કર્ણાટકના નાટકના નવા અંકનો પ્રારંભ
- કર્ણાટકના સત્તાપલટાના નાટકના કેટલાં અંક હશે એ તો કોઇ જાણતું નથી અને હાલ તો યેદિયુરપ્પાએ મુખ્યમંત્રીનો તાજ ધારણ કરી લીધો છે પરંતુ એ તાજ તેમના શિરે કેટલો વખત ટકશે એ કહેવું મુશ્કેલ છે

કર્ણાટકમાં બી.એસ. યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ રાજ્યમાં ફરી વખત ભાજપનું કમળ ખીલી ગયું છે. રાજ્યમાં ચૌદ મહિના જૂની જેડીએસ-કોંગ્રેસની ગઠબંધન સરકારનું પતન થઇ ચૂક્યું છે. યેદિયુરપ્પાએ ૨૯ જુલાઇએ ગૃહમાં બહુમતિ સાબિત કરવાની છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરનારા બુકાનકેરે સિદ્ધાલિંગપ્પા યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે ચોથી વખત શપથગ્રહણ કર્યાં છે. જોકે અગાઉની ત્રણ વખત તેમને પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરવાનું સુખ પ્રાપ્ત થયું નહોતું. યેદિયુરપ્પા પહેલી વખત ૨૦૦૭માં મુખ્યમંત્રી બન્યાં હતાં પરંતુ માત્ર એક અઠવાડિયા માટે.
એ પછી ૨૦૦૮માં તેમણે ફરી વખત મુખ્યમંત્રીની ગાદી હાંસલ કરી અને ત્રણ વર્ષ સુધી તેના પર હક જમાવી પણ રાખ્યો પરંતુ ભ્રષ્ટાચારના આરોપો લાગતા છેવટે તેમણે રાજીનામુ આપવું પડયું. ૨૦૧૮ની વિધાનસભાની ચૂંટણી બાદ પણ યેદિયુરપ્પાએ ઉતાવળે મુખ્યમંત્રી તરીકે શપથ લઇ લીધાં હતાં પરંતુ બહુમતિ ન હોવાના કારણે બે જ દિવસમાં રાજીનામુ આપવાનો વારો આવ્યો હતો.
જોવા જેવી વાત છે કે ભાજપના નવા નેતૃત્ત્વએ પક્ષમાં સક્રિય રહેવા માટે ૭૫ વર્ષની વયમર્યાદા નક્કી કરી છે પરંતુ યેદિયુરપ્પા એમાં પણ અપવાદ છે. એલ.કે. અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા ભાજપના પાયારૂપ રહેલા નેતાઓને ઉંમરનું કારણ ધરીને પહેલાં માર્ગદર્શક મંડળમાં મોકલી દેવામાં આવ્યાં અને પછી રાજકારણમાંથી જ વિદાય આપી દેવામાં આવી. યેદિયુરપ્પાથી બે જ વર્ષ મોટા કલરાજ મિશ્ર પાસેથી ઉંમરને આગળ ધરીને મંત્રીપદ લઇ લેવામાં આવ્યું.
ગત લોકસભામાં સ્પીકર રહેનાર સુમિત્રા મહાજન તો યેદિયુરપ્પા કરતા પણ ઉંમરમાં બે મહિના નાના છે તેમ છતાં તેમને આ વખતની ચૂંટણીમાં ટિકિટ ન આપવામાં આવી. આ તો માત્ર થોડા ઉદાહરણ છે જેમની સાથે ભાજપના વર્તમાન નેતૃત્ત્વએ ઉંમરને ધ્યાનમાં રાખીને વ્યવહાર કર્યો છે. જોકે છોત્તેર વર્ષ વટાવી ચૂકેલા યેદિયુરપ્પાને ભાજપે તાણેલી વયમર્યાદા નડતી નથી.
યેદિયુરપ્પાને ઉંમરનું બંધન ન નડવા પાછળ તેમના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના મધુર સંબંધો કારણભૂત હોવાનું કહેવાય છે. જોકે હકીકત એ પણ છે કે કર્ણાટકમાં જે રીતે ભાજપે ઓપરેશન કમળ દ્વારા કોંગ્રેસ-જેડીએસની સરકાર ઉથલાવીને સત્તા હાંસલ કરી છે એ પરિસ્થિતિમાં માત્ર યેદિયુરપ્પા જ મુખ્યમંત્રી તરીકેનો વિકલ્પ હોઇ શકે છે.
