ એવું નહોતું. લોકમાન્ય તિલક મહાત્મા ગાંધીના વિચારો સાથે બિલકુલ સહમત થતા નહોતા, પણ બંનેને એકબીજા પ્રત્યે અપાર આદર હતો. વિચારોમાં ઘોર વિરોધાભાસ હોવા છતાં તેઓ ક્યારેય એકબીજા વિરુદ્ધ સોશિયલ મીડિયા કક્ષાની નિમ્નતા પર ઊતર્યા નહોતા.

નવમી જાન્યુઆરી ૧૯૧૫ના રોજ મહાત્મા ગાંધી દિક્ષણ આફ્રિકાથી હંમેશા માટે ભારત આવ્યા. અખબારોમાં તેમના ઇન્ટરવ્યૂ છપાયા. તેમના સ્વાગતમાં કાર્યક્રમો થવા લાગ્યા. ૧૩મી જાન્યુઆરીએ મુંબઈ નેશનલ યુનિયને હીરાબાગમાં મહાત્મા ગાંધી અને કસ્તૂરબા ગાંધીના સ્વાગતમાં એક કાર્યક્રમ આયોજિત કરેલો. આમાં વિશેષ આકર્ષણ એ હતું કે કાર્યક્રમમાં ધૂરંધર રાષ્ટ્રવાદી નેતા બાળગંગાધર તિલક પણ આવ્યા હતા. તેમને નિમંત્રિત કરવામાં નહોતા આવ્યા તોય આવ્યા હતા.

તેમણે પોતાના વક્તવ્યમાં કહ્યું, ગાંધી દંપતીનું સન્માન કરીને અમે અમારા કર્તવ્યનું પાલન કરી રહ્યા છીએ. કારણ કે તેઓ એક દૂરસ્થ દેશમાં ભારતના સમ્માન માટે લડયા છે. શ્રી ગાંધીના જીવન-કાર્યમાંથી એ જ શિક્ષણ મળે છે કે અહીં આત્મ--ત્યાગની ભાવનાથી યુક્ત અધિક સ્ત્રી પુરુષ ઉત્પન્ન થવા જોઈએ. 

એ કાર્યક્રમ વિશે એક અખબારે રીપોર્ટિંગ કર્યું, મહાત્મા ગાંધીનું ભાષણ ફીકું અને ઔપચારિક હતું. હકીકત જરાક જુદી હતી. ગાંધીએ એ ભાષણમાં કહ્યું કે, ભારતમાં ગોપાલકૃષ્ણ ગોખલેને જ મેં મારા રાજકીય ગુરુ પસંદ કર્યા છે. હું પુણે જઈને તિલકની સેવામાં ઉપસ્થિત થઈને તેમના પ્રત્યે આદર વ્યક્ત કરવા માગતો હતો. મુંબઈમાં તેમને મળીને ખૂબ આનંદ થયો.

ઈતિહાસ વાંચ્યો હોય તેમને સુપેરે જ્ઞાાન હશે કે કૉન્ગ્રેસમાં તિલક અને ગોખલે વચ્ચે કેવી ખેંચતાણ હતી. ગોખલે લિબરલ નેતા હતા અને તિલક આક્રમક. કાર્યક્રમમાં એ સમયના દિગ્ગજ ટ્રેડ યુનિયન લીડર જોસેફ બેપ્ટિસ્ટા પણ આવ્યા હતા. તેમનું હુલામણું નામ કાકા બેપ્ટિસ્ટા. તેઓ તિલકની ખૂબ નજીક હતા. તિલકે મરાઠીમાં પ્રસિદ્ધ નારો ઉચ્ચારેલો, સ્વરાજ્ય હા માઝા જન્મસિદ્ધ અધિકાર આહે, આણિ તો મી મિલવણારચ. તેમનો આ નારો બેપ્ટિસ્ટાથી પ્રેરિત હતો. સૌથી પહેલા બેપ્ટિસ્ટાએ વિધાન કરેલું, ફ્રીડમ ઇઝ માય બર્થરાઇટ. 

તિલકે એનિ બેસન્ટ સાથે મળીને ઇંડિયન હોમ રુલ લીગ બનાવી હતી તેના પ્રથમ અધ્યક્ષ કાકા બેપ્ટિસ્ટા જ હતા. ગાંધીના સ્વાગત કાર્યક્રમમાં બેપ્ટિસ્ટાએ કહ્યું, જ્યાં સુધી શ્રી ગાંધી સત્ય અને આત્મસમ્માનના આદર્શોને વરેલા છે. જ્યાં સુધી તેઓ દૃઢપણે તેને વળગી રહેશે ત્યાં સુધી તેઓ કોને ગુરુ બનાવે છે તેનાથી કોઈ ફરક પડતો નથી.

