ઝારખંડના નવા CM ચંપઈ સોરેન... અભ્યાસ ધો.10, બાળકો સાત, બે વખત બન્યા કેબિનેટ મંત્રી
Who is Champai Soren : જમીન કૌભાંડ (Land Scam Case)માં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની (CM Hemant Soren) ધરપકડની ઘટના વચ્ચે નવા મુખ્યમંત્રીનું પણ નામ સામે આવી ગયું છે. ઈડીની કાર્યવાહી બાદ સોરેને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના ધારાસભ્યોએ ચંપઈ સોરેનને વિધાયક દળના નેતા ચૂંટ્યા છે. ઝારખંડ ટાઈગર તરીકે જાણીતા ચંપઈ સોરેન હવે રાજ્યના આગામી મુખ્યમંત્રી પદના શપથ લેશે. વર્તમાનમાં તેઓ કેબિનેટના વરિષ્ઠ મંત્રી છે. અગાઉ મુખ્યમંત્રી પદની રેસમાં હેમંત સોરેનની પત્ની કલ્પનાનું પણ નામ સામે આવ્યું હતું. જોકે હવે ચંપઈ સોરેન પર મહોર મરાઈ છે.
કોણ છે ચંપઈ સોરેન?
ચંપઈ સોરેન સરાયકેલા-ખરસાવાં જિલ્લાના જિલિંગગોડા ગામના રહેવાસી છે. તેમના પિતાનું નામ સિમલ સોરેન છે, જેઓ ખેતી કરતા હતા. ચંપઈના ત્રણ ભાઈ છે, જેમાંથી તેઓ સૌથી મોટા છે. તેમણે ધોરણ-10 સુધી અબ્યાસ કર્યો છે. તેમના નાની ઉંમરે જ માનકો સાથે લગ્ન કરી દેવાયા હતા. ચંપઈને ચાર પુત્રો અને ત્રણ પુત્રીઓ છે.
આંદોલન બાદ ચંપઈની રાજકીય કારકિર્દી શરૂ થઈ
એક સમયે ઝારખંડને બિહારથી અલગ રાજ્ય બનાવવાની માંગ ઉઠી હતી, જેમાં શિબુ સોરેન સાથે ચંપઈ પણ ઝારખંડના આંદોલનમાં કુદી પડ્યા હતા અને તેઓ ‘ઝારખંડ ટાઈગર’ના નામથી ઓળખતા થયા. ત્યારબાદ ચંપઈ સોરેને પેટાચૂંટણીમાં સરાયકેલા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય તરીકે જીત્યા અને રાજકીય કેરીયરની શરૂઆત કરી. પછી તેઓ ઝારખંડ મુક્તિ મોરચામાં સામેલ થઈ ગયા હતા.
ચંપઈ ભાજપ સરકારમાં પણ મંત્રી બન્યા હતા
JMM નેતા ચંપઈ સોરેનને ભાજપ નેતા અર્જુન મુંડાની બે વર્ષ, 129 દિવસની સરકારમાં કેબિનેટ મંત્રી બનાવાયા હતા અને મહત્વનું મંત્રાલયની જવાબદારી સોંપાઈ હતી. ચંપઈ 11 સપ્ટેમ્બર 2010થી 18 જાન્યુઆરી 2013 સુધી મંત્રી રહ્યા હતા. ત્યારબાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. પછી હેમંત સોરેનની આગેવાની હેઠળ બનેલી જેએમએમની સરકારમાં ચંપઈને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી, પરિવહન મંત્રી બનાવાયા હતા.
હેમંત સોરેનની સરકારમાં બીજી વખત મંત્રી બન્યા
હેમંત સોરેન 2019માં ફરી મુખ્યમંત્રી બન્યા બાદ ચંપઈને પરિવહન, અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ અને પછાત વર્ગ કલ્યાણ મંત્રી બનાવાયા હતા. ચંપઈ ઝામુમોના ઉપાધ્યક્ષ પણ છે. હવે તેમને વિધાયક દળના નેતા ચૂંટવામાં આવ્યા છે, ત્યારબાદ તેઓ ઝારખંડના નવા મુખ્યમંત્રી બનશે.
Comments
Post a Comment