યેદિયુરપ્પાની મુખ્યમંત્રીપદ પામવાની મહેચ્છા જ એટલી પ્રબળ છે કે જો તેમના સ્થાને બીજા કોઇને મુખ્યમંત્રીની ગાદી માટે પસંદ કર્યા પણ હોત તો યેદિયુરપ્પાના રહેતા એ વધારે સમય એ ગાદી પર ટકી શક્યા ન હોત. ૨૦૧૨માં ભ્રષ્ટાચારના આરોપોના કારણે યેદિયુરપ્પાએ ભાજપ હાઇકમાન્ડના દબાણને વશ થઇને મુખ્યમંત્રીપદ ત્યાગવું પડયું હતું ત્યારે તેઓ એ હદે નારાજ થઇ ગયાં હતાં કે ભાજપથી છેડો પાડીને કર્ણાટક જનતા પક્ષ નામની નવી રાજકીય પાર્ટી જ ઊભી કરી દીધી હતી.
ભલે યેદિયુરપ્પાએ ભાજપની વયમર્યાદાને અંગુઠો બતાવીને મુખ્યમંત્રીપદ હાંસલ કરી લીધું હોય પરંતુ તેમની સામે યક્ષપ્રશ્ન તો વિધાનસભામાં બહુમતિ સાબિત કરવાનો છે. કદાચ આ ગડમથલના કારણે જ ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ કુમારસ્વામી સરકારનું પતન થયા બાદ સરકાર રચવાનો દાવો રજૂ કરવામાં ઉતાવળ નહોતી કરી.
જોકે ગુરુવારે સવારે જ યેદિયુરપ્પાને કર્ણાટકમાં સરકાર રચવા માટેનું ગ્રીન સિગ્નલ મળી ગયા બાદ તેમણે તાત્કાલિક રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કરીને એ જ સાંજે મુખ્યમંત્રી તરીકેના શપથગ્રહણ પણ કરી લીધા. આ બંને ઘટનાઓ વચ્ચે યેદિયુરપ્પાને વિધિવત્રીતે ભાજપના ધારાસભ્યોના નેતા તરીકે પસંદ કરવાની વિધિ વિસરાઇ ગઇ.
આ બધા વચ્ચે સત્તાના આ નાટકમાં સૌથી રસપ્રદ રોલ તો વિધાનસભાના સ્પીકર કે.આર. રમેશકુમાર નિભાવી રહ્યાં છે. સત્તાપલટાનું આ નાટક જેમના કારણે શરૂ થયું એ ૧૭ બળવાખોર ધારાસભ્યોનું ભાવિ સ્પીકરના હાથમાં છે. મજાની વાત છે કે સ્પીકર કે.આર. રમેશકુમાર જાણે કે શતરંજની કોઇ સોગઠી રમતા હોય એમ ત્રણ ધારાસભ્યોને અયોગ્ય ઠરાવી ચૂક્યાં છે અને બાકી રહેલાં ૧૪ ધારાસભ્યો અંગે પણ નજીકના ભવિષ્યમાં નિર્ણય લેવાના છે. હાલ કર્ણાટકના વિધાનસભાગૃહમાં ભાજપના હાથમાં ૧૦૬ ધારાસભ્યો છે તો કોંગ્રેસ-જેડીએસના પક્ષમાં ૯૯ ધારાસભ્યો છે જ્યારે ૧૩ ધારાસભ્યોની કિસ્મત સ્પીકરની મુઠ્ઠીમાં બંધ છે.
આ ચિત્ર પ્રમાણે હાલ તો ભાજપની સ્થિતિ મજબૂત જણાય છે. બે અપક્ષ ધારાસભ્યોએ શક્તિપ્રદર્શનમાં ભાગ લીધો નહોતો અને તેઓ અગાઉથી ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી ચૂક્યાં છે. સ્પીકર પાસે બાકી રહેલા ૧૪ ધારાસભ્યોને પણ પક્ષપલટા કાયદાનો હવાલો આપીને અયોગ્ય જાહેર કરી શકે છે. બળવાખોર ધારાસભ્યો માટે અગોગ્ય સાબિત થયા કરતા રાજીનામાનો સ્વીકાર થવો વધારે મહત્ત્વનો છે કારણ કે જો તેઓ અયોગ્ય સાબિત થાય તો આગામી વિધાનસભાની ચૂંટણી સુધી તેઓ મંત્રીપદ મેળવી શકે નહીં.