તિલક અને ગાંધીની એ પહેલી મુલાકાત નહોતી. ૨૦ વર્ષ પહેલા ૧૮૯૬માં તેઓ છ મહિના માટે દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા હતા. ત્યારે પણ પુણેમાં બંનેની મુલાકાત થઈ ચૂકી હતી. ત્યારે ગાંધીની ઉંમર કેવળ ૨૭ વર્ષ હતી. તિલક ૪૦ વર્ષના હતા. એ મુલાકાતનું વર્ણન ગાંધીએ તેમની આત્મકથામાં આ પ્રમાણે કર્યું છે, મુંબઈથી હું પુણે ગયો. મને ખબર છે કે પુણેમાં બે દળ હતા. (તિલકનું ગરમ દળ, ગોખલેનું નરમ દળ) મને બધાની મદદની જરૂર હતી. તિલકે મને કહ્યું, બધા પક્ષોની મદદ લેવાનો તમારો વિચાર સારો છે.

આપના મામલે કોઈ મતભેદ ન હોઈ શકે, પરંતુ તમારા માટે તટસ્થ સભાપતિ જોઈએ. તમે પ્રોફેસર ભંડારકરને મળો. આજકાલ તેઓ એકેય આંદોલનમાં જોડાતા નથી, પરંતુ શક્ય છે કે તમારા માટે તેઓ આગળ આવે. તેમને મળ્યા પછી આપ મને પરિણામથી અવગત કરજો. હું આપની પૂરી મદદ કરવા માગું છું. તમે પ્રોફેસર ગોખલેને તો મળો જ. સાથોસાથ મારી પાસે આવવા ચાહો ત્યારે પણ નિઃસંકોચ આવો. 

ગાંધીજીએ લખ્યું છે, લોકમાન્ય સાથેની આ મારી પહેલી મુલાકાત હતી. હું તેમની લોકપ્રિયતાનું કારણ તરત સમજી ગયો. (ગોખલે અને તિલક જીવનભર એકબીજાના વિચારોના ઘોર વિરોધી રહ્યા, પણ જાહેરમાં એકબીજાની આબરુના ચીથરા ઉડાવતા વિધાનો ક્યારેય નહોતા કરતા. તેમનામાં જે વિવેક હતો તે આજની રાજનીતિમાંથી લાપતા છે.)

કાકા કાલેલકરે લખ્યું છે, ઘણા બધા મિત્રોએ જિદ કરતા ગાંધી અને તિલક વચ્ચે (૧૯૧૫માં) બીજી મુલાકાત યોજાઈ. બંનેને એકાંતમાં વાતચીતનો અવસર આપવામાં આવ્યો. મુલાકાત બાદ તિલકે પોતાના નજીકના દોસ્ત ગંગાધરરાવને કહ્યું, આ માણસ આપણામાંનો નથી. તે બિલકુલ અલગ રસ્તે ચાલે છે અને દરેક બાબતે સાચો છે. તે ભારતને નુકસાન ન પહોંચાડી શકે. આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે તેને પ્રતિકુળ પડે એવું કોઈ કામ ન કરીએ.

૧૧મી જુલાઈ ૧૯૧૫ના રોજ પુણેમાં ગાંધી અને તિલક વચ્ચેની મુલાકાત અખબારોમાં ચર્ચાનો વિષય બની ગઈ. પત્રકારો ગાંધીને નરમ અને ગરમ દળ વચ્ચે સુમેળ સ્થાપવાનો પ્રયત્ન કરતા મધ્યસ્થિ તરીકે ચીતરવામાં આવ્યા. તિલક અપસેટ થઈ ગયા. તેમને થયું કે આ મુલાકાતનું વિવરણ પ્રકાશિત કરવું જોઈએ. આ માટે તેમણે ગાંધીજીને પત્ર લખીને અનુમતિ માગી. ગાંધીએ ઇનકાર કર્યો. ૧૫મી જુલાઈ ૧૯૧૫ના રોજ જવાબી પત્ર લખ્યો, તમારી સાથેની મારી મુલાકાતના સંબંધમાં મારા નામનો ઉપયોગ કરવાની પરવાનગી મેં કોઈને આપી નથી. તમે જે વાતોનો ઉલ્લેખ કર્યો છે તે વિશે મેં કશું વાંચ્યું પણ નથી.

