બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને મળશે બે તક, CBSEની ભલામણ, JEE અંગે પણ અપડેટ
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં રાહત આપવા નવો નિયમ લાવવાની તૈયારી શરૂ કરી છે. સામાન્ય રીતે બોર્ડની પરીક્ષામાં 3 વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓને તે જ વર્ષમાં પરીક્ષા આપવાની એક તક મળતી હતી, જોકે હવે તેઓને બે તક આપવાની ભલામણ કરાઈ છે. બોર્ડની પરીક્ષાનો નવો નિયમ આગામી વર્ષે 2025માં અમલમાં આવે તેવી સંભાવના છે. આ પરીક્ષા એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે વર્તમાન સમયમાં લેવાતી JEE (જોઈન્ટ એન્ટ્રેન્સ એક્ઝામ) મેઈન પરીક્ષાની જેમ યોજાશે, જેમાં તે પરીક્ષાના અંકોને જ અંતિમ મનાશે, જેમાં વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હશે.
શિક્ષણ વિભાગનો CBSEને નિર્દેશ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)એ બોર્ડના પરીક્ષાર્થીઓને બે તક આપવા શિક્ષણ વિભાગને ભલામણ કરી છે, જેમાં વિભાગના નિર્દેશ બાદ સીબીએસઈએ તેમાં ઘણાં સુધારા પણ કર્યા હતા. સુધારામાં વધુમાં વધુ ત્રણ વિષયમાં નાપાસ થવા પર તે જ વર્ષે ફરી પરીક્ષા આપવાનો વિકલ્પ અપાયો હતો, પરંતુ બોર્ડની પરીક્ષાઓ બે વખત લેવાતી હોવાથી તેમને વધુ સુવિધા આપવા વિચારણા ચાલી રહી છે. આ મુદ્દે શિક્ષણ વિભાગે સીબીએસઈને જરૂરી તૈયારીઓ કરવા નિર્દેશ આપ્યો છે.
બોર્ડની પરીક્ષાના પેટર્નમાં ફેરફાર કરવાનું સૂચન
શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ, હાલ બે વખત તક આપવાની શરૂઆત સીબીએસઈથી કરાશે. ઉપરાંત તમામ રાજ્યોને બોર્ડ પરીક્ષાના પેટર્નમાં ફેરફાર કરવાનું સૂચન અપાયું છે. આમાં વિશેષ બાબત એ છે કે, બંને પરીક્ષા વચ્ચે અંતર રહેશે, જેના કારણે વિદ્યાર્થીઓએ તણાવનો સામનો પણ નહીં કરવો પડે.
Comments
Post a Comment