ભારતમાં ‘હિટ એન્ડ રન’ના કેસો સૌથી વધુ કેમ ? અમેરિકા, જાપાન જેવા વિકસિત દેશોમાં શું છે કાયદો

નવી દિલ્હી, તા.02 જાન્યુઆરી-2024, મંગળવાર

Provision in law : ભારત તેવા દેશોમાં સામેલ છે, જ્યાં હિટ એન્ડ રનના કેસો સૌથી વધુ બને છે અને મૃત્યુ પણ વધુ થાય છે. ભારતમાં દર વર્ષે લગભગ સાડા ચાર લાખ અકસ્માતો અને દોઢ લાખ લોકોના મોત થાય છે. હિટ એન્ડ રનમાં 25થી 30 હજાર લોકો પોતાનો જીવ ગુમાવે છે, ત્યારે ભારત સરકારે ભારતીય ન્યાય સંહિતા (Bharatiya Nyaya Sanhita 2023)માં હિટ એન્ડ રન કેસમાં કડક નિયમો કરાતા તેના વિરોધમાં દેશભરના ટ્રક અને બસ ડ્રાઈવરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત તમામ રાજ્યોના ડ્રાઈવરો હડતાલ પર હતા. જોકે સરકારે નવી જોગવાઈને હાલ પુરતી મોકુફ રાખી છે.

પહેલા હિટ એન્ડ રનનો અર્થ સમજીયે

‘હિટ એન્ડ રન’ રોડ અકસ્માતનો એક પ્રકાર છે, જેમાં વાહન ચાલકનું વાહન અન્ય વાહન, વ્યક્તિ અથવા વસ્તુ સાથે અથડાયા બાદ તે ઘટના સ્થળે ઉભો રહેતો નથી, કોઈને મદદ કરતો નથી અને ભયભીત થઈ ભાગી જાય છે. જેમ કે જો એક વાહન કોઈ વ્યક્તિને ટક્કર મારે અથવા તેને કચડી નાખે, ત્યારબાદ ડ્રાઈવર ઈજાગ્રસ્ત વ્યક્તિને મદદ કર્યા વગર ઘટનાસ્થળેથી ભાગી જાય, તો તે ફોજદારી કેસ બને છે. આવી ઘટનાઓને રોકવા કાયદો બનાવાયો છે. પરંતુ નવી જોગવાઈનો ઉમેરો કરી કાયદાને વધુ કડક બનાવાયો છે.

અગાઉના અને હવેના ‘હિટ એન્ડ રન કાયદા’માં તફાવત

તાજેતરમાં જ સંસદમાં પસાર કરાયેલા 3 નવા ફોજદારી ન્યાય ખરડાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મંજૂરી આપી દેતા હવે ત્રણેય વિધેયક કાયદો બની ગયા છે. આ 3 નવા કાયદાઓમાંથી ભારતીય ન્યાયિક સંહિતાની એક જોગવાઈ ‘હિડ એન્ડ રન’નો વિરોધ ચાલી રહ્યો છે. અગાઉ જુના કાયદામાં હિટ એન્ડ રન કેસમાં બેદરકારીથી વાહન હંકારવું, બેદરકારીના કારણે કોઈનું મોત થવું અથવા કોઈના જીવને ખતરામાં નાખવા પર કલમ 279, 304A, 338 હેઠળ કાર્યવાહી થતી હતી, જેમાં વધુમાં વધુ 2 વર્ષની જેલની જોગવાઈ છે. એટલું જ આરોપીને તુરંત જામીન પણ મળી જાય છે.

‘અકસ્માત સર્જી સ્થળ પરથી ભાગ્યા તો...’

હવે ભારતીય ન્યાય સંહિતાની ધારા 104(2) હેઠળ હિટ એન્ડ રન કેસમાં આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. જો બેદરકારી અથવા ઝડપી વાહન ચલાવવાના કારણે કોઈનું મોત થાય અને આરોપી ડ્રાઈવર પોલીસને જાણ કર્યા વગર ઘટનાસ્થળેથી ભાગી જાય તો તેને 10 વર્ષની સજા થઈ શકે છે. 7 લાખનો દંડ પણ ભરવો પડી શકે છે. જો આરોપી અકસ્માત સ્થળેથી ન ભાગે તો 5 વર્ષની સજા થઈ શકે છે. આ બંને બાબતો બિનજામીન પાત્ર છે અને સૌથી મોટી વાત આરોપી ડ્રાઈવરને પોલીસ સ્ટેશનમાંથી જામીન નહીં મળે.