આપણી વાતચીત વ્યક્તિગત હતી અને વ્યક્તિગત જ રહેવી જોઈએ. મુલાકાત માટે તમે મોકલેલો મુસદ્દો કદાચ આની સાથે ન્યાયસંગત નીવડશે નહીં. મેં એમ પણ નથી કહ્યું કે હું કૉન્ગ્રેસ તરફથી કે તેમના દ્વારા આપવામાં આવેલા અધિકારના આધાર પર કામ કરું છું.  હું તો કેવળ મિત્રોના કહેવાથી એક મિત્ર અને પ્રશંસક તરીકે તમારી પાસે આવ્યો હતો. હું અખબારી વિવાદોમાં પડવા માગતો નથી. આશા છે કે તમે મારી ઈચ્છાનું માન રાખશો અને આપણી મુલાકાતનું વિવરણ કદાપિ પ્રકાશિત કરશો નહીં.

આ ઘટનાના ૧૦ વર્ષ પહેલા ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ કરીને જેલમાં જવાનું નક્કી કર્યું તેમાં બેશક તિલક પ્રેરણાસ્રોત હતા. ઇસ ૧૯૦૬માં અંગ્રેજોએ એશિયાટિક લોમાં સુધારો કરી બીજા એશિયનોની જેમ ભારતીયો માટે પણ રજીસ્ટ્રેશન ફરજિયાત કરી નાખ્યું હતું. આ કાયદામાં એવી જોગવાઈઓ હતી જે ભારતીયોના જીવન પર નકારાત્મક અસર પાડી રહી હતી. તેના વિશે તેમણે ઇંડિયન ઑપિનિયનમાં એક લેખ લખી સંગઠીત આંદોલનની શરૂઆત કરી. 

આંદોલનમાં કેવી રીતે આગળ વધવું એ વિશે સહુ ગડમથલમાં હતા. દરમિયાન તિલકે ભારતમાં એવું નિવેદન કર્યું કે અહીં આવો કોઈ કાનૂન લાગુ થશે તો લોકોએ આ કાનૂનનું ઉલ્લંઘન કરીને જેલ જવા તૈયાર રહેવું જોઈએ.  ગાંધીજીને આ વિધાન સ્પર્શી ગયું. મારગ મળી ગયો. તેમણે તેમના ભાષણોમાં વારંવાર તિલકના નિવેદનનો ઉલ્લેખ કર્યો.

૧૯૦૮માં તિલકેને ખરેખર જેલમાં જવાનું થયું, પણ કોઈ બીજા કારણસર. ૩૦મી એપ્રિલ ૧૯૦૮ના રોજ પ્રફુલ્લ ચાકી અને ખુદીરામ બોઝે મુઝફ્ફરપુરમાં જજ કિંગ્સફોર્ડની હત્યા કરવાના ઇરાદે તેમની ઘોડાગાડી પર બોમ્બ ફેંક્યો. કિંગ્સફોર્ડ તેમાં સવાર નહોતા એટલે બચી ગયા અને તેમના સ્થાને બે બ્રિટિશ મહિલાઓનું મૃત્યુ થયું. ગાંધીજીએ આ હિંસક પદ્ધતિની આલોચના કરી હતી, સાથોસાથ આના માટે બ્રિટિશ હુકૂમત સામે ઉપજેલા અસંતોષને પણ જવાબદાર ઠરાવ્યો હતો.

તિલકે કેસરીમાં આ વિશે બે આર્ટીકલ લખ્યા. તેમણે પર હિંસક પદ્ધતિની ટીકા કરી હતી, કિન્તુ બંગાળના ક્રાંતિકારી દળના ઉત્સાહની પ્રશંસા કરી હતી. તેમણે સ્વરાજને જ સમસ્યાનું એકમાત્ર સમાધાન ગણાવ્યું હતું. તેમણે પત્રકારત્વ કાનૂન દ્વારા જનમત દબાવવાની બ્રિટિશ સરકારની કોશિશની પણ ઝાટકણી કાઢી હતી. હિંદુ ધર્મનું તિલકને જેટલું જ્ઞાાન હતું એટલું એ સમયમાં કદાચ કોઈને નહોતું. તિલક જે ઝનૂનથી પ્રેસ ફ્રીડમ માટે લડયા છે એવી લડત દેશના એક પણ મહાપુરુષે ચલાવી નથી. આજે પ્રછન્ન અને પ્રગટ બંને સ્વરૂપે પ્રેસ ફ્રીડમ પર જે હુમલા થઈ રહ્યા છે તે જોઈને તિલક સર્વાધિક દુઃખી થાત.