સીધી વાત છે કે જે ધારાસભ્યોએ બળવો કરીને રાજીનામા આપ્યાં છે તેમણે ભાજપની સરકારમાં મંત્રીપદ કે અન્ય લાભ લેવાની ગણતરી રાખી જ હશે. હવે જો સ્પીકર તેઓને અયોગ્ય જ ઠરાવી દે તો તેમની બધી ગણતરીઓ પર પાણી ફરી વળે. એક અંદાજ એવો પણ છે કે સ્પીકર રમેશકુમાર બાકી રહેલા ધારાસભ્યોને અયોગ્ય ઠરાવવાના બદલે તેમના રાજીનામા મંજૂર પણ કરી લે જેથી કરીને તેમને મંત્રીપદ આપવા ભાજપની મજબૂરી બની જાય. જો એવું થાય તો ભાજપની અંદર પણ અસંતોષ જાગે અને જૂથબાજી શરૂ થઇ જાય. આમ પણ બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય ઠરાવવામાં આવ્યાં તો કોંગ્રેસની શાખને જ ડાઘ લાગે એમ છે અને પ્રજાનો પણ તેના ઉમેદવારોમાંથી વિશ્વાસ ઉઠી જાય એમ છે.
એકંદરે જોતાં અત્યારના નાટકમાં સ્પીકર રમેશકુમારની ભૂમિકા ભાજપને ખલનાયક જેવી ભાસી રહી છે. એટલા માટે જ ભાજપે તેમને સ્પીકરપદેથી દૂર કરવાના ચક્રો ગતિમાન કરી દીધાં છે. રમેશકુમાર હવે બીજું કોઇ પગલું ઉઠાવીને ભાજપને તકલીફમાં મૂકે એ પહેલાં તેમને સ્પીકરપદેથી દૂર કરવા માટે વહેલામાં વહેલી તકે દૂર કરવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેશે એવું સંભળાય છે.
જોકે બંધારણ મુજબ સ્પીકરને તેમના પદેથી દૂર કરવા માટે બહુમતિથી ઠરાવ પસાર કરવો આવશ્યક છે. વળી એ ઠરાવ પસાર કરતા પૂર્વે સ્પીકરને ૧૪ દિવસનો નોટિસ પિરિયડ પણ આપવો પડે. જોકે ભાજપ માટે એ રાહતની વાત રહેશે કે નોટિસ પીરિયડ દરમિયાન સ્પીકરની સત્તા મર્યાદિત થઇ જતાં તે ધારાસભ્યોને અયોગ્ય નહીં ઠરાવી શકે.
દરમિયાન ભાજપ માટે રાહતના સમાચાર જેડીએસ તરફથી આવી રહ્યાં છે. જેડીએસના કેટલાંક ધારાસભ્યો ભાજપની સરકારને બહારથી ટેકો આપવાના પક્ષમાં છે. જોકે આ મુદ્દે જેડીએસમાં જ બે ભાગ પડી ગયા હોવાનું કહેવાય છે. સત્તામાંથી બહાર થયાને હજુ એક સપ્તાહ પણ થયું નથી ત્યાં જેડીએસની અંદરનો આ વિખવાદ અચંબિત કરે એવો છે.
હાલ તો આ મામલે અંતિમ નિર્ણય કુમારસ્વામી કરશે એવું નક્કી કરવામાં આવ્યું છે પરંતુ એવું પણ બને કે જેડીએસમાં હજી પણ ફૂટ પડે અને વધારે ધારાસભ્યો બળવો પોકારીને ભાજપ સાથે જોડાઇ જાય. અને કદાચ જેડીએસ યેદિયુરપ્પા સરકારને બહારથી ટેકો આપવાનો વિકલ્પ પસંદ કરે તો પણ તેમના ભરોસો વિધાનસભાનો બાકી રહેલો કાર્યકાળ પૂરો કરવો યેદિયુરપ્પા માટે અગ્નિપરીક્ષા સમાન નીવડે એમ છે. યેદિયુરપ્પા માટે આદર્શ પરિસ્થિતિ એ જ છે કે બળવાખોર ધારાસભ્યોની ખાલી પડેલી બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીમાં ભાજપ સપાટો બોલાવે અને ગૃહમાં બહુમતિ મળી જાય એટલી બેઠકો હાંસલ કરી લે.
ખરેખર તો બહુમતિમાં રહેલી સરકારને રાજીનામાની ચાલ દ્વારા લઘુમતિમાં લાવી દેવાનું જે મલિન રાજકારણ શરૂ થયું છે એ લોકશાહી માટે ભારે જોખમરૂપ નીવડવાનું છે અને આ પ્રકારનું રાજકારણ અંતે તો મતદારને ઠગવા સમાન જ છે. કર્ણાટકના સત્તાના નાટકના કેટલાં અંક બાકી છે એ તો કોઇ જાણતું નથી અને હાલ તો કર્ણાટકની ગાદી માટે સદાય તરસતા યેદિયુરપ્પાએ ચોથી વખત મુખ્યમંત્રીનો તાજ ગ્રહણ તો કરી લીધો છે પરંતુ એ તાજ તેમના શિરે કેટલો વખત રહેશે એ કહેવું મુશ્કેલ છે.
Comments
Post a Comment