ઝારખંડ: ધારાસભ્યો અને પરિવારના વિવાદને કારણે કલ્પના સોરેને ગુમાવી CM બનવાની તક!
JMM Party and Soren Family Controversy : કરોડોના જમીન કૌભાંડ કેસ (Land Scam Case)માં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન (Jharkhand CM Hemant Soren)ની ધરપકડ કરવામાં આવી છે. ED દ્વારા આજે સાત કલાક પૂછપરછ દરમિયાન સોરેને સંતોષકારક જવાબ ન આપતા આ કાર્યવાહી કરાઈ છે. હેમંતે મુખ્યમંત્રી પદ પરથી પણ રાજીનામું આપી દીધું છે, તો બીજીતરફ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ચંપઈ સોરેન (Champai Soren)નું પણ નામ સામે આવ્યું છે. આ પહેલા મુખ્યમંત્રી રેસમાં ચર્ચાસ્પદ બનેલું નામ હેમંતની પત્ની કલ્પના સોરેન (Kalpana Soren)નું નામ આગળ હતું, પરંતુ ઓ સીએમ રેસમાંથી આઉટ થતા સૌકોઈ ચોંકી ગયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ પક્ષના જ ધારાસભ્યોનો વિરોધ અને પારિવારિક વિવાદના કારણે કલ્પના સોરેને મુખ્યમંત્રી બનવાની તક ગુમાવી છે.
ચંપઈ સોરેન રાજ્યના નવા મુખ્યમંત્રી
હેમંતની ધરપકડ બાદ હવે ચંપઈ સોરેન રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે, જે ચોંકાવનારું નામ છે, કારણ કે અત્યાર સુધી સોરેનની પત્ની કલ્પનાનું નામ સૌથી આગળ ચાલી રહ્યું હતું, પરંતુ બુધવારે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ, તો તેમાં ચંપઈ રાયને નેતા ચૂંટવામાં આવ્યા છે. કલ્પના મંગળવારની ધારાસભ્ય દળની બેઠકમાં પણ ઉપસ્થિત હતી. આ ઉપરાંત તેઓ રાજકીય પરિવારના છે, પરંતુ તેઓ રાજકારણથી દૂર રહ્યા છે, તેમ છતાં તેમના નામથી ઘણા દિવસોથી ચર્ચા થઈ રહી છે. તેથી જ સીએમ રેસમાં તેઓ બાકાત થતા અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
કલ્પના પર બે સંકટ, પક્ષનો પણ વિવાદ અને પરિવારના સભ્યનો પણ...
સોરેન પરિવારને ઝારખંડનો સૌથી મોટો રાજકીય પરિવાર માનવામાં આવે છે. હેમંત સોરેનના પિતા અને ઝામુમોના પ્રમુખ શિબુ સોરેન (Shibu Soren) ઝારખંડના ત્રણ વખતના મુખ્યમંત્રી રહ્યા છે. આવી સ્થિતિમાં જ્યારે કલ્પના સોરેનનું નામ મુખ્યમંત્રીની રેસમાં આવ્યું, તો પક્ષમાં વિવાદ વધવા લાગ્યો.
સોરેનના ભાઈ વસંત સોરેનને મુખ્યમંત્રી બનાવવાની માંગ
ભાજપ સાંસદ નિશિકાંત દુબે (BJP MP Nishikant Dubey)એ દાવો કર્યો કે, ‘ઝામુમોના 29માંથી 18 ધારાસભ્યો કલ્પના સોરેનને મુખ્યમંત્રી બનાવવા ઈચ્છતા ન હતા. 18 ધારાસભ્યો હેમંત સોરેનના ભાઈ વસંત સોરેન (Vasant Soren)ને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહ્યા હતા.’ એવા અહેવાલો છે કે, મુખ્યમંત્રીની રેસમાં સીતા સોરેનનું પણ નામ સામેલ હતું. સીતા સોરેન (Sita Soren) હેમંત સોરેનના મોટા ભાઈ દુર્ગા સોરેનની પત્ની છે. દુર્ગા સોરેનનું 2009માં નિધન થયું હતું. એવું પણ કહેવાય છે કે, આવી સ્થિતિમાં પરિવારના મોટા લોકોની અવગણના કરી કલ્પના સોરેનને મુખ્યમંત્રી બનાવાઈ હોત તો પરિવારમાં વિવાદ ઉભો થઈ શકતો હતો.
સીતા સોરેન પણ મુખ્યમંત્રીની રેસમાં
કલ્પનાને મુખ્યમંત્રી બનાવાઈ હોત તો પરિવારમાં આંતરીક વિવાદ થાત. ગઠબંધન સરકારમાં કુલ 49 ધારાસભ્યો છે, પરંતુ મંગળવારની ધારાસભ્યોની બેઠકમાં 35 જ આવ્યા હતા. એવું કહેવાય છે કે, જે ધારાસભ્યો બેઠકમાં આવ્યા ન હતા, તેઓ કલ્પનાના બદલે સીતાને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહ્યા હતા. કલ્પનાને મુખ્યમંત્રી બનાવાની ચર્ચા અગાઉ સીતા સોરેને કહ્યું હતું કે, ‘હું સોરેન પરિવારની મોટી વહું છું. મારા પતિએ ઝારખંડ નિર્માણ માટે લાંબા સમય સુધી આંદોલન કર્યું છે. મેં હેમંત સોરેનને ઉત્તરાધિકારી માન્યો હતો, અન્ય કોઈને નહીં.’
સીતા સોરેને હેમંત સામે કર્યા હતા ગંભીર આક્ષેપ
સીતા સોરેને એપ્રિલ 2022માં મુખ્યમંત્રી હેમંત સોરેનની સરકાર વિરુદ્ધ જાહેરમાં બળવો કર્યો હતો. સીતા સોરેને હેમંત પર નિશાન સાધી કહ્યું હતું કે, ‘ખનીજ સમૃદ્ધ રાજ્યમાં જમીનની લૂંટ રોકવામાં સરકાર નિષ્ફળ રહી છે. ગુરુજી (શિબુ સોરેન) અને મારા પતિના જળ-જંગલ-જમીન વિઝનને નષ્ટ કરવામાં આવી રહ્યું છે. ભ્રષ્ટ અધિકારીઓને બચાવવામાં આવી રહ્યા છે. લોકોને અમારી સરકાર પાસેથી આશા હતી, પરંતુ હવે તેઓ નિરાશ છે.’ સીતાએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી ઝારખંડના ચતરામાં એક ખનીજ કંપની વિરુદ્ધ કાર્યવાહીની પણ માંગ કરી હતી. એટલું જ નહીં ઝામુમો સરકાર સામે બાથ ભીડવા સીતા સોરેનની બે પુત્રી રાજશ્રી અને જયશ્રીએ પણ માતાનો સાથ આપ્યો છે. ઝારખંડમાં ભ્રષ્ટાચાર અને લૂંટ સામે લડવા તેમણે વર્ષ 2021માં ‘દુર્ગા સોરેન સેના’ની સ્થાપના પણ કરી હતી.
કલ્પનાનું ધારાસભ્ય ન હોવું એ પણ એક કારણ!
કલ્પના ધારાસભ્ય ન હોવાથી મુખ્યમંત્રી ન બનાવાઈ હોવાનું પણ કહેવાય છે. જો કલ્પનાને સીએમ બનાવાઈ હોત તો બંધારણ મુજબ તેમણે 6 મહિનાની અંદર વિધાનસભાનું સભ્ય બનવું પડે અને તે માટે કોઈ એક બેઠક પર પેટાચૂંટણી (By-Election) યોજવી પડે. પરંતુ એવું પણ મનાઈ રહ્યું છે કે, નવેમ્બર-ડિસેમ્બરમાં ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, આવી સ્થિતિમાં પેટાચૂંટણી યોજાતી નથી, તેથી પેટાચૂંટણી માટે ચૂંટણી પંચ (Election Commission) પણ સંમત ન થાત અને આ જ કારણે કલ્પનાએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની નોબત આવે.
Comments
Post a Comment