ઉપર કહ્યા એ બંને લેખ માટે તિલક વિરુદ્ધ બે અલગ-અલગ વોરન્ટ નીકળ્યા. તેમની ધરપકડ થઈ. તેમની વિરુદ્ધ રાજદ્રોહનો કેસ ચલાવવામાં આવ્યો. જ્યુરીએ તેમને સાત વિરુદ્ધ બે મતથી દોષિત જાહેર કરી તેમને રાજદ્રોહની સજા ફટકારી.

તિલકને સજા ફટકારાતા ગાંધીએ ઇંડિયન ઑપિનિયનમાં તેમના વિશે લેખ લખી તેમની વિદ્વતા અને બહાદૂરીની ભરપૂર પ્રશંસા કરી હતી. સાથોસાથ ક્રાંતિકારીઓની હિંસક પદ્ધતિ સફળ થવા અંગે આશંકા પણ વ્યક્ત કરી હતી. ગાંધી અને તિલક વચ્ચે ઘણા બધા મુદ્દે મતભેદ હતા. પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતે સામેલ થવું જોઈએ તે વિશે બંને સહમત હતા, પરંતુ તિલક બ્રિટિશ હુકૂમતની સામે સ્વરાજ્યની શરત રાખવા માગતા હતા. સત્યાગ્રહના મહત્ત્વને સ્વીકારતા હોવા છતાં આ મુદ્દે બેયનો દૃષ્ટિકોણ ભિન્ન હતો. 

૨૫મી ઓગસ્ટ ૧૯૧૮ના રોજ તેમણે તિલકને એક પત્રમાં લખ્યું, કૉન્ગ્રેસમાં જોડાવાનો મારો કોઈ ઈરાદો નથી. નરમ દળના સંમેલનમાં જવાનો પણ ઈરાદો નથી. મને લાગે છે કે મારા વિચારો બંને દળથી અલગ છે. જો તમે અને શ્રીમતી બેસન્ટ મારા વિચારોને સ્વાકારી લેશો તો પણ હું જે રીતે લડવા માગું છું એ રીતે તમે લડી શકશો નહીં. શ્રીમતી બેસન્ટે કહી દીધું છે કે તેઓ સત્યાગ્રહી નથી અને તમે સત્યાગ્રહનો સ્વીકાર તો કરો છો, પણ દુર્બળોના એક હથિયાર તરીકે.

મૃત્યુના ત્રણ મહિના પહેલા તિલક પહેલી મે ૧૯૨૦ના રોજ ગાંધીને મળવા સિંહગઢ પહોંચ્યા હતા. પોતાની ચિર-પરિચિત સ્પષ્ટતા સાથે તેમણે ગાંધીને કહ્યું, જુઓ, હું તમારી જેમ સહિષ્ણુ નથી. હું ઇંટનો જવાબ પથ્થરથી આપવામાં માનું છું. 

તિલકના નિધન પર ગાંધીજીએ યંગ ઇંડિયામાં લખ્યું, તેઓ જનતાનું અભિન્ન અંગ હતા. જનતા પર જેટલો પ્રભાવ તેમનો હતો એટલો આપણા યુગમાં બીજી કોઈ વ્યક્તિનો નહોતો. નિશંક તેઓ જનતા માટે આરાધ્ય હતા. હજારો લોકો માટે તેમના શબ્દો જ કાનૂન હતા. વાસ્તવમાં આપણી વચ્ચેથી એક મહામાનવ ઊઠીને જતો રહ્યો છે. સિંહની ગર્જના મૌન થઈ ગઈ છે.

આજે અવી નિખાલસ અસહમતિ દુર્લભ છે.

આજની નવી જોક

છગન (મગનને)ઃ જમાનો બહુ બદલાઈ ગયો છે, યાર.

મગનઃ કેમ?

છગનઃ પહેલા લોકો વાતો કરીને એકબીજાને મેણા મારતા હતા. અને હવે તો સ્ટેટસ અને ગુડ મોર્નિંગ મેસેજથી જ કામ ચલાવી લે છે.

મગનઃ હેં!?

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો