અમેરિકાએ 2023માં રેકોર્ડ 14 લાખ ભારતીયોને વિઝા આપ્યા, દર 10 અરજદારમાં એક ભારતનો
US Visa : ભારત સ્થિત અમેરિકન અધિકારીઓની ટીમે વર્ષ 2023માં રેકોર્ડ 14 લાખ અમેરિકન વિઝા જારી કર્યા છે. આ ઉપરાંત 2022ની તુલનાએ આ વર્ષે અરજદારોમાં પણ 60%નો વધારો થયો છે. બીજીતરફ વિઝિટર વિઝા એપોઇન્ટમેન્ટ વેઇટ ટાઇમમાં 75%નો ઘટાડો નોંધાયો છે. ભારત સ્થિત અમેરિકન એમ્બેસીએ કહ્યું કે, વિશ્વભરમાં દર 10 અમેરિકન અરજદારમાંથી એક ભારતીયનો સમાવેશ થાય છે.
એક વર્ષમાં વિઝા માંગમાં 60%નો વધારો
એમ્બેસીના નિવેદન મુજબ, ‘ભારત સ્થિત અમેરિકન એમ્બેસી અને વાણિજ્ય એમ્બેસીએ 2023માં રેકોર્ડ 14 લાખ અમેરિકન વિઝા જારી કર્યા છે. તમામ વિઝા કેટેગરીમાં અભૂતપૂર્વ માંગ નોંધાઈ છે અને તેમાં 2022ની તુલનાએ 60%નો વધારો થયો છે. વિશ્વભરમાં દર 10 અમેરિકન વિઝા અરજદારોમાંથી એક ભારતીયનો સમાવેશ થાય છે.’
વિઝિટ વિઝા માટે સાત લાખથી વધુ અરજી
વિઝિટર વિઝા માટે અરજી કરનારાઓની સંખ્યા સાત લાખથી પણ વધુ નોંધાઈ છે. પ્રક્રિયામાં સુધારા અને સ્ટાફિંગમાં રોકાણને કારણે સમગ્ર દેશમાં વિઝિટર વિઝા માટે એપોઇન્ટમેન્ટ વેઈટિંગ ટાઈમ સરેરાશ 1000 દિવસથી ઘટાડીને માત્ર 250 દિવસ કરાયો છે.
1.40 લાખથી વધુ સ્ટુડન્ટ વિઝા જારી કરાયા
નિવેદનમાં જણાવાયું છે કે, 2023માં 1.40 લાખ સ્ટુડન્ટ વિઝા જારી કરાયા છે, જે સતત ત્રીજી વખત રેકોર્ડ નોંધાયો છે અને અન્ય દેશોની તુલનાએ પણ સૌથી વધુ છે. અમેરિકામાં 10 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓમાંથી આશરે 2.50 લાખ ભારતીયો છે.
3.5 લાખથી વધુ રોજગાર વિઝા જારી કરાયા
અમેરિકન દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસે વધુમાં કહ્યું કે, અમારા માટે સર્વોચ્ચ પ્રાથમિકતા ‘રોજગાર વિઝા’ પણ છે. 2023માં ભારતીય અને તેમના પરિવારના સભ્યો માટે 3.80 લાખથી વધુ રોજગાર વિઝા જારી કરાયા છે.
Comments
Post a Comment