ભોપાલ : ગેરકાયદે ચાલતા બાળગૃહમાંથી ગુમ 26 બાળકીમાંથી 12 મળી આવી, 4 અધિકારી સામે કાર્યવાહી
Girls Missing From Children's Home in Madhya Pradesh : મધ્યપ્રદેશના ભોપાલમાં ગેરકાયદે ચાલતા બાળગૃહમાંથી ગુમ થયેલી 26 બાળકીમાંથી 12 પોતાના ઘરેથી મળી આવી છે, જ્યારે અન્ય બાળકીઓની શોધખોળ ચાલી રહી છે. બીજીતરફ બેદરકારી મામલે 2 અધિકારીઓને સસ્પેન્ડ, જ્યારે 2ને કારણ બતાવો નોટિસ ફટકારાઈ છે. બીજીતરફ આ મામલે ભોપાલ ગ્રામીણ એસપીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
2 અધિકારી સસ્પેન્ડ, 2ને કારણ બતાવો નોટિસ
મળતા અહેવાલો મુજબ બાળકી મામલે બેદરકારી દાખવવા પર સીડીપીઓ બૃજેન્દ્ર પ્રતાપ સિંહ અને સીડીપીઓ કોમલ ઉપાધ્યાયને સસ્પેન્ડ કરી દેવાયા છે. ઉપરાંત મહિલા બાળ વિકાસ અધિકારી સુનીલ સોલંકી તેમજ મહિલા બાળગૃહના સહાયક સંચાલક વિકાસ રામગોપાલ યાદવને કારણ બતાવો નોટિસ ફટકારાઈ છે.
41 બાળકીઓને રજિસ્ટર્ડ બાળગૃહમાં મોકલાઈ
બાળ વિકાસ આયોગે સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, રજીસ્ટ્રેશન વગરના બાળગૃહમાં રેસ્ક્યૂ કરીને લવાયેલી બાળકીની કોઈપણ માહિતી સીડબલ્યૂસીને અપાઈ ન હતી. ઉપરાંત નિયમોનું પણ ઉલ્લંઘન કરાયું હતું. હાલ આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે. આયોગે બાળગૃહની જાતમાહિતી મેળવી વહિવટીતંત્રની મદદથી અન્ય 41 બાળકીઓને રજિસ્ટર્ડ થયેલા બાળગૃહમાં લઈ ગઈ છે.
બાળગૃહમાંથી કેટલીક બાળકીઓના ફૉર્મ મળ્યા
તપાસ દરમિયાન ગેરકાયદે બાળગૃહમાંથી કેટલીક બાળકીઓના ફૉર્મ મળી આવ્યા છે, પરંતુ ફૉર્મમાં દર્શાવેલી બાળકીઓ ન મળતા સંસ્થામાં પૂછપરછ કરાઈ છે. સંસ્થાએ તે બાળકીઓ પોતાના ઘરે પરત ફરી હોવાનું જણાવ્યા બાદ પોલિસી વેરિફિકેશન કામગીરી હાથ ધરી છે. અત્યાર સુધીમાં 12 બાળકીઓ પોતાના ઘરે મળી આવી છે. બાકીની બાળકીઓને શોધવા તપાસ ચાલી રહી છે. બાળકીઓ ગુમ થવાની માહિતી ખોટી છે.
મન ન લાગવાને કારણે બાળકીઓ પોતાના ઘરે પરત ફરી : એસપી
ભોપાલ ગ્રામીણ એસપી પ્રમોદ કુમાર સિન્હાએ કહ્યું છે કે, બાળગૃહમાંથી 26 બાળકીઓ ગુમ થવાના અહેવાલો ચાલી રહ્યા છે. હાલ પૂછપરછમાં માત્ર એવી બાબત સામે આવી છે કે, ઘણી બાળકીઓ કોઈ કારણસર રજિસ્ટ્રેશન કરાવીને પોતાના પરિવાર સાથે પરત ફરી છે. તપાસમાં માત્ર એટલું જ જાણવા મળ્યું છે કે, બાળકીઓ મન ન લાગવાને કારણે પરિવાર પાસે જતી રહી છે. હાલ આ મામલે વધુ તપાસ ચલાવાઈ રહી છે.
ગુમનો મામલો કેવી રીતે આવ્યો બહાર
ઉલ્લેખનિય છે કે, રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ પ્રિયાંક કાનૂનગોએ ભોપાલના બહારના વિસ્તાર પરવલિયામાં ચાલી રહેલા આંચલ બાળ છાત્રાલયની ઓચિંતી મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે રજિસ્ટર્ડ ચેક કર્યું તો તેમાં 68 બાળકીઓની એન્ટ્રી હતી, પરંતુ 26 બાળકીઓ ગુમ હતી. આ બાલકીઓ ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન ઉપરાંત મધ્યપ્રદેશના સીહોર, રાયસેન, છિંદવાડા, બાલાઘાટની હોવાની રહેવાસી હતી. પોલીસે મંજૂરી વગર બાળગૃહ ચલાવવા મામલે સંચાલક અનિલ મેથ્યૂ સામે એફઆઈઆર નોંધી છે.
Comments
Post a Comment