ભારતમાં કેમ વધ્યા હિટ એન્ડ રન કેસ ?

કેન્દ્રીય પરિવહન મંત્રાલયે તાજેતરમાં જાહેર કરેલા આંકડા મુજબ વર્ષ 2021ની તુલનાએ 2022માં અકસ્માતના કેસ 17 ટકા, મૃત્યુઆંક 17 ટકા અને ઈજાગ્રસ્તોની સંખ્યા 20 ટકા વધ્યા છે. વર્ષ 2005થી ભારતમાં દર વર્ષે સાડા ચાર લાખ રોડ અકસ્માતો થઈ રહ્યા છે. વર્ષ 2020માં લોકડાઉન જાહેર કરાયા બાદ આંકડો ચાર લાખથી નીચે ગયો હતો. લોકડાઉન દરમિયાન 3,72,181 અકસ્માતો થયા, જેમાં 1,38,383 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

પ્રદર્શનકારી ડ્રાઈવરોની માંગ અને તર્ક

દેશભરના વાહનચાલકો કાયદાની નવી જોગવાઈનો વિરોધ કરી રહ્યા હતા. જોકે તાજેતરના અહેવાલો મુજબ સરકારે નવી જોગવાઈ હાલ પુરતી મોકુફ રાખવાનો નિર્ણય કરતા હડતાળ સમેટાઈ છે. અગાઉ ઑલ ઈન્ડિયા ટ્રક ચાલક સંગઠને હડતાલની જાહેરાત કરી હતી. તેઓ માંગ હતી કે, જ્યાં સુધી સરકાર નવી જોગવાઈ પરત નહીં ખેંચે ત્યાં સુધી તેઓ હડતાલ ચાલુ રાખશે અને બસ-ટ્રક પણ ચલાવશે નહીં. ટ્રાન્સપોર્ટ વેપારીઓ પણ નવા પરિવહન નિયમોનો વિરોધ કર્યો હતો.

કાયદામાં નવી જોગવાઈ વિરુદ્ધ પ્રદર્શન કરનારાઓનો જુદો જુદો તર્ક હતો. તેમના મત મુજબ જો તેમને પાંચ કે દસ વર્ષની જેલ થાય તો તેમના પરિવારનું શું થશે. અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ભાગી જવાના આક્ષેપ પર પ્રદર્શનકારી ડ્રાઈવરોનો તર્ક છે કે, જો તેઓ ઘટનાસ્થળેથી ન ભાગે તો ભીડ હુમલો કરી દેશે અને જાનથી પણ મારી શકે છે. અકસ્માત બાદ ભીડ ઘણીવાર ઉગ્ર બની જાય છે.

કેટલાક પ્રદર્શનકારીઓનો એવો દાવો છે કે, સરકારે વિદેશની જેમ હિટ એન્ડ રનમાં કડક જોગવાઈ કરી છે, પરંતુ તે પહેલા સરકારે ભારતમાં વિદેશોની જેમ સારા રસ્તા અને પરિવહન વ્યવસ્થા પર ધ્યાન આપવાની જરૂર છે.

અમેરિકા, જાપાન જેવા વિકસિત દેશોના કાયદા

અમેરિકાની લૉ ફર્મ justiaના આર્ટિકલ મુજબ અમેરિકામાં અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ભાગી જવું ગુનો છે. અહીં જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી જોગવાઈ છે. જો ડ્રાઈવર અકસ્માત બાદ પોલીસને જાણ કર્યા વગર ભાગી જાય તો લાઈસન્સ રદ, જેલની સજા અને 20 હજાર ડૉલરનો દંડ ફટકારવામાં આવી શકે છે. જાપાનમાં જો કોઈ ડ્રાઈવર કોઈ વ્યક્તિને ટક્કર મારે અને તે વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત થાય અથવા મૃત્યુ થાય તો આરોપીને વધુમાં વધુ 7 વર્ષની જેલની સજા અથવા 1 મિલિયન યેન સુધીનો દંડ ફટકારવામાં આવે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે