રામ મંદિર પરિસરમાં 6 અન્ય મંદિરો પણ બનાવાશે, ભક્તો આવતીકાલથી કરી શકશે રામલલાના દર્શન

Ayodhya Ram Mandir Darshan Timings And Pass Booking : 500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે. ગર્ભગૃહમાં રામલલાની 51 ઈંચની મૂર્તિ સ્થાપવામાં આવી છે. મૂર્તિને મૂર્તિકાર અરૂણ યોગીરાજ દ્વારા શાલીગ્રામ પથ્થરથી બનાવાઈ છે. આ મૂર્તિને ધાર્મિક ગ્રંથો અને શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુનું સ્વરૂપણ પણ માનવામાં આવે છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સંબોધનની શરૂઆત ‘સિયાવર રામચંદ્ર કી જય’થી કરી હતી. તેમણે કહ્યું કે, ‘આજે આપણા રામ આવી ગયા છે. સદીઓની પ્રતિક્ષા કર્યા બાદ રામ આવ્યા છે. સદીઓનું અભૂતપૂર્વ ધૈર્ય, અગણિત બલિદાન, ત્યાગ અને તપસ્યા બાદ આપણા પ્રભુ રામ આવી ગયા છે. તમામ દેશવાસીઓને આ શુભ અવસરના ખુબ ખુબ અભિનંદન’ દરમિયાન રામ મંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થઈ ગઈ છે, પરંતુ હવે આગળ શું થશે? મંદિરમાં દર્શન ક્યારથી કરી શકાશે? તો જાણીએ આ અંગેની સંપૂર્ણ વિગત...

મંદિરમાં ક્યારથી દર્શન કરી શકાશે?

શ્રદ્ધાળુઓ માટે આવતીકાલ 23 જાન્યુઆરી રામ મંદિર ખોલી દેવામાં આવશે. દૈનિક દોઢ લાખ શ્રદ્ધાળુઓ આવવાનું અનુમાન છે, તેથી રામલલાના દર્શન માટે શ્રદ્ધાળુઓને 15થી 20 સેકન્ડનો જ સમય મળશે.

ક્યારે કરી શકાશે દર્શન?

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વેબસાઈટમાં જણાવ્યા મુજબ મંદિરને સવારે અને સાંજે 9 કલાકે દર્શન માટે ખોલવામાં આવશે. સવારે 7થી 11.30 સુધી અને બપોરે 2થી સાંજે 7 વાગ્યા સુધી દર્શન કરી શકાશે.

આરતીનો સમય

વેબસાઈટમાં જણાવ્યા મુજબ સવારે 6 કલાકે અને સાંજે 7 કલાકે આરતી થશે. સવારની આરતીમાં જોડાવા પહેલા બુકિંગ કરાવવું પડશે. સાંજની આરતી માટે પણ તે જ દિવસે બુકિંગ કરાવવાનું રહેશે.

આરતી માટે બુકિંગ કેવી રીતે કરાવશો?

આરતીનો લાભ લેવા માટે પાસ આપવામાં આવશે. આ પાસ શ્રીરામ જન્મભૂમિના કેમ્પ ઓફિસમાંથી મેળવી શકાશે. પાસ આરતી શરૂ થવાના અડધો કલાક પહેલા મળશે. સરકારી આઈડી પ્રૂફ દેખાડ્યા બાદ જ પાસ અપાશે. ટ્રસ્ટની વેબસાઈટ પર જઈને પણ પાસની નોંધણી કરાવી શકાશે.

શું તમામને મળશે પાસ?

આરતી પાસ સેક્શનના મેનેજર ધ્રુવેશ મિશ્રાએ સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, પાસ ફ્રીમાં જારી કરવામાં આવશે. એક સમયની આરતી માટે હાલ 30 લોકોને જ પાસ અપાશે, ત્યારબાદ સંખ્યામાં વધારો કરવામાં આવી શકે છે.

મંદિરની કામગીરી ક્યારે પૂર્ણ થશે?

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે, આ વર્ષે મંદિર સંપૂર્ણ તૈયાર થઈ જશે. આવતીકાલ 23 જાન્યુઆરીથી સંપૂર્ણ ઉત્સાહ અને વચન સાથે નિર્માણ કામગીરી શરૂ થઈ જશે. 70 એકરમાં રામ મંદિરનું પરિસર બનાવાયું છે. પરિસરમાં મુખ્ય મંદિર ઉપરાંત 6 મંદિરો પણ બનાવાશે, જેમાં ગણપતિ મંદિર, અન્નપૂર્ણા મંદિર, માતા ભગવતી મંદિર, શિવ મંદિર અને હનુમાન મંદિર પણ બનાવાઈ રહ્યા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો