ઈઝરાયલના હુમલામાં ગાઝામાં 126ના મોત, પેલેસ્ટાઈને ચિંતા વ્યક્ત કરી, UNમાં ઉઠાવશે મુદ્દો
Israel-Hamas War : ઈઝરાયલ-હમાસના યુદ્ધને 3 મહિનાથી વધુનો સમય થઈ ગયો છે, ત્યારે ઈઝરાયેલી સેનાએ ગાઝા (Gaza)માં ભીષણ હુમલો કરતા 24 કલાકમાં 126 લોકોના મોત થયા છે. જ્યારે ઈઝરાયેલી સેનાએ દીર અલ-બલાહમાં અલ-અક્સા શહીદ હોસ્પિટલ પાસે રહેણાંક વિસ્તારમાં 3 મિસાઈલ હુમલો કરતાં ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. હુમલા બાદ અમેરિકા (America)એ ચિંતા વ્યક્ત કરી છે, તો પેલેસ્ટાઈ (Palestine)ની રાજદૂતે ફરી યુએનમાં મુદ્દો ઉઠાવવા શુક્રવારે આરબ સમુહની બેઠક બોલાવી છે. ઈઝરાયલના તેલ અવીવની મુલાકાતે આવેલા અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કને પણ વહેલીતકે યુદ્ધ સમાપ્ત કરવાની વાત કહી છે.
અમેરિકાની બે મોઢાની વાત
બ્લિકને કહ્યું કે, ‘અમે ઈચ્છી રહ્યા છે કે, યુદ્ધ વહેલીતકે સમાપ્ત થાય. યુદ્ધના કારણો મોટી સંખ્યામાં લોકો જીવ ગુમાવી રહ્યા છે. લાખો લોકો પ્રભાવિત થયા છે. કોઈપણ 7 ઓક્ટોબર જેવો હુમલો કરતા વિચારે, તે હેતુથી ઈઝરાયેલ પોતાના હિતોની સુરક્ષા કરતું હોવાની બાબત પણ મહત્વપૂર્ણ છે.’ આમ તેમની વાત પરથી લાગી રહ્યું છે કે, અમેરિકા બે બાજુ વાત કરી રહ્યું છે. તે યુદ્ધ અટકાવવા પણ ઈચ્છે છે, પરંતુ ઈઝરાયેલનું સમર્થન પણ કરી રહ્યું છે.
ગાઝામાં સ્થિતિ વધુ વણસી
ગાઝા પટ્ટીમાં એક તરફ મોતના આંકડાઓ વધી રહ્યા છે, તો બીજીતરફ લોકો જીવ બચાવવા આમ-તેમ ભાગી રહ્યા છે. ઈઝરાયના સતત હુમલાના કારણે ઈજાગ્રસ્તોને સારવાર મળવી મુશ્કેલ બની છે, ઉપરાંત માનવીય સહાય પણ ત્યાં પહોંચી રહી નથી. એટલું જ નહીં ઈજિપ્તના અલ અરિશમાં જર્મની વિદેશમંત્રી અન્નાલીનાએ માનવીય મદદ પહોંચાડવા રફા બોર્ડર ખોલવા પણ અપીલ કરી છે.
શુક્રવારે આરબ સમૂહની બેઠક, યુદ્ધનો મુદ્દો ઉઠાવાશે
યુદ્ધની સ્થિતિ ચિંતાજનક બની ગઈ છે, જેને અટકાવવા સંયુક્ત રાષ્ટ્રમાં પણ સતત મુદ્દા ઉઠાવાઈ રહ્યા છે. પેલેસ્ટાઈનના સંયુક્ત રાષ્ટ્રના રાજદૂત રિયાદ મંજૂરે ફરી પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે, તેઓ સંયુક્ત રાષ્ટ્રનો દરવાજો ખટખટાવશે. શુક્રવારે આરબ સમૂહની મુખ્ય બેઠક પણ યોજાવાની છે, જેમાં યુદ્ધનો મુદ્દો ઉઠાવાશે.
યુદ્ધમાં 23 હજારથી વધુના મોત
ઉલ્લેખનિય છે કે, ઈઝરાયલી હુમલામાં અત્યાર સુધીમાં 23 હજારથી વધુ પેલેસ્ટાઈની નાગરિકોના મોત થયા છે. 58 હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. 23 લાખ લોકો બેઘર થયા છે. 7 ઓક્ટોબરે હમાસના હુમલા બાદ ઈઝરાયલ વળતો જવાબ આપી રહ્યો છે. ઈઝરાયેલે પણ કહ્યું છે કે, અમે હમાસનો ખાતમો બોલાવ્યા બાદ જ યુદ્ધ સમાપ્ત કરીશું.
Comments
Post a Comment