વરસાદ ખેંચાતા મંદીની પકડ વધુ મજબૂતાઇ વાળી બનશે


વરસાદની હાથ તાળીએ લોકોના જીવ ઉંચા કરી દીધા છે. કહે છે કે વરસાદને વિનવવાના પ્રયાસોમાં કચાશ જોવા મળે છે. જો પર્યાવરણની રક્ષા થઇ હોત તો વરસાદ તેના ઋતુ ચક્ર પ્રમાણે વરસત. પરંતુ માનવ સમુદાય સ્માર્ટનેસ બતાવવા ગયો અને અટવાયો છે. ચાર દિવસ પછી શ્રાવણ માસ બેસે છે. શ્રાવણમાં પાછોસરનો વરસાદ એટલેકે સરવરીયાં જોવા મળે છે. હાલમાં જે છૂટા છવાયા ઝાપટાં પડે છે તે માંડ દોઢ-બે ઇંચના હોય છે. મોસમનો કુલ વરસાદ તો ત્રણ મોસમનો ભેગો થાય ત્યારે ગણાય એવી સ્થિતિ છે. 

 હવે પાછોસરને વરસાદ પડે તો પણ તે ખેતીને લાયક નહીં હોય કેમકે વરસાદી પાણીના અભાવે ખેતી ઉજ્જ્ડ બની ગઇ છે. વરસાદી પાણીની કૃપા પર આધારીત ખેતી કરનારા માટે તો સિઝન ફ્લોપ ગઇ છે. મેઘરાજાએ દેશને બે બાગમાં વહેંચી દીધો છે. એક ભાગ વરસાદ બંધ થાય તે માટે સતત પ્રાર્થના કરે છે તો બીજો ભાગ વરસાદ આવે તે માટે પ્રાર્થના કરે છે. એમ લાગે છે કે ઉપર જઇને બંને પ્રાર્થના ભટકાય છે અને સ્થિતિ જૈસે-થે રહે છે. 

 વરસાદે માનવ જીવનને ગૂંગળાવાનું શરું કર્યું છે. તળના પાણી ખેંચાઇ ગયા છે. ઉનાળામાં અનેક બોર ઉંડા કરવા પડે એવું બની શકે છે. આવી દરેક સ્થિતિની અસર અર્થ તંત્ર અને મોંઘવારી પર પડશે. સરકાર આવક શોધવા ફાંફા મારે છે તો જાવક મ્હોં ફાડીને સામી ઉભી છે. 

મોદી સરકારની બીજી ટર્મમાં શરુઆતથી જ અનેક પડકારો સામે આવી ગયા છે. સોરોે અને સંતોષકારક વરસાદ હવે ભૂતકાળ બની જશે એમ લાગી રહ્યું છે.

ચેામાસાને આપણે ગીત ગઝલ અને શાયરી સાથે જોડી દીધું છે પરંતુ તેને આર્થિક તંત્ર સાથે જોડવાની જરુર હતી. ચોમાસાને મનોરંજન સાથે જોડી દેવાની ભૂલ કરાઇ છે. કેમકે તમામ તહેવારો બજારોમાં ફરતો પૈસો ચોમાસા પર  આધારીત છે. આ વખતના તહેવારો મોંઘવારી હેઠળ પસાર થવાના છે. તહેવારોને એવી રીતે ગોઠવાયા છે કે સતત દિવાળી સુધી પૈસો ફરતો રહે. જે ભાગમાં સખત્ત વરસાદ છે ત્યાં પુરના પાણીએ જમીનો ધોઇ નાખી છે અને જ્યાં વરસાદ નથી ત્યાં લોકો કોઇ પાક લઇ શક્યા નથી કેમકે જમીન સાવ સૂક્કી ભઠ્ઠ બની ગઇ છે.

સરકારે વિદેશી રોકાણોની સાથે સાથે સ્થાનિક રોકાણો પર પણ ભાર મુકવાની જરુર છે. શેર બજાર નબળાઇ બતાવી રહ્યું છે તેની પાછળનું એક કારણ નબળો વરસાદ પણ છે. સ્થાનિક રોેકાણોનો આધાર સારા ચોમાસા પર પણ છે. આર્થિક ચક્ર એવી રીતે ગોઠવાયું છે કે ચોમાસુ સારું જાય તો બજારોમાં પૈસો ફરતો થાય અને લોકો થોડી બચત કરી શકે. આ બચતમાંથી તે રોકાણ પણ કરી શકે છે. 

વિદેશના રોકાણકારો કોઇ ઉત્સાહ નથી બતાવતા અને સ્થાનિક રોકાણકારો ઓછો વરસાદ અને મંદીના માહોલથી ભયભીત છે. મધ્યમવર્ગના રોકાણકારો શેરબજારથી દાઝેલા છે. 

તે પોતાના પૈસા સોનામાં રોકતો થઇ ગયો છે. આમ સરકાર જે તગડા રોકાણની અપેક્ષા રાખતી હતી તે પુરી થાય એમ લાગતું નથી. અર્થતંત્રના પાયામાં કુદરતની મહેરબાની રહેલી છે એમ આપણે કહેતા આવ્યા છીએ પરંતુ તે મહેરબાની એેટલે નિયમિત સંતોષકાર વરસાદ તે આપણે ભૂલી ગયા છીએ. જેવું ઋતુ ચક્ર તૂટયું કે તરત આર્થિક ચક્ર ડામોડોળ થવા લાગ્યું હતું.

ખેંચાતા વરસાદે પૃથ્વી પરના તમામ જીવોને બાનમાં લીધા છે. ગ્લોબલ વોર્મિંગને સમજવામાં મનુષ્ય નિષ્ફળ ગયો છે. કુદરતના ગણિતને પોતાના ગણિત પ્રમાણે સમજવા ગયેલો માનવ લાચાર બની ગયો છે. સરકાર પાંચ ટ્રિલીયન અમેરિકી ડોલરની ઇકોનોમી બનવાનું સપનું સેવી રહી છે ત્યારે ઋતુ પ્રમાણેના સંતોષકારક વરસાદની પણ જરુર છે. જો કુદરતી વાતાવરણ સાથ આપે તો જ  આ સપનું સિધ્ધ થઇ શકે છે.

વરસાદ સાથેનો રોમાંસ અને રોમાંચ બંને ખતમ થઇ ગયા છે હવે તેના પગલે ઉભી થઇ રહેલી ભયાનક સ્થિતિની ચિંંતા છે. એક તરફ મંદીની પકડ વધી રહી છે તો બીજી તરફ વરસાદ ખેંચાઇ ગયો છે .

પૃથ્નીનું વાતાવરણ ગરમ બની રહ્યું છે. પર્યાવરણની સાથે સૌથી વધુ દુશ્મનાવટ માનવ સમુદાયે કરી છે. માનવ સમુદાયની ભૂલોનો ભોગ પૃથ્વી પરના તમામ જીવો બની રહ્યા છે. 

હવે યાદ રહે કે મોંઘવારી વધશે લોકોમાં ઉચાટનું પ્રમાણ પણ વધશે અને રોકાણેા ઘટશે. પુરગ્રસ્ત વિસ્તારોને બેઠા થતા છ મહિના થશે. મેધરાજા રીસાયા પણ છે અને વિનાશ પણ વેર્યો છે.

પ્રસંગપટ

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો