બિહારમાં નીતિશ કુમારની નવમીવાર નવાજૂની
- નીતિશે સવારે મહાગઠબંધનના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું, સાંજે એનડીએ સાથે સીએમપદના શપથ લીધા
- ઈન્ડિયા-મહાગઠબંધનને છૂટાછેડા આપી નીતિશે ફરી એનડીએ સાથે ઘર માંડયું : 2005થી પાંચ વખત ચૂંટણી જીત્યા, નવ વખત સીએમ
- પીએમ મોદીએ સવારે ફોન કર્યા પછી નીતિશ કુમારે રાજીનામું આપ્યું, એનડીએ સરકાર વિકાસ માટે કામ કરશે : વડાપ્રધાન
- ભાજપે સુશીલ કુમારના બદલે સમ્રાટ ચૌધરી, વિજય સિંહાને નાયબ સીએમ બનાવી ફરી સૌને ચોંકાવ્યા
પટના : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એનડીએ સાથે છેડો ફાડયાના માત્ર ૧૭ મહિનામાં ફરી એનડીએ સાથે જોડાઈ સરકાર બનાવી છે. આ સાથે હાડ થીજાવતી ઠંડી વચ્ચે બિહારમાં એક સપ્તાહથી સર્જાયેલી રાજકીય ગરમીમાં રવિવારે વડાપ્રધાન મોદીએ નીતિશ કુમારને કોલ કરીને એન્ટ્રી કરતાં આ રાજકીય નાટકનો અંત આવ્યો છે. નીતિશ કુમારે સવારે મહાગઠબંધનની સરકારના મુખ્યમંત્રી તરીકે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું હતું. ત્યાર પછી સાંજે ૫.૦૦ વાગ્યે એનડીએ સાથે જોડાણ કરીને નવેસરથી મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે નીતિશે વર્ષ ૨૦૦૫થી પાંચ વખત ચૂંટણી લડતા નવમી વખત અને ૧૮ વર્ષમાં માત્ર નવ મહિના સિવાયના સમયમાં મુખ્યમંત્રી બની રહેવાનો વિક્રમ સર્જ્યો છે.
આ વર્ષે લોકસભા ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સામે લડવા માટે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વર્ષ ૨૦૨૨માં વિપક્ષના નેતાઓને મળીને જે 'ઈન્ડિયા' ગઠબંધનની રચનાનો પાયો નાંખ્યો હતો તેમણે જ ચૂંટણીના થોડાક સમય પહેલાં જ વિપક્ષના ગઠબંધનને ઠેંગો બતાવ્યો છે. નીતિશ કુમારે રવિવારે સવારે રાજભવન પહોંચીને રાજ્યપાલને મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યું હતું.
રાજભવનમાંથી પાછા ફરતા નીતિશ કુમારે મીડિયાને જણાવ્યું હતું કે, રાજીનામું આપી દીધું છે. જે સરકાર હતી તેને સમાપ્ત કરવાની વાત મહામહિમ રાજ્યપાલને જણાવી દીધી છે. પક્ષના બધા જ લોકો સાથે વાતચીત પછી જ આ નિર્ણય લેવાયો છે. મહાગઠબંધનની સરકારમાં કોઈ કામ કરવા દેવામાં આવતું નહોતું. બધી જ મહેનત અમારા તરફથી કરાઈ રહી હતી અને તેનું શ્રેય અન્ય પક્ષો લઈ રહ્યા હતા. હવે નવી સરકાર બનવાની રાહ જૂઓ. જેડીયુના સૂત્રો મુજબ રવિવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે જ નીતિશ કુમાર સાથે ફોન પર વાત કરી હતી. ત્યાર પછી નીતિશ કુમારે રાજીનામું આપ્યું છે.
જોકે, નીતિશ કુમારે મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યાના કેટલાક કલાકોમાં જ તેઓ ફરી રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર પાસે પહોંચ્યા હતા અને ભાજપના સમર્થનનો પત્ર આપી એનડીએના જોડાણથી નવી સરકાર બનાવવાની જાહેરાત કરી હતી. આ સાથે નીતિશ કુમારે સાંજે ૫.૦૦ વાગ્યે એનડીએ સરકારના વિધાનદળના નેતા તરીકે મુખ્યમંત્રીપદે ફરીથી શપથ ગ્રહણ કર્યા હતા. નવી સરકારની રચના પહેલાં જદયુ સાથેના સોદા મુજબ નીતિશ કુમાર સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ સમ્રાટ ચૌધરી અને વિજય સિંહાએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ભાજપે સુશીલ મોદીને નાયબ સીએમ નહીં બનાવીને ફરી એક વખત બધાને ચોંકાવ્યા હતા. વધુમાં નવી સરકારમાં રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરે કુલ ૮ મંત્રીઓને શપથ અપાવ્યા હતા. એનડીએની સરકારના શપથ ગ્રહણ સમારંભમાં ભાજપ પ્રમુખ જેપી નડ્ડા અને બિહાર પ્રભારી વિનોદ તાવડે હાજર રહ્યા હતા.
નવી સરકારમાં જદયુના ક્વૉટામાંથી વિજય કુમાર ચૌધરી, બિજેન્દ્ર પ્રસાદ યાદવ અને શ્રવણ કુમાર, ભાજના ક્વૉટામાંથી પ્રદેશ પ્રમુખ સમ્રાટ ચૌથરી, વિજય સિંહા અને પ્રેમ કુમાર જ્યારે 'હમ'ના ક્વોટામાંથી પક્ષપ્રમુખ જિતનરામ માંઝીના પુત્ર સંતોષ કુમાર સુમન તેમજ અપક્ષ ધારાસભ્ય સુમિત સિંહે મંત્રીપદે શપથ લીધા છે.
પટનાના રાજભવનમાં શપથગ્રહણ સાથે નીતિશ કુમારે છેલ્લા ૧૮ વર્ષમાં પાંચ ચૂંટણી લડીને મુખ્યમંત્રી બનવાની સાથે કુલ નવ વખત મુખ્યમંત્રીપદે શપથ લીધા હતા. શપથ ગ્રહણ કર્યા પછી નીતિશ કુમારે પહેલી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમે જ્યાં હતા ત્યાં જ આવી ગયા. પહેલા પણ ભાજપ સાથે હતા, વચ્ચે ક્યાંક ગયા હતા, હવે ફરી સાથે આવી ગયા છીએ. મારી સાથે આઠ મંત્રીઓએ શપથ લીધા છે. અન્ય લોકોને ટૂંક સમયમાં શપથ અપાવાશે.
મહાગઠબંધનને 17 મહિનામાં 17 કૌભાંડ નડયા
નીતીશ કુમારનો પક્ષ 2024માં સાવ સાફ થઇ જશે : તેજસ્વી યાદવ
- મહાગઠબંધનની સરકારમાં અમે તેમની પાસે ઘણું કામ કરાવ્યું પરંતુ હવે નીતિશ કુમાર થાકી ગયા છે
બિહારમાં એક સપ્તાહથી ચાલતા રાજકીય નાટકનો રવિવારે અંત આવ્યો છે. નીતિશ કુમાર રવિવારે મહાગઠબંધન સાથે છેડો ફાડીને એનડીએમાં જોડાઈ ગયા છે. જોકે, બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાજદના નેતા તેજસ્વી યાદવે દાવો કર્યો છે કે વર્ષ ૨૦૨૪માં નીતિશ કુમારનો પક્ષ જદયુ સાવ સાફ થઈ જશે.
નીતીશ કુમારે મહાગઠબંધન સાથે છેડો ફાડયા પછી રાજદ નેતા તેજસ્વી યાદવે જદયુ પ્રમુખ ઉપર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે મહાગઠબંધનની સરકારમાં અમે તેમની પાસે ઘણું કામ કરાવ્યુંપરંતુ હવે તેઓ થાકી ગયા છે. નીતિશ કુમારે રાજીનામું આપ્યા પછી તેજસ્વી યાદવે પણ નાયબ મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યું હતુ. ત્યાર પછી તેમણે કહ્યું કે, અમે દોઢ વર્ષ પૂર્વે ગઠબંધનમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ દુર્ભાગ્યવશ આજે આ સ્થિતિ આવી છે. અમારા શાસનમાં બિહારમાં જે વિકાસ થયો તેટલો વિકાસ અગાઉની કોઈપણ સરકારમાં થયો નહોતો. વિપક્ષના નેતાઓએ નીતિશ કુમારને પલટુરામની ઉપાધી આપી હતી.
દરમિયાન નીતિશ કુમારે ઑગસ્ટ ૨૦૨૨માં એનડીએ સાથે છેડો ફાડીને મહાગઠબંધનમાં જોડાણ કર્યા પછી છેલ્લા ૧૭ મહિનામાં અંદાજે અનેક કૌભાંડો અને વિવાદો એવા થયા જેના કારણે નીતિશ કુમાર રાજદથી દૂર થયા હોવાનું રાજકીય પંડિતોનું કહેવું છે. સૂત્રો મુજબ મહાગઠબંધનની સરકાર બન્યાના બીજા જ દિવસે કાયદા મંત્રી કાર્તિક સિંહ પર પેન્ડિંગ કેસ અને વોરન્ટ અંગે વિવાદ થયો હતો. ત્યાર પછી રાજદ ક્વોટામાંથી કૃષિ મંત્રી બનેલા સુધાકર સિંહ પોતાને જાહેરમાં ચોરોના સરદાર ગણાવતા હતા.
વધુમાં રાજદના મંત્રી ચંદ્રશેખરે રામચરિત માનસ અંગે વિવાદાસ્પદ નિવેદનો કર્યા હતા. રાજદના અન્ય ધારાસભ્યો પણ દેવી-દેવતાઓ વિરુદ્ધ નિવેદનો કરતા રહેતા હતા. ભાજપ સામે લડવા માટે જે ઈન્ડિયા ગઠબંધનનો પાયો નીતિશ કુમારે નાંખ્યો હતો તે ગઠબંધનની બેંગ્લુરુ મીટિંગમાં નીતિશને સંયોજક બનાવાયા નહીં. ત્યાર પછી નીતિશની જગ્યાએ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને વિપક્ષી મોરચાના અધ્યક્ષ બનાવાતા નીતિશ નારાજ થયા હતા. વધુમાં રાજદ પ્રમુખ લાલુ યાદવ જદયુનું રાજદમાં વિલય કરવા દબાણ કરતા હોવાનો પણ દાવો થઈ રહ્યો છે.
Comments
Post a Comment